બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇંગ્લેન્ડ અને મિત્ર દેશો હિટલરને હરાવીને વિજેતા બન્યા હતા. આ યુદ્ધની ખુવારીએ ઇંગ્લેન્ડને પાયમાલ કરી નાખ્યું હતું અને આ પાયમાલી લાંબી ચાલવાની હતી. દેશમાં દરેક જીવન જરૂરી ચીજવસ્તુઓ રાશન પર ઉપલબ્ધ હતી. અડધીરાત્રે આઝાદી પુસ્તકમાં લંડનની એ સવારનું વર્ણન કઈક આવું છે.
કાતિલ ઠંડીના દિવસો હતા અને એ મહાન દેશનો અસંતોષ ઉકળી રહ્યો હતો. દુખ દર્દ અને આશંકાઓના ધુમ્મસે લંડનને ઢાંકી દીધું હતું. ભાગ્યે જ કોઈ એવું સંપન્ન ઘર હતું જ્યાં એટલું પણ ગરમ પાણી હોય કે પુરુષ દાઢી બનાવી શકે કે સ્ત્રીઓ વોશબેસીન ધોઈ શકે. શેરીઓ સુની પડી હતી, લોકો નવા વર્ષે પણ ઘરની બહાર નીકળવાનું પસંદ નહોતા કરી રહ્યા. પેટ્રોલ દુર્લભ બની ગયું હતું. જે પેટ્રોલ નાખીને ગાડી ચલાવી રહ્યા હતા એ પણ અપરાધભાવથી પીડાઈને ગાડી ચલાવી રહ્યા હતા. દરેક ચીજવસ્તુનો જથ્થો વિષમ સ્થિતિમાં હતો. ભોજન, ઇંધણ, વીજળી, જોડા, કપડા જેવી વસ્તુઓ રાશનથી મળી રહી હતી. અંગ્રેજોએ સાથી દેશોની મદદથી દબંગ હિટલરને હરાવ્યો હતો જેના નારાઓ હતા… ‘વી ફોર વિકટરી’ અને ‘થમ્સ અપ’ હવે એ જ અંગ્રેજોના નારાઓ હતા ‘ઠુંઠવાઇ જાવ અને ભૂખ્યા મરો’
તેમ છતાં એ બબ્બે વિશ્વયુધ્ધની વિજેતા પ્રજા હતી. એવી જ એક સવારે નવા બોર્ડ લંડનની દુકાનો પર લાગ્યા કે ખાંડ મળશે નહિ, ખાંડ પણ હવે રાશન પર ઉપલબ્ધ રહેશે. કિસ્સો વાંચેલો યાદ આવે છે કે આ સ્થિતિમાં લોકો થેલીઓ લઈને દુકાનો આગળ લાઈનમાં ઉભા રહી ગયા…. શા માટે ? ખાંડ લેવા માટે ? ના. પોતાના ઘરમાં રહેલી વધારાની ખાંડ પરત કરવા માટે. એક પ્રજા હોય છે, નિષ્ઠાવાન, કૃતજ્ઞ, ઐક્ય, એખલાસી, સમર્પિત, સમૂહ્ભાવનાને આદર આપનારી જે દેશ પ્રત્યે, દેશના અન્ય નાગરિકો પ્રત્યે ત્યાગની ભાવના ધરાવે છે. બીજી એક પ્રજા હોય છે કાળાબજારિયાની અનૌરસ ઓલાદ, સબસીડીજીવી, હુક્કાબરદારની કક્ષાની, કૃતઘ્ની, ભ્રષ્ટ, દુષ્ટ, બેવફા, છીછરી માનસિકતા વાળી જે થોડા પેનીકમાં અફવાઓનું બજાર ગરમ કરી મુકે છે, ભાંગી પડે છે અને ભાગી નીકળે છે.
ભારતમાં એક વિપક્ષ છે જે ધરાર ભારતની સરખામણી ભૂખડ પાકિસ્તાન સાથે કરાવવા માંગે છે. પાકિસ્તાન આજે કોઈપણ પરિમાણ પર ભારત સાથે સરખામણીમાં ઉભું રહી શકે એ સ્થિતિમાં નથી છતાં અમુક નપુંસક પત્રકારો, નમાલા કરોડરજ્જૂ વિનાના નેતાઓ હજુ ૧૯૪૭ની સ્થિતિમાંથી બહાર નથી આવી શક્યા. જયારે ખુદ પાકિસ્તાન પણ હવે ભારતની સરખામણીની રેસમાંથી બહાર ખસી ગયું છે. આ નેતાઓનો ખ્યાલ એવો છે કે એમના પક્ષના પુરોગામીઓ કે કુટુંબના વડવાઓ પક્ષ અને દેશને જે હાલતમાં મુકીને સ્વર્ગે સિધાવ્યા છે, એનાથી બહેતર હાલતમાં દેશ કે પક્ષ હોઈ જ શકે નહિ. કોઈપણ દેશી કે વિદેશી આલીયો માલિયો ભારત વિશે નિવેદન કરે એટલે તુરંત એક ધરી પર ગબડતા રહેતા ધોતીયાધારીઓ કુદાકુદ કરીને વડાપ્રધાનનો જવાબ માંગવા લાગે છે.
