સરદાર વલ્લભભાઈ પટેલની ૭૫ મી અમૃત પુણ્યતિથિએ કોટી કોટી ચરણ વંદના કરું છું. આ વિરલ વ્યક્તિ સામે જ શીશ નમે છે. ૪૨ વર્ષના રાજકારણમાં રાષ્ટ્રસેવાને પ્રાધાન્ય આપનાર અખંડ ભારતના સર્જક અને નાયબ વડાપ્રધાન તરીકે અતુલ્ય સેવા કરીને જે વ્યક્તિ માત્ર શરીર જ છોડીને સ્વર્ગે સીધાવ્યા હોય તેવું રત્ન એટલે ભારતના ભાગ્યવિધાતા પૂજ્ય વલ્લભભાઈ પટેલ જ હોઈ શકે. કરમસદના કર્મયોગી, ભારતની ભવ્યતા અને દિવ્યતાને વિશાળ એકરૂપતામાં નિર્માણ કરનાર અખંડ ભારતના સર્જકના કાર્યો અને કર્મો થકી આ દેશ ગૌરવ લઈ રહ્યો છે.
સરદાર પટેલના રચનાત્મક અને સમાજ સેવાના કાર્યો “ન ભૂતો ન ભવિષ્યતિ છે”. ત્યાગ વલ્લભ મૂર્તિ બનવું એ સરદાર પટેલ જ કરી શકે છે. તેમના નામ બદલી દેવાથી ઇતિહાસ બદલવાનો નથી. સરદાર પટેલ પેઢીઓ દર પેઢીઓ દેશના માનસમાં જીવંત છે. તેમના કાર્યોનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે જન માનસમાં જીવંત છે.
સરદાર પટેલનું જીવન ચરિત્ર લખનાર બલરાજ ક્રિષ્ના લખે છે કે “નોર્મલ લોકતાંત્રિક પ્રક્રિયામાં તો સરદાર પટેલ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હોત, પરંતુ ગાંધીજી બિનજરૂરી રીતે વચ્ચે પડ્યા તેથી એમ ન બન્યું. ૧૯૪૬ ના નવેમ્બરમાં મળેલી વર્કિંગ કમિટીમાં તેમણે કોંગ્રેસના પ્રમુખ પદ માટે કેવળ નેહરુનું નામ સૂચવ્યુ. ૧૫ પ્રદેશ કોંગ્રેસ સમિતિમાંથી ૧૨ સમિતિએ સરદાર પટેલનું નામ સૂચવ્યું હતું અને નેહરુની તરફેણ કોઈ સમિતિએ કરી ન હતી. પાછળથી કોંગ્રેસના તત્કાલીન મહામંત્રી આચાર્ય કૃપલાણીએ દુઃખ પ્રગટ કર્યું અને લખ્યું એ નક્કી કે જો જવાહરલાલનું નામ ગાંધીજી દ્વારા સૂચવાયું ન હોત તો સરદાર પટેલ જ પ્રમુખ તરીકે ચૂંટાયા હોત અને તેને કારણે ભારતને પ્રથમ વડાપ્રધાન મળ્યા હોત. પાછળથી મારા મનમાં પ્રશ્ન થતો રહ્યો કે ગાંધીજીની ઈચ્છા મુજબ જવાહરલાલનું નામ ચિઠ્ઠી દ્વારા સૂચવવામાં હું નિમિત્ત બન્યો તે યોગ્ય હતું ખરું? પણ ભાવિની આગાહી કોણ કરી શકે!
આવા બૌદ્ધિક ગાંધી દ્વારા થયેલા અન્યાયો સામે શંકરની જેમ ઝેર પીને દેશસેવાને પ્રાધાન્ય આપનાર સરદાર પટેલનું પ્રથમ નામ આવી શકે. સરદાર પટેલને સૂક્ષ્મ અને દેશની આંતરિક અને બાહ્ય ભૌગોલિક અને વાસ્તવિક પરિસ્થિતિનો જબરજસ્ત અનુભવ હતો. દીર્ઘદ્રષ્ટા અને મુત્સદ્દગીરી તેમના માનસ અને હૃદયમાં જોવા મળે છે. પ્રમાણિકતાનો પર્યાય તેમજ દેશસેવાની ભાવના થકી સંપૂર્ણ જીવન દેશ માટે ન્યોછાવર કરનાર ભારત રત્ન સરદાર પટેલ આજની ભાવિ પેઢી માટે પ્રેરણા સ્વરૂપે છે. સરદાર પટેલની ગમે તેટલી યાત્રાઓ કાઢશો પરંતુ તેમના આદર્શો અને રાષ્ટ્રસેવાના પ્રકલ્પો સાકાર નહીં કરીએ ત્યાં સુધી બધું નિરર્થક છે. સરદાર પટેલ તો સ્વયમ પ્રેરણાપુરુષ અને દેશભક્ત રહ્યા. તેમણે હોદ્દા કરતાં રાષ્ટ્રસેવાને પ્રાધાન્ય આપ્યું. ૫૬૨ દેશી રજવાડાઓને એકત્ર કર્યા. આજે બે ભાઈઓ જમીનના ટુકડા માટે ખૂન કરી નાખે છે. આટલા બધા રાજા રજવાડાઓને સમજાવવા અને જોડાણ ખતપત્ર ઉપર તેમની સંમતિ મેળવવાનું આવું ભગીરથ કાર્ય પ્રમાણિક યુગપુરુષ જ કરી શકે અને તે કાર્ય સરદારે કરી બતાવ્યું.
