ગુજરાતની સરકારી કચેરીઓમાં છેલ્લા દોઢ વર્ષમાં જાતીય સતામણીની કુલ સાત ફરિયાદો નોંધાઈ છે. જા કે, આશ્ચર્યજનક બાબત એ છે કે તેમાંથી માત્ર એક જ ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે બાકીની છ ફરિયાદોમાં હજુ સુધી કોઈ આખરી નિર્ણય કે ચુકાદો આવ્યો નથી.
સરકારી કચેરીઓ અથવા સરકાર સાથે સંકળાયેલી એજન્સીઓમાં છેલ્લા પાંચ વર્ષમાં જાતીય સતામણીની કેટલી ફરિયાદો નોંધાઈ છે, તેવા એક પ્રશ્નના ઉત્તરમાં આ વિગતો સામે આવી છે. જાતીય સતામણીની ફરિયાદ માટેના ‘શી’ બોક્સ પોર્ટલ પર ૨૯ ઓગસ્ટ, ૨૦૨૪થી અત્યાર સુધીમાં ગુજરાતમાંથી કુલ ૭ ફરિયાદો મળી છે. આ સમયગાળામાં સૌથી વધુ ફરિયાદો ધરાવતા રાજ્યોમાં ૧૦ ફરિયાદો સાથે કર્ણાટક મોખરે છે, જ્યારે ગુજરાત અને રાજસ્થાન ૭ ફરિયાદો સાથે બીજા ક્રમે અને મહારાષ્ટ્ર  ૬ ફરિયાદો સાથે ત્રીજા સ્થાને છે.
સમગ્ર દેશની સરકારી કચેરીઓમાં આ સમયગાળામાં જાતીય સતામણીની કુલ ૭૯ ફરિયાદ નોંધાઇ છે. જેમાંથી ૨૩નો નિકાલ થયો છે જ્યારે ૫૬ ફરિયાદ પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે.