વિશ્વનો સૌથી મોટો ગ્રંથ મહાભારત છે. એવો જ બીજો મહત્વનો ગ્રંથ રામાયણ છે. મહર્ષિ વાલ્મિકી રચિત રામાયણમાં ૨૪ હજાર શ્લોકો છે. અયોધ્યાના રાજા દશરથ પુત્ર ભગવાન રામચંદ્રના આદર્શો અને આધ્યાત્મિકતાનો વારસો એટલે રામાયણ. અસત્ય ઉપર સત્યનો વિજય એટલે રામાયણ. સંસારની બધી જ સંજીવની શીખવાની અને તે પ્રમાણે જીવન જીવવાની કલા રામાયણમાંથી શીખવા મળે છે. પિતાનો પુત્ર પરત્વેનો પ્રેમ, પિતાની આજ્ઞાનું મહત્વ, ધર્મની રક્ષા, વચનપાલન, ત્યાગનું મહત્વ, ભાઈભાડું વચ્ચે પારિવારિક ભાવના, રઘુકુળની વિચારધારા, વચન પ્રતિબદ્ધતા, નારી શક્તિનું મહત્વ, વાસ્તવિક સમાજ દર્શન એટલે રામાયણ. ભગવાન રામચંદ્રનો ૧૪ વર્ષ વનવાસ અને લંકાના રાજા રાવણનો પરાજય સમાજને એ મેસેજ આપે છે કે સત્ય સનાતન છે. આપણને મહામૂલુ જીવન પ્રાપ્ત થયું છે ત્યારે સત્ય, આધ્યાત્મિકતા અને સંસ્કારિકતાના માર્ગે કેડી કંડારી જીવન જીવવું જોઈએ. ભગવાન રામચંદ્રને પણ અનેક તકલીફો વચ્ચે જીવન વ્યતિત કરવું પડ્યું હતું. મર્યાદા પુરુષોત્તમ સમાજનું આદર્શ વ્યક્તિત્વ છે. સત્યમેવ જયતે ભારતની સંસ્કૃતિના જયઘોષ છે. ત્રેતાયુગમાં શ્રીરામચંદ્રજીએ રાવણ પર વિજય મેળવ્યો તે દિવસ હતો આસો સુદ દશમી. શ્રીરામચંદ્રજીનો આ ભવ્ય વિજય વિજયાદશમી તરીકે દર વર્ષે ઊજવાય છે. માનવીમાં રહેલાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંકાર, આળસ, દંભ અને કુદ્રષ્ટિ જેવાં દસ આસુરી તત્વો પર વિજય મેળવવાની પ્રેરણા આ પર્વ આપણને આપે છે. આ પ્રેરણાપર્વ નિરાશાઓની વચ્ચે એક નવી જ આશાઓનો સંચાર કરે છે. અન્યાય અને અત્યાચારનું સામ્રાજ્ય ભલે ગમે તેટલું પ્રસ્થાપિત થયું હોય, છતાં પણ ન્યાય અને સદાચારનાં સાત્વિક શસ્ત્રો દ્વારા પરાજિત થવાનું જ છે. અષાઢની મેઘગર્જનાની જેમ અટ્ટહાસ્ય કરતો રાવણ યુદ્ધભૂમિ પર નિર્ભય બની ઊભો હતો. શ્રીરામચંદ્રજીના પ્રત્યેક બાણ અફળ જતા હતા ત્યારે વિભીષણે નજીક આવીને શાંતચિત્તે કહ્યું, ‘હે રઘુવીર! રાવણના નાભિકુંડમાં અમૃતકૂંપી છે. જેના પ્રતાપે તેના શિર કપાય છે છતાં સજીવન થાય છે. જ્યાં સુધી અમૃતકૂંપી ફૂટી નહીં જાય ત્યાં સુધી રાવણ અમર રહેશે. વિભીષણની વિસ્મયભરી વાત સાંભળી શ્રીરામચંદ્રજીએ રાવણના નાભિકુંડ પર દ્રષ્ટિ કરી. અટ્ટહાસ્ય કરતો રાવણ રામચંદ્રજીને લલકારી રહ્યો હતો ત્યારે શ્રીરામચંદ્રજીએ ઇષ્ટદેવનું સ્મરણ કરી, વેદોકતવિધિ મુજબ મંત્ર ભણીને મહર્ષિ અગસ્ત્યે આપેલા બ્રહ્માસ્ત્રને ધનુષ્ય પર ચઢાવ્યું. સ્વસ્થચિત્તે શ્રીરામચંદ્રજીએ રાવણના