સાવરકુંડલામાં રહેતી એક પરિણીતાને તેના સાસરી પક્ષના સભ્યો દ્વારા નાની-નાની બાબતે પજવણી કરી, ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. આ મામલે પીડિત પરિણીતાએ સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. સફીનાબેન રફીકભાઇ બેલીમ (ઉ.વ.૨૦)એ ભાવનગરમાં વડવા નેરા વરતેજીયાફળી આંબલી નીચે રહેતા પતિ મુસ્તુફા ઉર્ફે બિલાલ મહમદભાઇ સૈયદ તથા જેતુનબેન મહમદભાઇ સૈયદ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ પરિણીતાને તેના સાસરી પક્ષના લોકો દ્વારા અવારનવાર ઘરકામ જેવી બાબતોમાં મેણા-ટોણા મારીને પરેશાન કરવામાં આવતી હતી. આરોપીઓએ એકસંપ થઈને પરિણીતાને અપશબ્દો બોલી, ગાળો આપી તેમજ અસહ્ય શારીરિક અને માનસિક દુઃખ-ત્રાસ આપ્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો. પરિણીતાએ વધુમાં જણાવ્યું હતું કે, સાસરિયાઓએ તેને ઘરમાંથી પણ હાંકી કાઢી હતી. આ સમગ્ર મામલે આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુનો આચર્યો હોવાથી, પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.એન. ખસતીયા વધુ તપાસ કરી રહ્યા છે.







































