જીવનની અનિશ્ચિતતા જ તેનું સૌંદર્ય છે કારણ કે જીવન ક્ષણભંગુર છે. કેટલું જીવીશું એની કોઈને ખબર નથી પણ જેટલું જીવીશું મસ્ત જીવીશું એ આપણા હાથની વાત છે. આ પંક્તિ માત્ર શબ્દો નથી, એ તો જીવનની તત્વજ્ઞાનિક ઘોષણા છે. અને વરવી વાસ્તવિકતા છે. આપણે રોજ સવારે આંખ ખોલીએ છીએ ત્યારે એ ક્ષણે કોઈ ગેરંટી નથી કે સાંજ સુધી જીવશું, અને જ્યારે રાતે સૂઈએ છીએ ત્યારે કોઈ ખાતરી નથી કે સવારે આંખ ખૂલશે જ. છતાં પણ આપણે જીવીએ છીએ જાણે અમર છીએ એમ માનીને. જીવનનું આ અજોડ સંતુલન આપણને રોજ એક નવી શીખ આપે છે કે “દરેક શ્વાસ એક આશીર્વાદ છે અને દરેક સવાર એક નવી તક છે.” સવાર માત્ર સૂર્યોદયનો સમય નથી, એ તો નવી આશા, નવી શરૂઆત અને નવી તકરૂપી ઈશ્વરીય ભેટ છે. જ્યારે આપણે આંખ ખોલીએ છીએ, ત્યારે એ સમય આપણને કહે છે કે “હવે ગઈકાલ ભૂલી જા, આજનો દિવસ કંઈક સારું કરવા માટે આવ્યો છે.” પરંતુ દુર્ભાગ્ય એ છે કે માણસ એ તકને સામાન્ય માને છે. સત્તા અને સંપત્તિની દોડમાં ઉતરી જાય છે. રાગ, દ્વેષ, ઈર્ષા, અદેખાઈ અને બદલો લેવાની ભાવના સાથે કે મારું મારું કરીને ભેગુ કરવા માટે આમ-તેમ ભટકવા લાગે છે. પણ એ વિચારતો નથી કે આ સવાર કદાચ તેની છેલ્લી સવાર હોઈ શકે છે. જો મનુષ્ય એ વિચારથી દિવસની શરૂઆત કરે કે “આજનો દિવસ મારો છેલ્લો હોઈ શકે,” તો તે કોઈ સાથે ખરાબ બોલશે નહીં, કોઈને દુઃખ પહોંચાડશે નહીં, અને દરેક કાર્યમાં શ્રેષ્ઠ આપશે. આ વિચાર નકારાત્મક નહીં, જાગૃતિનો સ્ત્રોત છે. ક્યારેક જીવનની દોડધામમાં સંબંધો કરતા સંપત્તિને વધુ મહત્વ આપતા હોઇએ ત્યારે એ સંપત્તિ ભોગવવા મળશે કે નહિ એની કોઈ ગેરંટી હોતી નથી પણ જો સંબંધો સાચવ્યા હોય તો આપણા ગયા પછી કોઈ દિલથી યાદ કરશે એની ગેરંટી છે. માટે જીવનમાં સંબંધોનું મૂલ્ય સમજો. જીવનની આ અનિશ્ચિતતાએ આપણને એ પણ શીખવ્યું છે કે રોષ, અહંકાર અને મતભેદો માટે જીવન ખૂબ નાનું છે. આપણે ઘણો સમય નારાજગીમાં, ઈર્ષામાં અથવા અપેક્ષાઓમાં ગુમાવી દઈએ છીએ પરંતુ જો રાતે સૂતા પહેલાં એ વિચારીએ કે કદાચ આ અંતિમ રાત હોઈ શકે, તો આપણે કોઈ સાથે ગુસ્સો રાખી શકીએ? વેરભાવ રાખીને કોઈની સાથે દગો કરીને કોઈની આંતરડી દુભાવવા કરતા આપણા ભાગ્યનું આપણે ભોગવીને વધે એટલું ક્યાંક કોઈકને ઉપયોગી બનીને કોઈની આંતરડી ઠારીને અંતિમ વેળાએ અફસોસ સાથે નહિ પણ કોઈના આશીર્વાદ સાથે વિદાય લેવાથી વર્ષો સુધી કોઈના હૃદયમાં સ્થાન મળશે. દિવસ આખો મળ્યો હોય એના લેખા-જોખા કરીને રાતે સૂતા પહેલાં દિલ હળવું કરો, માફી માગો અથવા આપો, કારણ કે આવતી કાલ કદાચ તક ન આપે. અને તક મળે તો સવારે જાગીને કર્મ કરો, પણ કૃતજ્ઞતા રાખો. હું પણું ખૂબ હેરાન કરનાર સાબિત થાય છે માટે જે કાંઈ થાય છે એમાં આપણે નિમિત્ત છીએ એમ માનીને કર્મ કરો. જીવનની કોઈ ગેરંટી નથી એટલે ડરવાની નહીં, પણ દરેક ક્ષણને કૃતજ્ઞતાથી જીવવાની જરૂર છે. જાગીને તરત ભાગવા કરતા શાંતિથી બે મિનિટ બે હાથ જોડીને પ્રાણદાતા પરમેશ્વરને પ્રાર્થના કરો “ભગવાન, આજે ફરી તક આપી, હવે આ દિવસને સાર્થક બનાવીશ.” જ્યાં સુધી પ્રાણ છે, ત્યાં સુધી સારા વિચાર, સારા શબ્દ અને સારા કર્મ દ્વારા જીવનને ઉજ્જવળ બનાવવાનું આપણું ધ્યેય હોવું જોઈએ. મૃત્યુ અચાનક આવે છે, પણ સાર્થક જીવન ધીમે ધીમે ઘડાય છે. એના માટે ક્યાંક જતું કરવું, ક્ષમા આપવી, સાથ સહકાર આપવો, સેવા કરવી, સંબંધો જાળવવા વગેરે બાબતો શાંતિ આપનાર બને છે. અંતિમ સંદેશ એ જ છે કે જીવન એક શ્વાસ જેટલું નાજુક છે અને એક ક્ષણ જેટલું મૂલ્યવાન છે. અને કાચના વાસણ જેવું નાજુક છે, ક્યારે ફૂટી જાય એની કોઈ ગેરંટી નથી, માટે બધું એકબાજુ મૂકીને ક્યાંક હળતા મળતા રહેવું. પછી પાછું મળાય કે નહિ એની કોઈ ગેરંટી નથી.