આૅસ્ટ્રેલિયાના સિડનીના બોન્ડી દરિયાકાંઠે યહૂદીઓ ‘હનુક્કાહ’ નામનો ઉત્સવ આનંદ અને શાંતિપૂર્વક મનાવી રહ્યા હતા ત્યારે જ સાજિદ અક્રમ અને તેના દીકરા નાવિદ અક્રમે તેમના પર ગોળીઓનો વરસાદ વરસાવી દીધો અને ૧૬ના મૃત્યુ થઈ ગયા ! આ ઘટનાક્રમમાં આખી વાત મુસ્લિમ ત્રાસવાદીઓ પર ન વળી જાય તે માટે તેમાંથી એકની બંદૂક છિનવી તેને જમીન પર પાડી દેનાર અહમદ અલ અહમદ પર ‘બેધડક’ વાળી દેવાઈ. તેને હીરો બનાવી દેવાયો. તેના માટે ૧૦ લાખ ડાલરનું દાન પણ ઉઘરાવી લેવાયું.
ભારતના અને વિદેશનાં કેટલાંક મીડિયાએ ભલે આવું કર્યું હોય પરંતુ ‘ડેઇલી ટેલિગ્રાફ’એ ગુસ્સામાં લખ્યુંઃ You Ba***rds’. હેડિંગમાં ગાળ લખવા પાછળ કેટલો રોષ હશે તે કલ્પી શકાય તેમ છે. છેલ્લાં લગભગ ૨૪ વર્ષથી વિશ્વ ભરમાં ઇસ્લામી ત્રાસવાદીઓ કેર વર્તાવી રહ્યા છે. આમ તો ઇસ્લામી સ્થાપના પછી તરત જ આ શરૂ થયું હતું. ભારત પર ઈ. સ. ૭૧૧થી મુહમ્મદ બિન કાસીમે ત્રાસવાદી આક્રમણ શરૂ કર્યું હતું ત્યારથી ભારતમાં આ ક્રમ ચાલ્યો આવે છે.
૨૦૨૫માં જ જોઈએ તો, અનેકાનેક ત્રાસવાદી આક્રમણો દુનિયા ભરમાં થયા છે. (ડાબેરી વિકિપિડિયા તો ઇઝરાયેલી સૈનિકો સ્વબચાવમાં આક્રમણ કરે તેને પણ ત્રાસવાદી આક્રમણ ગણાવે છે !) સૂર્ય આધારિત પંચાંગના વર્ષના પ્રથમ જ દિવસે ૧ જાન્યુઆરીએ અમેરિકાના ન્યૂ આૅર્લિયન્સમાં ૪૨ વર્ષના શમ્સુદ્દિન જબ્બરે ઇસ્લામિક સ્ટેટની પ્રેરણાથી નવા વર્ષની ઉજવણી કરી રહેલા ખ્રિસ્તીઓ અને અન્ય પંથીઓ પર ભાડે લીધેલી ફાર્ડ કાર ચડાવી દીધી જેમાં ૧૫ જણા માર્યા ગયા !
૧૫ ફેબ્રુઆરીએ આૅસ્ટ્રિયાના વિલાચમાં ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા ૨૩ વર્ષના એક ત્રાસવાદીએ પગપાળા ચાલી રહેલા છ લોકોને છરી હુલાવી દીધી. ૨૧ ફેબ્રુઆરીએ જર્મનીના બર્લિનમાં ૧૯ વર્ષના એક છોકરડાએ યહૂદીઓના સ્મારક ખાતે ૩૦ વર્ષના સ્પેનિશ પર્યટકને છરી હુલાવી દીધી. તેણે આક્રમણનું આયોજન સપ્તાહો પહેલાંથી કર્યું હતું અને તેનો આશય યહૂદીઓને મારવાનો હતો.
