ભારતીય શેરબજારે શુક્રવારે ઇતિહાસ રચ્યો, વર્ષના શરૂઆતના ટ્રેડિંગ સત્રોમાં તેની મજબૂતાઈ દર્શાવી. નેશનલ સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ, નિફ્ટી, બેંકિંગ, પાવર અને મેટલ શેરોમાં વ્યાપક ખરીદીને કારણે અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો. દરમિયાન, બીએસઈ સેન્સેક્સમાં પણ ૫૦૦ પોઈન્ટથી વધુનો વધારો નોંધાયો હતો.
શુક્રવારના ટ્રેડિંગ દરમિયાન, નિફ્ટીએ ૨૬,૩૪૦ પોઈન્ટનો નવો ઈન્ટ્રા-ડે રેકોર્ડ બનાવ્યો. તે આખરે ૧૮૨ પોઈન્ટ અથવા ૦.૭૦ ટકા વધીને ૨૬,૩૨૮.૫૫ પર બંધ થયો. બીજી તરફ, ૩૦ શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ ૫૭૩.૪૧ પોઈન્ટ અથવા ૦.૬૭ ટકા વધીને ૮૫,૭૬૨.૦૧ પર બંધ થયો. દિવસ દરમિયાન, સેન્સેક્સ પણ ૮૫,૮૧૨.૨૭ ની ઊંચી સપાટીને સ્પર્શ્યાે હતો. રૂપિયો ૯૦ ડોલરના સ્તરથી નીચે સરકી ગયો. ડોલર સામે રૂપિયો ૨૨ પૈસા ઘટીને ૯૦.૨૦ (કામચલાઉ) પર બંધ થયો.
બજાર નિષ્ણાતોના મતે, એશિયન બજારોમાં તેજી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા સતત મૂડી પ્રવાહને કારણે બજારને નવી ઊંચાઈએ પહોંચવામાં મદદ મળી. સેન્સેક્સમાં એનટીપીસી, ટ્રેન્ટ, બજાજ ફાઇનાન્સ, પાવર ગ્રીડ, મારુતિ સુઝુકી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા,આઇસીઆઇસીઆઇ બેંક અને ભારત ઇલેક્ટ્રોનિક્સ સૌથી વધુ વધ્યા હતા.
આ તેજી છતાં,આઇટીસી, કોટક મહિન્દ્રા બેંક, ટાઇટન, એકસીસ બેંક અને ભારતી એરટેલના શેર દબાણ હેઠળ રહ્યા અને નુકસાન સાથે બંધ થયા. એક્સચેન્જ ડેટા અનુસાર, સંસ્થાકીય રોકાણકારોની પ્રવૃત્તિમાં ફેરફાર થયો. ગુરુવારે, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ૩,૨૬૮.૬૦ કરોડના શેર વેચ્યા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ૧,૫૨૫.૮૯ કરોડના શેર ખરીદ્યા, જેનાથી બજારને ટેકો મળ્યો. સ્થાનિક રોકાણકારોમાં આ વિશ્વાસ વૈશ્વીક અસ્થીરતા વચ્ચે બજારને મજબૂતી આપી રહ્યો છે.
દક્ષિણ કોરિયાના કોસ્પી અને હોંગકોંગના હેંગ સેંગ સૂચકાંકો એશિયન બજારોમાં નોંધપાત્ર વધારા સાથે બંધ થયા. જાકે, ચીન અને જાપાનના બજારો રજાઓ માટે બંધ રહ્યા. યુરોપિયન બજારોમાં પણ સકારાત્મક વલણ જોવા મળ્યું, જ્યારે ગુરુવારે નવા વર્ષની રજાને કારણે યુએસ બજારો બંધ રહ્યા.
વૈશ્વીક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૩૬ ટકા ઘટીને ૬૦.૬૩ પ્રતિ બેરલ પર બંધ થયું. ભારત જેવા આયાત-નિર્ભર દેશ માટે ક્રૂડ ઓઇલના ભાવમાં આ નરમાઈને સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે.
ગુરુવારે સામાન્ય વધારા બાદ શુક્રવારે રેકોર્ડ તેજી દર્શાવે છે કે બજારમાં તેજીનો ટ્રેન્ડ અકબંધ છે. નિફ્ટીનો ૨૬,૩૦૦ ને પાર કરવો એ ટેકનિકલી મજબૂત સંકેત છે. આગામી સત્રોમાં, રોકાણકારો વૈશ્વીક આર્થિક ડેટા અને ત્રિમાસિક પરિણામો પર નજર રાખશે, જે બજારની ભાવિ દિશા નક્કી કરશે.











































