અમદાવાદમાં એએમસી ફૂડ વિભાગની ફૂડ એકમો સામે કડક કાર્યવાહી કરી છે. જેમાં શહેરમાં જાન્યુઆરી માસમાં ખાદ્ય પદાર્થોના કુલ ૫૭૦ નમૂના લેવાયા હતા. તેમાં ૧૪૮૫ એકમોમાં તપાસ હાથ ધરી અનેક એકમો સીલ કરાયા છે. જેમાં પાણીપુરીના ૧૩૧૯ નમૂનામાંથી ૨૯૧માં હાનિકારક કલર મળ્યો છે. તથા ૧૧૨૬ કિલો અને ૧૩૧૮ લીટર બિનઆરોગ્યપ્રદ જથ્થાનો નાશ કરાયો છે. તેમજ શિયાળુ પાક, દૂધ અને મીઠાઈ સહિતની ચીજાના નમૂના લેવાયા છે.
મસાલા, નમકીન અને બેકરી પ્રોડક્ટ્સમાં પણ સઘન ચેકિંગ કરાયું છે. જેમાં તમામ ઝોનમાં ખાદ્ય ચીજવસ્તુઓના વેચાણ પર તંત્રની લાલ આંખ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરના નાગરિકોના જાહેર આરોગ્યના હિતમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ અન્વયે સતત કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન શહેરના વિવિધ ઝોન અને વોર્ડ વિસ્તારમાં ખાદ્ય ચીજાના નમુના લેવાની અને ચેકિંગની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
જાન્યુઆરી માસ દરમિયાન કુલ ૫૭૦ ખાદ્ય પદાર્થોના નમુનાઓ લેવામાં આવ્યા હતા. જેમાં ડ્રાયફ્રૂટ, ગોળ સહિતના ૫૬ શિયાળુ પાકના નમુના,દૂધ અને દૂધની બનાવટોના ૧૪ નમુના, બેકરી પ્રોડક્ટ્સના ૧૭ નમુના, ચોકલેટ્સ, સુગર બોઈલ્ડ કન્ફેક્શનરીના ૫૯ નમુના, મીઠાઈ, જલેબીના ૪૧ નમુના, ઉંધીયુના ૧૦, નમકીનના ૨૭, બેસન, લોટ, મેંદો, અનાજના ૩૨, ખાદ્યતેલના ૯, બેવરેજીસ, ઠંડાપીણાના ૨, મસાલાના ૬૯ તેમજ અન્ય ખાદ્યચીજવસ્તુઓના ૨૩૪ સહિત કુલ ૫૭૦ ચીજ વસ્તુઓના નમુનાનો સમાવેશ થાય છે. ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા ચકાસણી દરમિયાન નિયમોના ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
૧૪૮૫ એકમોમાં તપાસ કરી ૫૨૩ નોટિસ ઈસ્યુ કરી હતી. વાસી ખોરાક, સડેલા ફળો, પાણીપુરીના પાણી સહિત બિનઆરોગ્યપ્રદ ૧૧૨૬ કિલોગ્રામ તેમજ ૧૩૧૮ લીટર જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. આ પેટે ૫.૭૩ લાખ વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. ખાદ્યતેલની ગુણવત્તા ચકાસવા માટે ૨૩૫ ટીપીસી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી માસ દરમિયાન પાણીપુરીના પાણી અને રગડા સહિત કુલ ૧૩૧૯ નમુના લેવામાં આવ્યા હતા. જેમાંથી ૨૯૧ નમુનાઓમાં હાનિકારક ફુડ ગ્રેડ કલર અને બિનઆરોગ્યપ્રદ તત્વો મળી આવ્યા હતા. આ તમામ પાણીપુરીના એકમોને જે તે ઝોનના એસ્ટેટ તેમજ હેલ્થ વિભાગ દ્વારા બંધ કરવામાં આવેલા છે.







































