ચોમાસાની શરૂઆત નજીક આવી રહી છે ત્યારે સાવરકુંડલા શહેરમાં આવેલી જર્જરિત મકાનો, ઇમારતો અને દુકાનોને લઈને શહેરીજનોમાં ચિંતા વ્યાપી છે. જવાબદાર તંત્ર દ્વારા આવા જર્જરિત બાંધકામોને તાત્કાલિક રિપેર કરવા અથવા તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે. સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આશરે ૨૫ જેટલા ખાનગી માલિકીના મકાનો/ઈમારતો/દુકાનોને નોટિસ પાઠવવામાં આવી છે. જોકે, માત્ર નોટિસ આપવાથી સમસ્યાનો ઉકેલ આવતો નથી. શહેરીજનોનો પ્રશ્ન છે કે, જો આવી જર્જરિત ઇમારતોને તોડવી આવશ્યક હોય તો વહેલી તકે તે કામગીરી પૂર્ણ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ ટાળી શકાય. આમ જનતામાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, ‘આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવું’ એ કહેવત મુજબ, શું કોઈ બિલ્ડિંગ ધરાશાયી થશે અને જાનહાનિ થશે ત્યારે જ તંત્ર જાગશે? સાવરકુંડલા શહેરમાં ભવિષ્યમાં ચોમાસામાં ભારે વરસાદના કારણે કોઈ બિલ્ડિંગ ધરાશાયી ન થાય અને કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે નગરપાલિકા દ્વારા ભયજનક બિલ્ડિંગોને નોટિસ આપીને તેમના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવાની માંગણી કરવી જોઈએ. શહેરીજનો દ્વારા તત્કાલ આવા મકાનોના રિપેરિંગ કામ અથવા તોડી પાડવાની કામગીરી હાથ ધરવા માટે તંત્રને ભારપૂર્વક અપીલ કરવામાં આવી રહી છે.