૨૨ ફેબ્રુઆરીએ ફ્રાન્સના મલહાઉસ શહેરમાં ૩૭ વર્ષના અલ્જિરિયન મુસ્લિમે અનેક વાર ‘અલ્લાહૂ અકબર’ બોલીને પોલીસ સહિત અનેક લોકોને છરી મારી દીધી. ૨૭ માર્ચે નેધરલેન્ડ્‌સના ઍમ્સ્ટરડમમાં એક આક્રમણકારીએ (હજુ સુધી તેની સાચી ઓળખ જાહેર અને કારણ જાહેર કરાયું નથી. આવું પણ લિબરલ સરકારોની લિબરલ પોલીસ કરતી હોય છે. મીડિયા પણ ‘બેધડક’ જાહેર ન કરે અને એકાદ અહમદ અલ અહમદ જેવાને હીરો બનાવી દે.) પાંચ અલગ-અલગ દેશના નાગરિકોને છરી હુલાવી દીધી.
ગત ૨૨ એપ્રિલે પહેલગામનું તો કંપાવી દેનાર આક્રમણ છે. ધર્મ પૂછીને ૨૫ હિન્દુ અને એક ખ્રિસ્તીની હત્યા મુસ્લિમ ત્રાસવાદીઓએ કરી દીધી. ૧૮ મેએ જર્મનીના બીએલેફીલ્ડમાં સિરિયાના મુસ્લિમે એક બારમાં ફૂટબાલ મેચ જોઈ રહેલા પાંચની હત્યા કરી દીધી. આ ત્રાસવાદી ઇસ્લામિક સ્ટેટથી પ્રેરિત હતો.
૨૨ અને ૨૮ મેએ સિરિયામાં આઈએસઆઈએસે બામ્બ ધડાકા કરી બેની હત્યા કરી. ૧ જૂને અમેરિકાના બાઉલ્ડરમાં મોહમ્મદ સાબરી સોલીમને ફ્‌લેમથ્રાવર અને મોલોટોવ કાકટેઇલ (પીણું)નો ઉપયોગ કરીને હમાસ દ્વારા ૭ આૅક્ટોબર ૨૦૨૩ના દિને બંધક બનાવાયેલા ઇઝરાયેલીઓની સાથે સહાનુભૂતિ દર્શાવવા નીકળેલી કૂચના લોકોને નિશાન બનાવ્યા. તેમાં એકનું મૃત્યુ થયું અને પંદર ઘવાયા હતા.
સિરિયાના દમાસ્કસમાં ૨૨ જૂને એક ચર્ચમાં ૩૫૦થી વધુ ખ્રિસ્તીઓ પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે સરાયા અન્સર અલ સુન્નાહ નામના ત્રાસવાદીએ ગોળીઓ છોડીને ૩૧ લોકોને મારી નાખ્યા અને ૫૪ને ઘાયલ કર્યા ! કોંગોના કોમાન્ડામાં ૨૭ જુલાઈએ એક કેથોલિક ચર્ચમાં ૧૦૦ લોકો હાજર હતા ત્યારે ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા ‘એલાઇડ ડેમોક્રેટિક ફાર્સ’ના ત્રાસવાદીઓએ આક્રમણ કરીને ૪૩થી ૫૦ જણાને મારી નાખ્યા. ૧૩ ઘાયલ થયા.
૨૭ આૅગસ્ટે અમેરિકાના મિનેપાલિસમાં આવેલા કેથોલિક ચર્ચ અને શાળામાં એક ટ્રાન્સજેન્ડર સ્ત્રી (પુરુષમાંથી સ્ત્રી બનેલા)એ ગોળીબાર કરતાં ત્રણ માર્યા ગયા હતા અને ૨૧ ઘાયલ થયા હતા. તેણે કેથોલિકને ધિક્કારના પરિણામે આ આક્રમણ કર્યું હતું.
