અરવલ્લી જિલ્લામાં શામળાજી બોર્ડર નજીક પોલીસે ફાયરિંગ કરવાનું બન્યું હોવાની ઘટના સામે આવી છે. પ્રોહિબિશનના ગુનામાં રાજસ્થાનમાંથી ઝડપાયેલા આરોપીને ગુજરાત લાવતી વખતે તેણે ભાગવાનો પ્રયાસ કરતાં એસએમસી (સ્ટેટ મોનિટરિંગ સેલ)ની ટીમે ફાયરિંગ કરવું પડ્યું હતું.

માહિતી મુજબ એસએમસીની ટીમ રાજસ્થાનમાંથી આરોપીને કસ્ટડીમાં લઈને ગુજરાત તરફ આવી રહી હતી. આ દરમિયાન શામળાજી નજીક અણસોલ ગામ પાસે આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી છટકી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીને રોકવા માટે પોલીસે પહેલા ચેતવણી આપી હતી, પરંતુ તે ન અટકતાં  જવાનોએ ફાયરિંગ કર્યું હતું.

ફાયરિંગ દરમિયાન આરોપીને ખભાના ભાગે ગોળી વાગી હતી. ઘટનાની સાથે જ પોલીસ દ્વારા આરોપીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની તબિયત સ્થિર હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

પોલીસે જણાવ્યું કે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળનો ગુનો નોંધાયેલો હતો અને તેને રાજસ્થાનમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.