સરકારી હોસ્પિટલમાં રખડતા શ્વાનની ગણતરી અંગે રાજ્યકક્ષાના આરોગ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું કે, રખડતા શ્વાન નાના બાળકોને કરડે છે અને ઈજા પહોંચાડે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રાણી કલ્યાણ બોર્ડ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. રખડતાં શ્વાન જાહેર સ્થળો પર હોસ્પિટલ કે રેલ્વે સ્ટેશન પર કેટલા છે તે જાણવા કહ્યું હતું. તેમજ શેલ્ટરસહોમ બનાવી શિફ્ટ કરવાની વિચારણા છે. ચોક્કસ શ્વાનનો આંકડો મળી રહે તે માટે આયોજન છે. હોસ્પિટલ કે દવાખાનાની પ્રિમાઈસીસમાં કેટલા શ્વાન છે તેના આંકડા લેવાના છે. તમામ જાહેર સ્થળો પર શ્વાન કેટલા છે તેની માહિતી માંગી છે. આંકડા મળ્યા બાદ ચીફ સેક્રેટરી સુપ્રિમ કોર્ટને જાણ કરશે.
રાજ્ય સરકારે સરકારી હોસ્પિટલમાં સ્વચ્છતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તાજેતરમાં જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સમુદાય આરોગ્ય કેન્દ્રના પરિસરમાં રહેલા શ્વાનોની ગણતરી કરવાની જવાબદારી હોસ્પિટલ સ્ટાફને સોંપવામાં આવી છે. સરકાર દ્વારા સોમવાર સુધીમાં વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. આરોગ્ય કેન્દ્રોના કમ્પાઉન્ડમાં રખડતા શ્વાનોની સંખ્યા અને તેમની હાજરીથી દર્દીઓ તથા સ્ટાફને પડતી મુશ્કેલીઓ અંગે ચોક્કસ માહિતી મેળવવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
રાજકોટમાં શ્વાન ગણતરીની કામગીરીને લઈને આરોગ્ય વિભાગમાં ચર્ચા અને ગણગણાટ તેજ થયો છે. શિક્ષકો અને તલાટીઓ બાદ હવે આ જવાબદારી આરોગ્યકર્મીઓને સોંપવામાં આવતા કર્મચારીઓમાં કચવાટ જાવા મળી રહ્યો છે. જિલ્લામાં આવેલા ૫૫ આરોગ્ય કેન્દ્રો, ૫ સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ, ૧૨ કમ્યુનિટી હેલ્થ સેન્ટર, ૧ જિલ્લા હોસ્પિટલ તેમજ ૧ મેડિકલ કોલેજને શ્વાનોની ગણતરી અંગે પરિપત્ર પાઠવાયો છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે સુપ્રિમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ૩ માર્ચ સુધીમાં સમગ્ર અહેવાલ સોંપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. કર્મચારીઓમાં આ કામગીરીને લઈને થોડી અસ્વસ્થતા હોવા છતાં નામદાર અદાલતના આદેશનું પાલન કરવું ફરજિયાત હોવાનું અધિકારીએ સ્પષ્ટ કર્યું છે.







































