મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદમાં સાબરમતી નદી પર હાલમાં ૩૬ મીટર ઊંચો પુલ બાંધવાનું કામ ચાલી રહ્યું છે, જે લગભગ ૧૧૮ ફૂટ જેટલો અને ૧૨ માળની ઈમારતની ઊંચાઈ સમાન છે. આ પુલ ૪૮૦ મીટર સુધી ફેલાયેલો છે અને તે પશ્ચિમ રેલ્વેની અમદાવાદ-દિલ્હી મેઈન લાઇનની બાજુમાં છે, જે લગભગ ૧૪.૮ મીટર ઊંચી છે. એકવાર તૈયાર થઈ ગયા પછી, આ પુલ આધુનિક જોડાણના પ્રતિક રૂપે ઊભો રહેશે અને હાઈ સ્પીડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હાલમાં ચાલી રહેલા રેલ નેટવર્ક વચ્ચેના સમન્વયનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.

અમદાવાદ જિલ્લામાં, બુલેટ ટ્રેનની લાઈનદોરી અનેક નિર્માણ જેમ કે ફ્લાયઓવર, પુલ, રેલવે લાઇન અને મેટ્રો કરિડોરને પાર કરે છે. આઈઆરસી (ઇન્ડિયન રોડ્‌સ કાન્ગ્રેસ) માર્ગદર્શિકા અનુસાર ટોચના બાંધકામ બિંદુથી ૫.૫ મીટરની ફરજિયાત ઊભી કલીયરન્સ જાળવવા માટે, સાબરમતી નદીના પુલના થાંભલાની વધારેલી ઊંચાઈ સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે. કુલ આઠ (૦૮) વર્તુળાકાર થાંભલા, જેમનો વ્યાસ ૬ થી ૬.૫ મીટર છે, બનાવવામાં આવ્યા છે. તેમામાંથી ચાર (૦૪) નદીના પટમાં છે, બે (૦૨) નદીના કિનારાઓ પર (દરેક બાજુએ એક) છે અને બે (૦૨) નદીના કિનારા બહાર આવેલ છે. પુલને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે થાંભલાની વ્યૂહાત્મક જગ્યાએ સ્થાપનાથી નદીના પાણીના પ્રવાહમાં ઓછામાં ઓછી અડચણ પડે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં મોટાભાગના નદીના પુલમાં સામાન્ય રીતે આશરે ૪૦ મીટરના ટૂંકા સ્પાન હોય છે, જ્યારે આ પુલમાં ૫૦ થી ૮૦ મીટર સુધીના લાંબા સ્પાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી નદીના પટમાં થાંભલાની સંખ્યા ઘટાડવામાં આવે. આ પુલમાં કુલ ૫ સ્પાન દરેક ૭૬ મીટરના અને ૨ સ્પાન દરેક ૫૦ મીટરના છે. દરેક સ્પાનમાં ૨૩ સેગમેન્ટ હોય છે જે સાઇટ પર કાસ્ટ ઈન-સિતુ પદ્ધતિથી બનાવવામાં આવે છે. આ સેગમેન્ટનું કાસ્ટિંગ અત્યંત ચોકસાઈથી કરવું જરૂરી છે, જેમાં દરેક તબક્કે ઊંચું કૌશલ્ય ધરાવતું કર્મચારી દળ અને એક પ્રતિબદ્ધ ટીમની જરૂર પડે છે, જેથી નિર્માણની મજબૂતાઈ અને ગુણવત્તા સુનિશ્ચિત કરી શકાય.આ પુલ બેલેન્સ્ડ કૅન્ટીલિવર પદ્ધતિનો ઉપયોગ કરીને બાંધવામાં આવી રહ્યો છે, જે ઊંડા પાણી અને નદીઓ પરના લાંબા સ્પાનવાળા પુલ માટે યોગ્ય એવી વિશિષ્ટ બાંધકામ તકનિક છે. આ પદ્ધતિનો તાત્પર્ય એ છે કે પુલની નીચે પાલખી લગાવ્યા વિના પુલનું બાંધકામ કરવામાં આવે છે અને દરેક થાંભલા પરથી ડાબી અને જમણી બાજુના સેગમેન્ટોને ક્રમશઃ જોડીને, પોસ્ટ-ટેન્શનિંગ અને સંતુલન દ્વારા પુલનો સુપરસ્ટ્રક્ચર પૂર્ણ કરવામાં આવે છે. આ રીતે સતત અને સ્થિર પુલનો ડેક તૈયાર થાય છે.

