સાવરકુંડલા શહેરમાં ગ્રાહક સુરક્ષા સપ્તાહ અંતર્ગત સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા નર્સિંગ કોલેજ ખાતે ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે ગ્રાહક સુરક્ષા મંડળના બિપીનભાઈ પાંધીએ ગ્રાહકના અધિકારો ક્યા ક્યા છે અને ગ્રાહક સુરક્ષાની આવશ્યકતા શા માટે પડી  તે અંગે સમજૂતી આપી હતી. વધુમાં તેમણે આજના ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડથી બચવા કેવી તકેદારી રાખવી તેવા જરૂરી મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હીરાણી દ્વારા ગ્રાહક સુરક્ષા કાયદાની વિશદ સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત સાવરકુંડલા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પણ કોલેજની વિદ્યાર્થિનીઓને તેને સ્પર્શતા વિવિધ કાયદાકીય મુદ્દાઓ વિશે માહિતગાર કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિનીઓએ તમામ વક્તાઓને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા અને સ્વયંશિસ્ત જાળવી હતી. કોલેજ સ્ટાફ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે તમામ તાલીમાર્થીઓને ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જાગૃતિ ફેલાવવા માટે પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.