નાભિકુંડનું લક્ષ્ય સાધી બ્ર્રહ્માસ્ત્રને છોડ્યું. ધનુષ્યમાંથી છુટેલા બ્રહ્માસ્ત્રે રાવણના નાભિકુંડને છેદી નાખ્યું. નાભિકુંડ છેદાતા અમૃતકૂંપી ફૂટી ગઇ અને તરત જ મહાકાંતિવાળો મહાન શિવભક્ત રાવણ પૃથ્વી પર ઢળી પડ્યો. અંતે સાત દિવસ અને સાત રાત્રિ સુધી અખંડિત ચાલતું રામ-રાવણનું યુદ્ધ પૂરું થયું. ત્રેતાયુગમાં શ્રીરામચંદ્રજીએ રાવણ પર વિજય મેળવ્યો તે દિવસ હતો આસો સુદ દશમીનો દિવસ. શ્રીરામચંદ્રજીનો આ ભવ્ય વિજય ભારતવર્ષમાં વિજયાદશમી તરીકે દર વર્ષે ઊજવાય છે. આ દિવસે દેવતાઓ અને મનુષ્ય પર લાંબા સમયથી રાવણ દ્વારા થતો અત્યાચાર શ્રીરામચંદ્રજી દ્વારા સદાચારમાં પરિણમ્યો. અસત્ય પર સત્યનો અને એક દૈવીશક્તિનો આસુરી શક્તિ પર ભવ્ય વિજય થયો. બીજા એક અર્થ મુજબ જોઇએ તો વિજયાદશમી સદ્પ્રેરણાનું મહાપ્રેરક પર્વ છે. માનવીની અંદર રહેલાં દસ પ્રકારનાં આસુરી તત્વો જેવાં કેઃ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંકાર, આળસ, દંભ અને કુદ્રષ્ટિ. આ દસ આસુરી તત્વો પર વિજય મેળવવાની એક પ્રેરણા આ પ્રેરક પર્વ આપણને આપે છે. આપણા મનની અંદર રહેલાં આ દસ આસુરી તત્વોનો જો આપણે જ નાશ કરીએ તો જીવનમાં ખરા અર્થમાં વિજયાદશમી ઊજવાય. વિજયાદશમીનું આ પ્રેરણાપર્વ માનવમનમાં છવાયેલી નિરાશાઓની વચ્ચે એક નવી જ આશાઓનો સંચાર કરે છે. અન્યાય અને અત્યાચારનું સામ્રાજ્ય ભલે ગમે તેટલું પ્રસ્થાપિત થયું હોય, છતાં પણ એક દિવસ આ દુષ્ટ સામ્રાજ્ય ન્યાય અને સદાચારનાં સાત્વિક શસ્ત્રો દ્વારા પરાજિત થવાનું જ છે. વિજય હંમેશાં સત્યનો જ થાય છે. જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે તો પણ ધીરજ ન ગુમાવવી જોઇએ અને અડીખમ ઊભા રહેવું જોઇએ. અડગ મનના માનવીઓ જ વિજયપતાકા ફરકાવી શકે છે. વિજયાદશમી પર્વ અન્યાયના અંતનું પણ પ્રતીક છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન આજે પણ આપણા દેશમાં ઠેર ઠેર રામલીલા ભજવવામાં આવે છે. શ્રીરામચંદ્રજીનું ઉજજવળ ચરિત્ર સદાચાર, આદર્શતા અને એક સામાજિક મર્યાદાને જીવનમાં ઉતારવાનું શીખવે છે. સિક્કાની બીજી બાજુ જોઇએ તો રાવણ ભલે મહાન શિવભક્ત હતો, શક્તિશાળી હતો, છતાં પણ તેનામાં આસુરી તત્વો ઓતપ્રોત થયેલાં હતાં. પુલત્સ્ય ઋષિના શ્રેષ્ઠ બ્રાહ્મણકુળમાં જન્મ્યો હતો. જન્મે બ્રાહ્મણ હોવા છતાં રાવણ આસુરી કર્મથી અસુર બની ગયો હતો. નવરાત્રિના નવ દિવસ ભજવાતી રામલીલાના અંતે વિજયાદશમીના દિવસે રાવણનું પૂતળું બાળી રાવણ વિજયના પ્રસંગને આનંદભેર ઊજવવામાં આવે છે.