વિચાર કરો. તમે એલજીબીટીક્યૂના આવા ત્રાસવાદી અપરાધો વિશે ગૂગલ કરશો તો આવા બનાવો તમને જોવા જ નહીં મળે. એન્ટોનિયો ગ્રામસ્કી અને જ્યાર્જિ લ્યુકાસ જેવા વામપંથીઓએ જે કલ્ચરલ માર્ક્સિઝમના નામે કલ્ચરલ ટેરરિઝમની થિયરી બનાવી અને અમેરિકાની કાલંબિયા યુનિવર્સિટીમાં તે પહોંચી, અને તે પછી સમગ્ર વિશ્વમાં, તેના પરિપાક રૂપે આજે સ્ત્રીઓ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી રહી છે. લિવ ઇન રિલેશનશિપમાં હત્યાઓ થઈ રહી છે. કિન્નરોમાં અંદરોઅંદર પૈસા માટે લડાઈ થઈ રહી છે- હત્યા થઈ રહી છે. અને આ ટ્રાન્સજેન્ડર, લેસ્બિયન, ગે સમુદાય દ્વારા હત્યા ઉપરાંત બાળકોનું માનસ દૂષિત કરી નાખી તેને ક્યાંયનો નથી રહેવા દેવાતો, તે અલગ. ઇલોન મસ્કે તેનો દીકરો ઝેવિયર લિંગ પરિવર્તન કરી વિવિયાના નામની છોકરી બની ગયો તેને પોતાના દીકરાની આ વામપંથીઓ દ્વારા હત્યા ગણાવી હતી.
૮ સપ્ટેમ્બરે તુર્કીના બાલ્કોવામાં ઇસ્લામિક સ્ટેટથી પ્રેરાયેલા એક ૧૫ વર્ષના મુસ્લિમ કિશોરે પોલીસ મથક પર ગોળીબાર કર્યો અને ત્રણ પોલીસ અધિકારીઓને મારી નાખ્યા. તેણે આક્રમણ પહેલાં પાસ્ટમાં લખ્યું હતું, “હું ટૂંક સમયમાં જ આત્મઘાતી આક્રમણ કરીશ અને ઈન્શાલ્લાહ શહીદ (શહીદનો અર્થ દેશ માટે નહીં, પરંતુ ઇસ્લામ માટે લડીને મૃત્યુને ભેટનાર થાય છે) બનીશ.” મુસ્લિમ દેશોના તારણહાર થવા મથતા રીકેપ તય્યીપ ઍર્દોગનના મુસ્લિમ બહુલ તુર્કી દેશમાં પણ આવું ત્રાસવાદી આક્રમણ મુસ્લિમ કરે છે !
ગત ૧૦ નવેમ્બરે દિલ્લીમાં લાલ કિલ્લા પાસે ઉમર મોહમ્મદે કાર બામ્બ ચલાવી ૧૫ને મારી નાખ્યા. ઉપરાંત ગુજરાતમાંથી ત્રણ મુસ્લિમ ત્રાસવાદીઓ પકડાયા તેઓ જો રાયસિન ઝેર પાણીમાં ભેળવી દેવાના તેમનાં ષડયંત્રમાં સફળ થયા હોત તો કેટલી પ્રાણહાનિ થઈ હોત તે કલ્પવું મુશ્કેલ છે !
આમ, આ એક જ વર્ષમાં અમેરિકાથી લઈને ભારત અને આૅસ્ટ્રેલિયા સુધી બધે જ ત્રાસવાદી આક્રમણો થયા છે. અને મુસ્લિમ ત્રાસવાદીઓ માટે યહૂદી, હિન્દુ, ખ્રિસ્તી બધા જ શત્રુ છે.
