આપણે સૌ જાણીએ છીએ કે સમય હંમેશા પરિવર્તનશીલ છે અને આ જગતમાં દરેક વસ્તુ કાયમી નથી. જેનું નામ છે એનો નાશ નક્કી છે. જડ, ચેતન બધું બદલાતું રહે છે. આરંભ અને અંતની વચ્ચેની ઘટમાળ એટલે જીવન. આ સૃષ્ટિના દરેક જીવને પોત પોતાની આગવી લાક્ષણિકતા હોય છે અને એ લાક્ષણિકતાને કારણે દરેકની અલગ અલગ ઓળખ હોય છે. એમાંય ખાસ કરીને મનુષ્યની વાત કરીએ તો દરેક વ્યક્તિ કોઈ ચોક્કસ સમુદાય સાથે જોડાયેલ હોય છે. આ સમુદાયને સમાજ, જાતિ અને ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. જે વ્યક્તિના વિચારો, લક્ષણો અને વર્તનને અસર કરે છે.અને વ્યક્તિના વિચારો,વર્તન અને લક્ષણ જેતે સમુદાયની એક અલગ છાપ ઊભી કરે છે. સમય સાથે આ વ્યવસ્થાઓ અને વિચારસરણી પણ બદલાતા રહે છે. જેમકે લાખો વર્ષ પહેલાં આદિ માનવનું જીવન અને હાલના અર્વાચીન યુગના આધુનિક માનવનું જીવન,આ બન્નેની સરખામણી કરીએ તો ખ્યાલ આવશે કે માણસના જીવનમાં ધરખમ ફેરફાર થયા છે.જે સમય સાથે ક્રમશઃ બદલાતા બદલાતા આજની પરિસ્થિતિ મુજબના જોવા મળે છે. પરિવર્તનની આ યાત્રા સમય સાથે ધીમી અને લાંબા ગાળાની હોય છે. ઘણીવાર આ પરિવર્તન નરી આખે દેખી શકાય નહિ એ પ્રકારના હોય છે. સમય બદલાય તેમ માણસના સ્વભાવ અને વર્તન બદલાતા હોય છે. જેમ કે આજનો પુખ્ત વયનો વ્યક્તિ બાળપણમાં નિખાલસ અને રમતિયાળ સ્વભાવ ધરાવતો હોય છે. મિત્રોની ટોળી સાથે ધીંગામસ્તી કરનાર બાળક સમય જતાં કિશોર અવસ્થામાં શરમાળ અને લાગણીશીલ તેમજ અભ્યાસમાં વધુ ધ્યાન રાખનાર ગંભીર સ્વભાવ ધારણ કરે છે. એનાથી થોડો ઉંમરલાયક થતાં યુવાન બને છે ત્યારે સાહસિક બની જાય છે.‘ ઘટમાં ઘોડા થનગને ને આતમ વિંઝે પાંખ,અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ” કહેવતની જેમ મહત્વકાંક્ષી અને દ્રઢ નિર્ધાર સાથે કૈક કરવા ઉત્સુક બની જાય છે.જે માતા પિતાની છત્ર છાયામાં હંમેશા સેફ ઝોનમાં રહેવાનું પસંદ કરનાર બાળક યુવાનીની પાંખો ફૂટતા જ પોતાના સપનાઓ સાકાર કરવા માટે દેશ પરદેશમાં અભ્યાસ અને વ્યવસાય કરવા તત્પર અને તૈયાર થઈ જાય છે.આ બદલાવ સમયની સાથે ઉંમરનો હોય છે. ઘરનો ઉંબરો માંડ ઓળંગનાર ભૂતકાળનું બાળક ભવિષ્યમાં યુવાન અવસ્થામાં આકાશમાં ઉદનાર આઝાદ પંખી બની જાય છે. આજ બાળકના માતા પિતાના સ્વભાવમાં એનાથી વિપરીત બદલાવ આવતો હોય છે.બાળકને હમેશા પોતાની સાથે રાખવાની ઈચ્છા ધરાવનાર વાલીના સ્વભાવમાં પણ સમય સાથે બદલાવ આવતો હોય છે.ભૂતકાળના બાળકના પાલક સમય જતાં વૃદ્ધાવસ્થામાં એજ સંતાનના આશ્રિત બની જાય છે.અને જે સંતાનના માર્ગદર્શક હોય છે એની સામે કંઈ બોલી શકતા નથી. પોતાની પરમિશન વિના બહાર પગલું ના ભરી શકનાર માતા પિતાને વૃદ્ધાવસ્થામાં ક્યાંક જવા આવવા માટે એજ સંતાનોની રજા લેવી પડે છે! સમયની બલિહારી તો જુઓ. આપણો સમય હોય ત્યારે સૌ માન સન્માન અને સાથ સહકાર આપતા હોય છે. સારા સમયમાં તમને સલામ કરનાર સમય બદલાતા તમને સાઈડ લાઈન કરીને ચાલતી પકડતા હોય છે. સમય એક એવું હથિયાર છે જે ભલભલા વ્યક્તિઓના સ્વભાવ બદલી નાખે છે. શાણા માણસો ખુદ સમય પારખીને પોતાના સ્વભાવ બદલી નાખે છે અને જે લોકો સમય મુજબ થતાં ફેરફારના ઢાંચામાં યોગ્ય રીતે ફિટ થઈ શકતા નથી તેઓ સમયના પ્રભાવમાં ઓટોમેટિક હિટ થઈ જાય છે. કોઈનો સારો સમય હોય ત્યારે સતત એમની આજુબાજુ રહીને એમની જી હા કરનાર વ્યક્તિ તેનો સમય બદલાય એટલે એક ઝાટકે સાથ છોડી દે છે તેમાં તેનું સ્વર્થીપણું છતું થાય છે. ઘેઘૂર લીલાછમ વૃક્ષ પર આશરો લેનાર પક્ષીઓ સમય જતાં વૃક્ષમાં પાનખર આવે ત્યારે ત્યાંથી ઊડી જતાં હોય છે. જેને તમે રાત દિવસ તન મનથી સમર્પિત હોવ અને હંમેશા એનો પડ્‌યો બોલ ઝીલતા હોય તેવી સક્ષમવ્યક્તિઓ પણ તમારી મુશ્કેલીમાં તમને સાથ દેવાના બદલે પોતાના સ્વાર્થ ખાતર તમારું શોષણ કરવા લાગે છે. આ જગતમાં એવી વિરલ વ્યક્તિ મળવી મુશ્કેલ છે કે જે તમને, તમારા બદલાયેલ સમયને અને તમારી મુંઝવણને સમજીને તમને સાઠ સહકાર આપેપબાકી તો મોટા ભાગે સમય સાથે સ્વભાવ અને સાથ બદલી નાખે છે. મહાભારતમાં કર્ણ જેવો મિત્ર છેલ્લે સુધી દુર્યોધનનો સાથ આપે છે. મિત્ર માટે પોતે મુશ્કેલી વહોરી લેનાર કર્ણ જેવું પાત્ર મળવું મુશ્કેલ છે. બાકી તો સમય સમય બલવાન હૈ નહિ પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટીયા વહી ધનુષ વોહી બાણ!