સાવરકુંડલા શહેરમાં આવેલી એક હોટલ પર ચા પીવા ગયેલા ગ્રાહક પર હોટલ સંચાલકે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ચાના પૈસા આપ્યા હોવા છતાં, બાકી છે તેમ કહીને તકરાર કરી ગ્રાહકને લોહીલુહાણ કરી મૂકવામાં આવ્યો હતો. આ અંગે ઉમરભાઇ ભીખુભાઇ જાખરા (ઉ.વ.૪૮)એ સદામભાઇ ઉમરભાઇ જાખરા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ ‘ફેમસ’ નામની ચાની હોટલે ચા પીવા માટે ગયા હતા. આ સમયે હોટલ સંચાલક આરોપીએ તેમને અટકાવીને કહ્યું હતું કે, ‘તેં મને અગાઉના ચાના પૈસા આપ્યા નથી.’ આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. તકરાર વધતા ઉશ્કેરાયેલા હોટલ સંચાલકે ચા બનાવવાના લોખંડના ડોયા વડે તેમના જમણા ગાલ પર જોરદાર ફટકો માર્યો હતો, જેના કારણે ગંભીર ઇજા થતા લોહી નીકળવા લાગ્યું હતું. આટલેથી ન અટકતા, આરોપીએ સાણસી વડે તેમના ડાબા હાથની કોણી પર પણ હુમલો કરી મૂઢ માર માર્યો હતો. ઉપરાંત તેમને જાહેરમાં બિભત્સ ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે જે રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.








































