સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં દેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને સ્થાનિક ગ્રામજનોએ રંગે હાથ ઝડપી લીધા હતા. આ ઘટના વડાલીના કુબાધરોલ ગામ પાસે બની હતી, જ્યાં બાઈક પર દેશી દારૂનો જથ્થો લઈ જતા બે શખ્સોને ગ્રામજનોએ જાઈ લીધા.

વડાલી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંને ઈસમોની ધરપકડ કરી અને તેની  પાસેથી દેશી દારૂનો જથ્થો તથા બાઈક જપ્ત કરી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓ ગામ વચ્ચેથી દારૂનો જથ્થો લઈ જઈ રહ્યા હતા, જેની ગ્રામજનોને શંકા ગઈ અને તેમણે તેને ઝડપી લીધા.

ગ્રામજનોએ આ ઘટના બાદ દારૂના દૂષણ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે, ગામમાં દારૂની હેરફેર યુવાનોને ખોટી દિશામાં દોરી રહી છે, જેને રોકવા માટે પોલીસે સઘન ઝુંબેશ હાથ ધરવી જાઈએ. ગ્રામજનોએ જણાવ્યું કે, આવી ઘટનાઓ રોકવા માટે નિયમિત પેટ્રોલિંગ અને બાતમીદારોની મદદથી દારૂના વેપારીઓ સામે કડક પગલાં લેવા જરૂરી છે.

વડાલી પોલીસે જણાવ્યું કે, આરોપીઓની પૂછપરછમાં દારૂના સપ્લાય ચેન વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસે ગ્રામજનોના સહકારની પ્રશંસા કરી અને ખાતરી આપી કે, દારૂના ગેરકાયદેસર વેપાર સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં દારૂના દૂષણ સામે લડવાની જાગૃતિ વધારી છે, અને ગ્રામજનોની સતર્કતાએ એક મોટી ઘટનાને અટકાવી હોવાનું માનવામાં આવે છે.