સાવરકુંડલામાં દૂધના બાકી નીકળતા પૈસાની ઉઘરાણી કરવા જેવી સામાન્ય બાબતે બે સગા ભાઈઓએ ઉશ્કેરાઈ જઈ એક યુવક પર તલવાર અને લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ હુમલામાં યુવકને બંને પગે ગંભીર ઈજાઓ પહોંચતા ટાંકા લેવા પડ્યા હતા. આ અંગે સલીમભાઇ હુસેનભાઇ ઝાંખરા (ઉ.વ.૪૪)એ ઇકબાલભાઇ આમદભાઇ ચાવડા તથા ઇરફાનભાઇ આમદભાઇ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, આરોપીઓની માતા વહીદાબેનનો પગ ભાંગી ગયો હોવાથી તેમના ઘરેથી તેમને ત્યાં ગાયનું દૂધ જતું હતું. આ દૂધના પૈસા બાકી હોવાથી તમણે ફોન કરીને પૈસાની માંગણી કરી હતી. પૈસા માંગવા બાબતે બંને પક્ષો વચ્ચે ફોન પર બોલાચાલી થઈ હતી, જેનું મનદુઃખ રાખીને બે શખ્સોએ હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું. જ્યારે તેઓપોતાના ઘરની બહાર લારી પર બેઠા હતા, ત્યારે આરોપીઓ ત્યાં ધસી આવ્યા હતા અને ગાળાગાળી શરૂ કરી હતી. ઈકબાલા ચાવડાએ ડાબા પગમાં તલવારનો ઘા ઝીંકી દીધો હતો. ત્યારબાદ તેણે ઈરફાનભાઈના હાથમાંથી લોખંડનો પાઈપ આંચકીને જમણા પગમાં પણ ફટકો માર્યો હતો. બંને ભાઈઓએ એકસંપ થઈને કરેલા આ હુમલામાં તેમને બંને પગે બબ્બે ટાંકા આવ્યા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.એન. ખસતીયા વધુ તપાસ કરી રહ્યા છે.










































