શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાંતાબા જનરલ હોસ્પિટલ અને શાંતાબા મેડિકલ કોલેજ દ્વારા એન્ટી માઈક્રોબિયલ રેસિસ્ટન્સ (AMR) વિશે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી AMR જનજાગૃતિ સપ્તાહ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા દર વર્ષે યોજાતા આ સપ્તાહનો મુખ્ય હેતુ એન્ટીબાયોટિક્સના અતિરેક અને ખોટા ઉપયોગથી ઊભા થતા જીવલેણ જોખમો વિશે સમાજને માહિતગાર કરવાનો છે. AMR એવી સ્થિતિ છે જેમાં બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ દવાઓ સામે પ્રતિકારક બની જાય છે, જેના લીધે સામાન્ય ઇન્ફેક્શનનો ઉપચાર પણ મુશ્કેલ બને છે. ભવિષ્યમાં અસરકારક દવાઓ ઉપલબ્ધ રહે તે માટે આ જાગૃતિ અત્યંત અનિવાર્ય છે. આ અભિયાનના ભાગરૂપે તા. ૨૨ નવેમ્બરના રોજ શાંતાબા મેડિકલ કોલેજના ૨૦૦થી વધુ તબીબી વિદ્યાર્થીઓએ શહેરના મુખ્ય માર્ગો પર રેલી કાઢી હતી. આ રેલી દ્વારા લોકોને AMR ના વધતા જોખમો અને એન્ટીબાયોટિક દવાઓના જવાબદાર ઉપયોગ વિશે સમજણ આપવામાં આવી હતી. સપ્તાહ દરમિયાન કોલેજમાં વિષય નિષ્ણાતોના વ્યાખ્યાન, ક્વિઝ સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા અને નાટક જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ ડીન ડા. અશોકકુમાર રામાનુજ, તબીબી અધિક્ષક ડા. આર.એમ. જીતિયા, માઈક્રોબાયોલોજી વિભાગના વડા, ફેકલ્ટી સભ્યો અને મેનેજમેન્ટના સક્રિય માર્ગદર્શન અને સહકારથી સંપન્ન થયો હતો.