ભારત ઓછામાં ઓછાં છેલ્લાં બત્રીસ વર્ષથી ગાંગરી-ગાંગરીને વિશ્વને ઇસ્લામિક ત્રાસવાદ સામે ચેતવણી આપતું રહ્યું છે. પરંતુ આ ચેતવણી બહેરા કાને જ અથડાતી રહી છે. અમેરિકા પોતે તેનો ભોગ બની રહ્યું છે. ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧માં મોટા પાયે બન્યું અને તે પછી પણ અનેક આક્રમણો ત્યાં થઈ ચૂક્યા છે. ત્યાં ડેમોક્રેટ દ્વારા ઘૂસણખોરોને ‘અનડાક્યૂમેન્ટેડ ઇમિગ્રન્ટ્‌સ’ કહીને તેમને સરકારી લાભો આપવા લાગતા મુસ્લિમોની જનસંખ્યા વધી રહી છે. ન્યૂ યાર્કમાં તો ઝોહરાન મમદાની જેવો કટ્ટર વ્યક્તિ મેયર તરીકે ચૂંટાઈ આવ્યો છે. લંડનને પણ લોકો લંડનિસ્તાન તરીકે ઓળખવા લાગ્યા છે. જર્મની, ફ્રાન્સ, આૅસ્ટ્રિયા, સ્વીડન, ડેનમાર્ક, નેધરલેન્ડ્‌સ બધે જ આ સ્થિતિ છે. પરંતુ આ બધે લિબરલ સરકારોએ એવા કાયદા બનાવી નાખ્યા છે કે હજારો નિર્દોષ ભલે મરે પરંતુ મુઠ્ઠીભર ત્રાસવાદીઓનાં નામો જાહેર નહીં કરવાના. તેમનો ત્રાસવાદ ફેલાવવાનો હેતુ જાહેર નહીં કરવાનો.
ભારત સહિતનું મીડિયા પણ તેમના માટે ‘ગનમેન’, સસ્પેક્ટેડ ટેરરિસ્ટ (શંકાસ્પદ ત્રાસવાદી) લખે છે ! તેના બચાવમાં આર.જે. (રેડિયો જાકી) સાયમા અને પત્રકાર આરફા ખાનમ શેરવાની જેવા આવી જાય છે. સાયમાએ કહ્યું કે જિહાદનો અર્થ સંઘર્ષ થાય છે. બોલો ! તો બહેન, આ અર્થ મુસ્લિમ ત્રાસવાદીઓને સમજાવ. આરફાએ ત્રાસવાદીઓને ઇસ્લામિસ્ટ ગણાવ્યા અને કોઈ કટ્ટરવાદીએ ટીકા કરી તો સ્પષ્ટતા કરી કે ઇસ્લામિસ્ટ અને ઇસ્લામિક જુદા છે !
ભારતની વાત કરીએ તો, પાકિસ્તાન ૧૯૭૧માં ભારત સામે યુદ્ધ હાર્યું ત્યારથી ઝિયા ઉલ હકે સૈન્ય થિયરી બનાવી જેનો ઉલ્લેખ ‘ધૂરંધર’ ફિલ્મમાં પણ આવે છે કે: Bleed India by a thousand cuts.. અર્થાત્ ભારતને હજાર જગ્યાએ ઘા મારો. લોહીલુહાણ કરી દો.
અત્યાર સુધી ભારત અને વિશ્વમાં અન્યત્ર ત્રાસવાદી આક્રમણો માટે આપણે પાકિસ્તાનને દોષ દેતા આવ્યા છીએ, પરંતુ
આજે એ સ્થિતિ થઈ છે કે ભારતમાંથી આતંકવાદીઓ પકડાઈ રહ્યા છે ! સિડનીના બાન્ડી દરિયાકાંઠે આક્રમણ કરનાર સાજિદ અક્રમ હૈદરાબાદનો નીકળ્યો ! અત્યાર સુધી આપણે પાકિસ્તાનને ત્રાસવાદની નિકાસ કરનાર દેશ કહેતા હતા, પરંતુ શું હવે આપણે એ નથી બની રહ્યા ને? એ વિચારવાનો સમય પાકી ગયો છે.