ઇન્ડિયન સિવિલ સર્વિસના જનક સરદાર પટેલ છે. નેહરુના વિરોધ વચ્ચે તેમણે પાર્લામેન્ટમાં ઇન્ડિયન સિવિલ સર્વિસનું બિલ પાસ કરાવ્યું હતું. દીર્ઘદ્રષ્ટા અને દેશની વહીવટી સુદઢત્તા માટે કેટલું લાંબુ વિચાર્યું હશે? જૂનાગઢ, કાશ્મીર અને હૈદરાબાદનો પ્રશ્ન તાબડતોબ લાવી શકે તેવી સક્ષમતા હતી. પરંતુ નેહરુને લઘુમતી પરત્વે પ્રેમ હોવાથી કાશ્મીરનો પ્રશ્ન યુનોમાં લઈ ગયા. સરદાર પટેલ આ બાબતે સ્પષ્ટ હતા કે આવા પ્રશ્નો આપણે જ ઉકેલવાના હોય. આપણા પૈસે આપણે ગોળીઓ ના ખવાય. આ બાબત એ નિર્દેશ કરે છે કે જેના લોહીમાં રાષ્ટ્રભક્તિની મૂલ્યતા વહેતી હોય તે જ આ કાર્ય કરી શકે. સરદાર પટેલ સ્પષ્ટવક્તા અને દેશહિતમાં જ નિર્ણય લેનાર વીરપુરુષ હતા.
મૂડીવાદી અર્થનીતિના વિદ્વાન સમર્થક એવા ગુરુચરણદાસના શબ્દોમાં કહીએ તો સરદાર પટેલ લાંબુ જીવ્યા હોત તો ભારત લાઇસન્સ રાજના અતિરેકથી અને કાશ્મીરની સમસ્યાથી પણ બચી ગયું હોત. ગાંધીજી અહિંસાના પૂજારી રહ્યા એનો પણ કોઈ વાંધો નથી પરંતુ જ્યારે દેશ ઉપર આફત આવે ત્યારે ‘પાર્થને કહો ચડાવે બાણ યુદ્ધ એ જ કલ્યાણ’ આ નીતિ અખત્યાર કરવી જ પડે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ તરીકે સુધરાઈ ક્ષેત્રે રચનાત્મક અભિગમ અપનાવીને અંગ્રેજોના શાસનને નાબૂદ કરવા અને સાચી લોકશાહી મજબૂત બનાવવાનો અદ્ભુત પ્રયાસ કર્યો. લોકોની પ્રાથમિક જરૂરિયાત પાણી, રોડ, રસ્તા, ગટર, શિક્ષણ, હોસ્પિટલ, નવી હાઉસિંગ સોસાયટી, ખાદી, જાહેર શૌચાલય, નાવણીયા તેમજ ગૂજરાત વિદ્યાપીઠ વગેરે અસંખ્ય કાર્યો સરદાર પટેલની દેન છે.
સરદાર પટેલ ક્યારેય મૃત્યુ પામ્યા જ નથી, માત્ર શરીર છોડીને ગયા છે. એમના પ્રાણ સરદાર ભક્તોના હૃદયમાં નિરંતર જીવંત છે. સરદાર પટેલ વિશે ઘણું બધું લખાયું છે પરંતુ તેનું અમલીકરણ ભારતની પેઢીમાં કરવુ હશે તો આખો એક વિષય પ્રાથમિકથી માંડીને હાયર એજ્યુકેશન સુધી દાખલ કરવો પડશે.સરદાર પટેલને શ્રદ્ધાંજલિમાં શું આપી શકીએ? તેમના દ્વારા થયેલા દેશહિતના કાર્યો આગળ ધપાવીએ તે જ સૌથી મોટી વીરાંજલિ હશે.
સરદાર પટેલ કહે છે કે મારા ઉપર આક્ષેપ છે કે હું રાજાઓ, જમીનદારો, મૂડીવાદીઓનો મિત્ર છું. મારો દાવો છે કે મજૂરો અને ગરીબો જોડે પણ મારે મૈત્રી છે. ગાંધીજીના પગલે ચાલવાનું ઠરાવ્યું ત્યારે મેં નક્કી કર્યું કે મારે મિલકત રાખવી નહીં અને મારી પાસે કશી મિલકત નથી. આ રાજાઓ અને મૂડીવાદીઓને ગાળો ભાંડીને આગેવાની મેળવવાના ફાંફા મારવાની અથવા આગેવાન કહેવડાવવાની આજની ફેશનને તાબે થવા હું તૈયાર નથી. ભાવનગરના મહારાજા કહેતા કે સરદારને મળું ત્યારે મારા બાપને મળતો હોય તેઓ અનુભવ થાય છે. આવા સરદાર પટેલની ૭૫ મી પુણ્યતિથિએ આંખના આંસુ સાથે ભાવાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું સરદાર પટેલ ઉપર પીએચડી થયો તેનો સૌથી વધારે આનંદ છે.. જય સરદાર.. જય સરદાર.. જય સરદાર.. જય સરદાર.. ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨











