આસુરીવૃત્તિ સામે લડવાની પ્રેરણા આપણને રામચંદ્રજીના જીવનમાંથી મળે છે, એટલે જ રામલીલા આટલાં વર્ષો પછીય ભજવાય છે અને રસપૂર્વક જોવાય છે. જ્યાં સુધી સૃષ્ટિ રહેશે ત્યાં સુધી શ્રીરામચંદ્રજીની યશગાથા ગવાતી રહેશે. આપણી ભારતીય સંસ્કૃતિ શૌર્યશક્તિની ઉપાસક છે. વિજયાદશમી વીરતાનો પણ દિવસ છે. શૌર્યપુરુષોથી જ સમાજમાં વીરતા પ્રગટે છે અને વીરતાથી જ સમાજ ભયમુક્ત થાય છે. વીરપુરુષ સર્વત્ર પૂજાય છે. આવી વીરતા આજે આપણા સમાજમાં પ્રગટે તેની આજના સમયમાં તાતી જરૂરત છે. આથી જ પહેલાંના જમાનામાં રાજા-રજવાડામાં રાજ્યના શસ્ત્રાગારમાં રાખવામાં આવેલાં શસ્ત્રોની શાસ્ત્રોકત વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવતી હતી. આપણી સંસ્કૃતિમાં વાહનને પણ શક્તિના સ્વરૂપે જોવામાં આવે છે, તેથી વિજયાદશમીએ લોકો પોતાનાં વાહનોની પૂજા કરતા હોય છે. કારીગર વર્ગ પોતાની રોજીરોટી માટેનાં હથિયારોની (સાધનો) પૂજા કરતા હોય છે. કારખાનામાલિકો પોતાનાં યંત્રોની પૂજા કરતા હોય છે. આપણો આખો સમાજ કોઇ ને કોઇ રીતે શક્તિની ઉપાસના કરતો હોય છે. રાવણમાં રહેલાં આસુરી તત્વો આજે સમાજમાં ઠેર ઠેર જોવા મળે છે. બસ, આ આસુરી તત્વોનો નાશ થાય તો જ આ પર્વની ઉજવણી સાર્થક થઇ ગણાય, નહીં કે લાખો રૂપિયાનાં ફાફડા-જલેબી ઝાપટી જવાથી વિજયાદશમીની ઉજવણી સાર્થક થઇ ગણાય. પ્રવર્તમાન સમયમાં આખી દુનિયા આતંકવાદના ભરડામાં લપેટાયેલી છે. ત્રેતાયુગમાં જે રાવણે કર્યું તે બધું જ રાવણવધની સાથે સમાપ્ત થયું નથી. આજે રાવણ ભલે હયાત નથી પરંતુ રાવણની વિચારધારા હયાત છે. માટે જ આતંકવાદ આજે માથું ઊંચકીને ચારેબાજુ નિર્ભય બની ઘૂમી રહ્યો છે. આતંકવાદીઓના મનમાં આજેય રાવણ જ રમી રહ્યો છે. ભ્રષ્ટાચારથી ભરેલા સમાજમાં સદાચારનું ક્યાંય ઠેકાણું દેખાતું નથી. બધા જ ભ્રષ્ટાચારીઓના મનમાં રાવણ રમી રહ્યો છે, પણ કોઇના હૃદયમાં રામ નથી. સૌના હૃદયમાં રામ પ્રગટે અને શૌર્ય પ્રગટ થાય તો જ સમાજ આસુરીવૃત્તિથી મુક્ત થાય. સમાજમાં સજ્જનો નથી એવુંય નથી. સજ્જનો છે ખરાં પણ વેરવિખેર થયેલા છે અને મહદંશે નિષ્ક્રિય છે. જ્યારે દુર્જનો એક થઇ સમૂહમાં વસી રહ્યા છે, માટે તેમનું જોર વધી ગયું છે. માણસ પોતાની નૈતિક ફરજો સાવ ભૂલી ગયો છે. માટે સમાજમાં રાવણ જેવી આસુરીવૃત્તિ કે જેને આજના સંદર્ભમાં આતંકવાદ કહેવાય છે તેનું પ્રભુત્વ વધી ગયું છે. આ આતંકવાદના રાવણ સામે શ્રીરામચંદ્રજીની જેમ શૌર્યપૂર્વક લડવા માટે આપણે કટિબદ્ધ થઇશું તો જ ખરા અર્થમાં વિજયાદશમીનું પર્વ ઊજવાયું સાર્થક કહેવાશે. વીરતા અને શૌર્યના સદ્પ્રેરક પર્વ નિમિત્તે, ઇશ્વરને પ્રાર્થના કરીએ કે આતંકવાદ અને ભ્રષ્ટાચારના ભરડામાં ઘેરાયેલા માનવીઓ ખરેખર જાગૃત થાય અને રાવણ જેવા આતંકવાદીઓનો વધ કરી શકાય. બસ,… એક નવા જ સોનેરી પ્રભાતે ઉમંગભેર વિજયાદશમીનું પ્રેરકપર્વ ખરા અર્થમાં ઊજવાય એવી પ્રભુ પ્રાર્થના!…ઇશ્વર આ માટે સૌને શક્તિ આપે!
વિજયાદશમીના શુભ અવસરે સૌનું કલ્યાણ થાય તેવી માઁ અંબાને પ્રાર્થના કરું છું. જયશ્રી રામ..જય અંબે.. ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