તેલંગાણામાં અસદુદ્દીન ઓવૈસી જેવા કટ્ટરવાદીના આૅલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસલમીનનું વર્ચસ્વ છે. અસદુદ્દીન પોતે પણ કટ્ટરવાદી ભાષણો આપે છે. તેનો ભાઈ અકબરુદ્દીન તો એમ ચેતવણી આપે કે ૧૫ મિનિટ માટે પોલીસ હટાવી લો. તમે (હિન્દુઓ) ૧૦૦ કરોડ છો અને અમે ૨૫ કરોડ. અમે બતાવી દઈશું કે કોણ શક્તિશાળી છે. (અને તમે આપણા ન્યાયતંત્રની બલિહારી જુઓ કે, ન્યાયતંત્રને આ ભાષણ ઘૃણાજનક ન લાગ્યું અને અકબરુદ્દીનને નિર્દોષ છોડી મૂક્યો ! પરંતુ નુપૂર શર્મા પુસ્તકમાં ટાંકેલી વિગત બોલે તોય ન્યાયતંત્ર તેમની સામે આકરી ટીપ્પણી કરે છે.)
સ્વયં તેલંગાણાના કાંગ્રેસી મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડી એમ કહે છે કે કાંગ્રેસ અર્થાત્ મુસ્લિમ અને મુસ્લિમ અર્થાત્ કાંગ્રેસ. તેઓ હિન્દુ દેવી-દેવતાઓ વિશે પણ અપમાનજનક વાત કરે છે. હૈદરાબાદ હોય કે કેરળ, ગુજરાત હોય કે ઉત્તર પ્રદેશ, ઠેરઠેર આ ત્રાસવાદી માનસિકતા પહોંચી ગઈ છે. મુર્શિદાબાદમાં વક્ફ બાર્ડ અધિનિયમનો વિરોધ કરવો હોય તો શાંતિપૂર્વક કૂચ કાઢીને કરી શકાય, પરંતુ હિન્દુઓને નિશાન બનાવાય છે.
ક્રૂર શાસક ઔરંગઝેબની કબર હટાવવાના વિરોધમાં નાગપુરમાં હિન્દુઓને નિશાન બનાવાય છે. આવા તો અનેક કિસ્સા છે. તેનો ગ્રંથ બની શકે.
તાજેતરમાં પ. બંગાળમાં ધારાસભ્ય હુમાયૂં કબીરે મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદની આધારશિલા મૂકી દીધી ! તૃણમૂલે તેમને કાઢી મૂક્યા. આથી હુમાયૂં કબીરે મમતાને હરાવવા પ્રતિજ્ઞા કરી. રાજકીય નિષ્ણાતો કહે છે કે આ બાબત ભાજપને ફાયદો કરાવશે. બની શકે કે પ. બંગાળમાં મમતાના મતો તૂટે. જે કામ ઓવૈસી બંગાળમાં ન કરી શક્યા તે કામ હુમાયૂં કબીર કરી જાય, પરંતુ નુકસાન ભારતને થશે. કટ્ટરતા વધશે તેટલા વધુ ત્રાસવાદીઓ ભારતમાં પાકશે. તેટલા વધુ હિન્દુઓ, ખ્રિસ્તીઓ, યહૂદીઓ અને બૌદ્ધ તેના ભોગ બનશે. તે વાત રાજકીય પક્ષોએ સમજવી જોઈશે.
મત માટે મુસ્લિમોનું તુષ્ટિકરણ અને તેની સામે હિન્દુઓને ડરાવેલા રાખીને આવા કટ્ટરોને છૂટા ફરવા દઈને મત મેળવવાનો પ્રયત્ન આ બંને બાબતો સમાન રૂપે દેશ માટે જોખમી છે. હજુ જો ન સમજાય તો પૂછો અમેરિકાની ‘ઍક્ટ ફાર અમેરિકા’ સંસ્થાની સ્થાપક બ્રિજીટ ગેબ્રિયલને.
