અમરેલી જિલ્લાના સાવરકુંડલા સ્થિત ગેબી ઇન્સ્ટ્રુમેન્ટ નામની પેઢીએ શહેરનું નામ રોશન કર્યું હતું. આ પેઢીએ મધ્યપ્રદેશના ઇન્દોર પાસે આવેલા સિહોરના સિદ્ધિવિનાયક ગણપતિ બાપાના મંદિર માટે ૫૦ ઇંચનું અને ૭૦ કિલો વજન ધરાવતું એક ખાસ નગારું બનાવ્યું છે. આ નગારું ફાઈબરના કવરવાળું છે અને તેમાં ૨૫ નટ-બોલ્ટ લગાવવામાં આવ્યા છે. ગેબી ઇન્સ્ટ્રુમેન્ટના સંચાલક કરન રાઠોડે જણાવ્યું કે, આધુનિક યુગમાં મોટાભાગના મંદિરોમાં ઇલેક્ટ્રિક નગારાનો ઉપયોગ થાય છે, ત્યારે સિદ્ધિવિનાયક જેવા મોટા મંદિરમાં પરંપરાગત નગારું બનાવવાનો ઓર્ડર મળવો તેમના માટે ગર્વની વાત છે. તેમણે કહ્યું કે, “અમે ભાગ્યશાળી છીએ કે અમારા દ્વારા બનાવેલું સાધન ગણપતિ બાપાની આરતી અને ભજનમાં વાગશે.