ભારતના ટેસ્ટ અને વનડે કેપ્ટન શુભમન ગિલે રવિવારે સમાપ્ત થયેલી ન્યુઝીલેન્ડ સામેની વનડે શ્રેણી પછી આરામ ન કરવાનો નિર્ણય લીધો છે. તે ગુરુવારથી રાજકોટમાં સૌરાષ્ટ્ર  સામે રણજી ટ્રોફી મેચમાં પંજાબ માટે રમશે. વિજય હજારે ટ્રોફીના સમાપન પછી, રણજી ટ્રોફીનો આગળનો તબક્કો હવે ચાલી રહ્યો છે.
ગિલ ન્યુઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં ત્રણેય મેચ રમ્યો હતો. કિવીઝ સામેની પાંચ મેચની ટી૨૦ શ્રેણી માટે તેની પસંદગી કરવામાં આવી નથી. આરામ કરવાને બદલે, તેણે તાત્કાલિક રેડ-બોલ ક્રિકેટમાં પાછા ફરવાનું પસંદ કર્યું છે. ૨૬ વર્ષીય ખેલાડીનું લક્ષ્ય પંજાબને રણજી ટ્રોફી નોકઆઉટમાં લઈ જવાનું રહેશે. પંજાબ ટીમના નજીકના સૂત્રએ જણાવ્યું હતું કે, “શુભમનએ વનડે શ્રેણી પછી આરામ ન કરવાનો નિર્ણય લીધો છે. ઇન્દોરથી રાજકોટ પહોંચવામાં તેને આઠ કલાક લાગ્યા કારણ કે કોઈ સીધી ફ્લાઇટ ઉપલબ્ધ નથી.”
પંજાબ હાલમાં ગ્રુપ બીમાં છઠ્ઠા સ્થાને છે અને પાંચ મેચમાંથી ૧૧ પોઈન્ટ ધરાવે છે. આગામી રાઉન્ડમાં સ્થાન મેળવવા માટે તેને બાકીની ત્રણેય મેચ જીતવી પડશે. ગિલની વાપસીથી તેની બેટિંગ મજબૂત થઈ છે. કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયા બાદ ગિલ પહેલીવાર રેડ-બોલ ક્રિકેટ રમશે.