અત્યારે ઈરાન ઇઝરાયેલ અમેરિકા યુદ્ધની સ્થિતિમાં વિશ્વના મોટાભાગના દેશોની ઇંધણની સ્થિતિ બગડી છે. અમેરિકા અને યુરોપના દેશોએ પણ ઇંધણમાં ભાવવધારો કરવો પડ્યો છે. આવડી મોટી વસ્તી વાળો ભારત એક માત્ર દેશ છે જેણે હજુ સુધી ભાવવધારો કર્યો નથી અને ઇંધણની આયાત સુનિશ્ચિત કરીને પુરવઠો જાળવી રાખવાનો સફળ પ્રયત્ન કર્યો છે. પેટ્રોલ ડીઝલની કોઈ તંગી નથી એવી હૈયાધારણ સરકાર આપી રહી છે, જે એલપીજીનું સંકટ છે એ થોડું ઘેરું છે એવું સરકાર પણ સ્વીકારી રહી છે. પણ ભારત હોર્મુઝ ખાડીમાંથી પોતાના વેસેલ્સ ધીમે ધીમે બહાર કાઢવી રહી છે. ભારતની દરેક રીફાઈનરી પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહી છે. વિપક્ષોએ મૂંછો ચાવવી પડે એવી ખબર એ પણ આવી રહી છે કે ભારત ઈરાન પાસેથી એલપીજી ખરીદી રહ્યું છે. અને આ ખરીદી રૂપિયામાં કરી રહ્યું છે. હવે જયારે ઈરાન પાસેથી જ માલ કરીદ કરવામાં આવી રહ્યો હોય, ત્યારે હોર્મુઝ્માં રોકાઈ જવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. બીજી ખબર એ પણ છે કે ૨૦૦૦૦ કિલોમીટર દૂરના દક્ષિણ અમેરિકી મિત્ર દેશ આર્જેન્ટીના પાસેથી ભારત એલપીજી ખરીદ કરી રહ્યું છે. સરકાર હાથવગા બધા હથિયારોનો ઉપયોગ કરીને દેશની એકસો ચાલીસ કરોડ જનતાને આ પુરવઠો પૂરો પાડવાનો પ્રયત્ન કરી રહી છે જે સપાટી પર દેખાઈ રહ્યો છે.
સંકટ કે કટોકટી કાળમાં શું માત્ર સરકારની જ જવાબદારી ઉભી થાય છે ? પ્રજાની, વિપક્ષની, અખબારોની કોઈ જવાબદારી નથી હોતી ? પોતાના સરકાર સામેના અંગત ખુન્નસ ખાતર આવા કપરાં સમયમાં ચંદ સિક્કાઓ ખાતર અમુક અખબારો જે ઘાતક પત્રકારત્વ કરી રહ્યા છે એ પાપની કક્ષાનું છે. જે નેતાઓ પોતાની અંગત રાજકીય રોટીઓ શેકી રહ્યા છે એ અધમ કક્ષાની રાજનીતિ કરી રહ્યા છે. પાકિસ્તાન જેવો આતંક પરસ્ત દેશ કોઈ બે દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં મધ્યસ્થી કરે એ વાતને આધાર માનીને ભારતની સ્થિતિ શું છે એ પૂછતાં નેતાઓની વૈચારિક દરિદ્રતા ભયંકર છે. જનતાનો જે વર્ગ સમાજમાં અસ્થિરતા ફેલાય એવી અફવાઓ ફેલાવી રહ્યો છે એ વર્ગ દેશનું કેન્સર છે. જે તર્કહીન બુધ્ધીખોર પત્રકાર ટીવી પર બેસીને યુદ્ધની સ્થિતિમાં દેશની સારી વિદેશનીતિને પણ વખોડી રહ્યો છે એ દરબારી છે. કટોકટીમાં આગેવાનના કુનેહ અને પ્રજાના ખમીરની કસોટી થાય છે.
ક્વિક નોટ – “…. ઓક્ટોબરના ચીનના આક્રમણ પછી સરકારે જનતાનો વિશ્વાસ ખોઈ દીધો છે. આ સરકાર રાષ્ટ્રીય શરમની સરકાર છે. આ દેશની સમસ્યાઓ મિસ્ટર નહેરુની વ્તાક્તિગત જવાબદારીઓ છે. “
“ચીને આપણને ઠગી લીધા એવું પ્રધાનમંત્રી નહેરુ કહે છે, ચાણક્યએ કહ્યું છે કે જે રાજા કહે છે કે શત્રુએ એને ઠગી લીધો છે, એ રાજાને તરત ખસેડી નાખવો જોઈએ.” – ડા. રામમનોહર લોહિયા.











