‘બીકાઝ ધેય હેટ’ અને ‘ધેય મસ્ટ બી સ્ટાપ્ડ’ જેવાં બેસ્ટ સેલર પુસ્તકો લખનાર બ્રિજીટ લેબેનોનનાં વતની છે, ખ્રિસ્તી છે. લેબેનોન એક સમયે ખ્રિસ્તી બહુલ હતું, બેરુત ‘મધ્ય પશ્ચિમના પેરિસ’ તરીકે ઓળખાતું હતું પરંતુ પેલેસ્ટાઇનના શરણાર્થીઓને આવવા દઈને તેને મુસ્લિમ બહુલ બનાવી દેવાયું અને તે પછી ખ્રિસ્તીઓનું જીવવાનું દુષ્કર થઈ ગયું.
૧૯૭૫થી ૧૯૯૦ વચ્ચે ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું. યહૂદી વિરોધી હિઝબુલ્લાહનું ગઢ બની ગયું. બ્રીજિટના ઘર પર પણ મુસ્લિમોએ બામ્બમારો કર્યો હતો. ૧૧ જ વર્ષની ગ્રેબિયલે તેના પિતાને પૂછ્યું, “આ લોકો આપણને શા માટે મારવા માગે છે?” તેના પિતાએ કહ્યું, “કારણ કે તે લોકો આપણને ‘કાફીર’ ગણે છે.” તેમને ભૂગર્ભમાં આશ્રય લેવો પડ્‌યો. બ્રીજિટના પિતાને એમ હતું કે ખ્રિસ્તી દેશો લેબેનોનની સહાયે આવશે, પણ કોઈ ન આવ્યું.
બીજાં સાત વર્ષ બ્રીજિટનો પરિવાર સંતાતો-સંતાતો જીવતો રહ્યો. તેમની આસપાસ પેલેસ્ટાઇની મુસ્લિમો હતા. બ્રીજિટની કિશોરાવસ્થા ભયની વચ્ચે જ પસાર થઈ. ઈ.સ. ૧૯૮૨માં એક ખ્રિસ્તીએ બ્રીજિટના પરિવારને ચેતવણી આપી કે મુસ્લિમો તેમને છોડશે નહીં. આથી બ્રીજિટના પરિવારે નક્કી કર્યું કે જ્યારે આવું બનશે ત્યારે આપણે તેમનું ધ્યાન ભટકાવશું અને તમે ઇઝરાયેલ ભાગી જજો. ઇઝરાયેલ ત્યાંથી પાંચ કિલોમીટર જ દૂર હતું.
એ દિવસ પણ આવી ગયો. બ્રીજિટ અને તેની માતા ભાગ્યા. લેબેનોનના એમ્બ્યુલન્સ ડ્રાઇવરે ઇઝરાયેલની સીમા સુધી છોડવાના પૈસા લીધા પણ ત્યાંથી યહૂદી ડ્રાઇવરે તેમને ઇઝરાયેલી હાસ્પિટલ સુધી છોડવાનો એક પણ પૈસો લીધો નહીં ! તેણે કહ્યું કે “તમારા માટે આ નિઃશુલ્ક સેવા છે.” બ્રીજિટ ગેબ્રિયલ, એક ખ્રિસ્તી છોકરી, નોંધે છે કે ઇઝરાયેલી ડાક્ટરોએ ઇજા જોઈને સારવાર કરી, પંથ જોઈને નહીં.
બ્રીજિટને થયું કે લડાઈ અમારા દેશમાં છે અને ઇઝરાયેલીઓ લડે છે. હાસ્પિટલમાં ગુજરેલાં ત્રણ સપ્તાહે બ્રીજિટનું જીવન અને દૃષ્ટિકોણ બદલી નાખ્યો. તે ૧૯૮૪માં ઇઝરાયેલમાં સમાચાર વાચિકા બની. ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના અમેરિકા પરના ત્રાસવાદી આક્રમણે બ્રીજિટને અનુભૂતિ કરાવી કે તેને જે સમસ્યા લેબેનોનની લાગતી હતી તે હવે વૈશ્વિક છે. આથી તેણે ‘ઍક્ટ ફાર અમેરિકા’ નામની સંસ્થા સ્થાપી જેના ૧૭ લાખ સભ્યો છે.
jaywant.pandya@gmail.com