શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આજે (બીજી એપ્રિલ) હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની અત્યંત દબદબાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારથી જ કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.
હનુમાન જયંતીના પાવન પર્વ પર વિશેષ દિવસે દાદાના જન્મોત્સવને યાદગાર બનાવવા માટે વહેલી સવારે ૫ઃ૦૦ કલાકે મંગળા આરતી અને ત્યારબાદ ૭ઃ૦૦ કલાકે શણગાર આરતી યોજાઈ હતી. દાદાને ૮ કિલો શુદ્ધ સોનામાંથી તૈયાર કરવામાં આવેલા અત્યંત કલાત્મક ‘નૂતન સુવર્ણ વાઘા’ અર્પણ કરવામાં આવ્યા હતાં. સોનાના આભૂષણો અને વસ્ત્રમાં સજ્જ દાદાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી છે.
જન્મોત્સવની ઉજવણીમાં આધુનિકતા અને ભક્તિનો સંગમ જાવા મળ્યો હતો. આકાશમાંથી ૧ લાખથી વધુ બલૂન નીચે પાડીને દાદાના જન્મોત્સવને વધાવવામાં આવ્યો હતો. હનુમાન જયંતી જન્મોત્સવ નિમિત્તે ૧૫૧ કિલોની વિશાળ કેક કાપીને ભક્તોમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સમગ્ર પરિસર ડી.જે.ના તાલે અને હનુમાન ચાલીસાના પાઠથી ગુંજી ઉઠ્યું હતું.
ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા ભોજનશાળા, ગેસ્ટ હાઉસ (લાઈટ હાઉસ અને કષ્ટભંજન ભવન) તેમજ પા‹કગની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી. લાખોની સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓ શાંતિપૂર્વક દર્શન કરી શકે તે માટે સ્વયંસેવકો અને પોલીસ કાફલો ખડેપગે રહ્યા હતાં.
આ ઉપરાંત અમદાવાદ સહિત ગુજરાતભરમાં હનુમાન જયંતિ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં આવેલા કેમ્પના હનુમાન મંદિરમાં વહેલી સવારથી જ ભકતોની ભીડ જામી હતી અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી આખો દિવસ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.