પુલના બાંધકામ દરમિયાન સર્વોચ્ચ સુરક્ષા ધોરણો સુનિશ્ચિત કરવા માટે, ખાસ કરીને ઊંચાઈએ કામ સંબંધિત પ્રવૃત્તિઓ માટે મજબૂત સલામતી પ્રોટોકોલ્સ અમલમાં મૂકવામાં આવ્યા છે. કાર્ય સ્થળ ઉપર કડક જવાબદારી અને શિસ્ત જાળવવા માટે સ્ટ્રક્ચર્ડ વર્ક પરમિટ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. તમામ કામદારો માટે પર્સનલ પ્રોટેક્ટીવ ઇકવિપમેન્ટ (પી.પી.ઈ.) જેમાં ફુલ-બોડી હાર્નેસ પણ શામેલ છે, સતત પહેરવી ફરજિયાત છે. ઊંચાઈમાંથી પડવાનું જાખમ ઘટાડવા માટે ફોર્મ ટ્રાવેલર/પુલ બિલ્ડર માળખાની નીચે કેચ નેટ્‌સ લગાવવામાં આવ્યા છે. બાંધકામ પ્રક્રિયાની રિયલ-ટાઈમ મોનીટરિંગ માટે સીસીટીવી કેમેરા સ્થાપવામાં આવ્યા છે. પુલના બાંધકામના કાર્યમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તમામ ફાઉન્ડેશન અને સબસ્ટ્રક્ચર કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે, જ્યારે સુપરસ્ટ્રક્ચર સંબંધિત પ્રવૃત્તિઓ જેમ કે થાંભલાના માથાનું બાંધકામ અને સેગમેન્ટ કાસ્ટિંગ હાલ ચાલી રહી છે.

પુલની લંબાઈ ૪૮૦ મીટર, નદીની પહોળાઈ ૩૫૦ મીટર, આમાં ૫ સ્પાન દરેક ૭૬ મીટરના અને ૨ સ્પાન દરેક ૫૦ મીટરના સામેલ છે, થાંભલાની ઊંચાઈ ૩૧ મીટરથી ૩૪ મીટર, ૬ મીટર અને ૬.૫ મીટર વ્યાસવાળા વર્તુળાકાર થાંભલા (કુલ ૮), આ પુલ સાબરમતી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનો વચ્ચે સ્થિત છે, જે સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનથી ૦૧ કિમી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનથી અંદાજે ૦૪ કિમી દૂર છે, આ નર્મદા અને તાપ્તી સાથે ભારતની મહત્વપૂર્ણ પશ્ચિમ પ્રવાહી નદીઓમાંની એક છે, જે અરવલ્લી પર્વતમાળા પરથી ઉદ્ભવે છે અને અરબી સમુદ્રના ખંભાતની ખાડીમાં જઈ મળે છે.  એમએએચએસઆર કોરિડોરમાં કુલ ૨૫ નદીના પુલનો સમાવેશ થાય છે, જેમાંથી ૨૧ ગુજરાતમાં અને ૪ મહારાષ્ટÙમાં આવેલ છે. ગુજરાતમાં યોજના મુજબના ૨૧ નદીના પુલોમાંથી ૧૬ પુલ પૂર્ણ થઈ ચૂક્્યા છે. જેમાંઃ પાર (વલસાડ જિલ્લો), પૂર્ણા (નવસારી જિલ્લો), મીંઢોળા (નવસારી જિલ્લો), અંબિકા (નવસારી જિલ્લો), ઔરંગા (વલસાડ જિલ્લો), વેંગણિયા (નવસારી જિલ્લો), મોહર (ખેડા જિલ્લો), ધાધર (વડોદરા જિલ્લો), કોલક (વલસાડ જિલ્લો), વાત્રક (ખેડા જિલ્લો), કાવેરી (નવસારી જિલ્લો), ખરેરા (નવસારી જિલ્લો), મેશ્વ (ખેડા જિલ્લો), કીમ (સુરત જિલ્લો), દારોથા  (વલસાડ જિલ્લો) અને દમણ ગંગા (વલસાડ જિલ્લો) નો સમાવેશ થાય છે.