૧૮૬૩ની ૧૯મી નવેમ્બરે અમેરિકન આંતરવિગ્રહ દરમિયાન લિંકને ગ્રેટીસબર્ગમાં એક એક ટૂંકું ભાષણ આપ્યું હતું, લગભગ બે મિનિટનું… ” સત્યાશી વર્ષ પૂર્વે આપણા રાષ્ટ્ર વિધેયકોએ આ ખંડ પર એક નવું રાષ્ટ્ર નિર્માણ કર્યું જેનો ધ્યેય સ્વતંત્રતા હતો. અને ઈશ્વરે સૌને સમાન સરજ્યા છે એ સિદ્ધાંતને વરેલું હતું….. આજે આપણે અહી જે બોલીએ તેની દુનિયા ભાગ્યે જ નોંધ લેશે કે ઝાઝો સમય યાદ રાખશે…..” અમેરિકા ઉભું થયું અને આંતરવિગ્રહ જીત્યો. ૧૮ જૂન ૧૯૪૦ના રોજ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ચર્ચીલે હાઉસ ઓફ કોમન્સમાં કહ્યું “આપણે દરિયા અને મહાસાગર પર લડશું અને આપણા દેશને કોઈ પણ કિંમતે બચાવશું. આપણે દરિયાકાંઠે અને મેદાનોમાં, ખેતરો અને શેરીઓમાં અને પર્વતો પર લડીશું. આપણે ક્યારેય શરણાગતિ નહિ સ્વીકારીએ.” ઇંગ્લેન્ડ લડ્યું અને વિજેતા બન્યું. આ બધી એ ભાષા હતી જેણે તવારીખ બનાવી હતી, પ્રજાજીવનમાં પ્રાણ ફૂંક્યા હતા. જાહેરજીવનમાં શબ્દ મહાત્મય રાખે છે. હજારો લાખોની મેદની સમક્ષ નેતા દ્વારા બોલાયેલા શબ્દો વધુ વજન ધરાવે છે. શબ્દોની તાકાતથી આગેવાન ભાંગેલી પ્રજાને બેઠી કરી શકે છે. આ બંને નેતાઓએ જે બોલ્યું એ કરી બતાવ્યું અને અમેરિકા અને ઇંગ્લેન્ડને તાત્કાલિક સંકટોમાંથી બહાર લાવ્યા.
એલફેલ બોલતો, કોઈપણ આધાર પુરાવાઓ વિના દેશની કોઈપણ સંવૈધાનિક સંસ્થા કે પદ પર આક્ષેપો કરતો અને એ બોલવા પર વારેવારે જ્યાં ત્યાં માફી માંગતો નેતા વધુ સમય જનતાની નજરમાં ઉંચું સ્થાન ધરાવી રાખી શકતો નથી. સાદી ભાષામાં આને કહેવતમાં ઢાળીને કહીએ તો ‘થૂંકીને ચાટવા’ જેવો શબ્દપ્રયોગ કરવામાં આવે છે. જેના નિવેદનો દુશ્મન દેશની પાર્લામેન્ટમાં ભારત વિરુદ્ધનું સ્ટેન્ડ લેવામાં ઉપયોગમાં લેવામાં આવતા હોય એ નેતાને એ દુશ્મન કક્ષાનો જ ગણવો. ભારતના ઘણા નેતાઓના નિવેદનો પાકિસ્તાનની પાર્લામેન્ટમાં ચર્ચાય છે અને કહેવામાં પણ આવે છે કે ભારતની પાર્લામેન્ટમાં આપણા (પાકિસ્તાનના) માણસો બેઠા છે. ભારતીય નેતાઓના આ નિવેદનો એમના ચરિત્રને ઉજાગર કરે છે. દેશના વડાપ્રધાનથી લઈને દેશની દરેક સંવૈધાનિક સંસ્થાઓને ગાળો બોલવી અને અમે સત્તા પર આવશું તો આમતેમ કરી નાખશું જેવું ધમકીઓ આપવી એમનું માનસિક સ્તર દર્શાવે છે. કોઈપણ જાતની વિધેયાત્મક રાજનીતિ વિના પક્ષ કેટલો સમય અસ્તિત્વ ટકાવી શકે છે, એ સમયનો સવાલ છે. ભારત જેવા વિશ્વની સૌથી મોટી લોકશાહી દેશમાં રાષ્ટ્રીય જાહેર વ્યક્તિત્વ હોવું ચોક્કસ શિસ્ત અને આચરણની પૂર્વશરત માંગી લે છે. આમાં શબ્દો અભિપ્રેત છે. સત્તામાં રહીને કે વિપક્ષમાં બેસીને જ્યારે કોઈ આવડા મોટા જન સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે એમની પાસેથી ઘણી બાબતો અપેક્ષિત હોય છે. સંસદમાં સિગરેટ ફૂંકતા સાંસદો, મીડિયા સામે શબ્દોનો વિવેક ચૂકી જતા નેતાઓ, વિરોધમાં આંધળા બનીને એકબીજાને ગાલીગલોચ કરતા નેતાઓ કે કાર્યકર્તાઓ, ટીવી ડીબેટમાં માનસિક સંતુલન ખોઈને અભદ્ર વર્તન કરતા પક્ષ પ્રવક્તાઓ, બધા આપણી પાકટ લોકશાહીના અપરિપક્વ ફળો છે, જેને પાકી જવાની ઉતાવળ છે. તેઓ એમને મળેલો જનાદેશ આવા વાણી વર્તનથી સતત ખોટો ઠેરવતા રહે છે. આ બધા કોઈ એડવાન્ટેજ લઈને એ જગ્યાએ પહોંચી ગયેલા છે. એ ચૂંટાયેલ છે, એમાં કોઈ તકરીર નથી. પણ એ જગ્યાનું ગૌરવ જાળવી રાખવામાં નિષ્ફળ ગયેલા છે. ઓથેલો નાટકનું પાત્ર ઇયાગો જેમ ધ્યેયહીન દુર્જન હતો, એમ આ બધા ધ્યેય સાથેના દુર્જનો છે. કોઈપણ પક્ષ કે વ્યક્તિની રાજકીય સફળતા માપવાનું એકમાત્ર પરિમાણ છે, જનાદેશ. જ્યાં સુધી જનતા પસંદ કરતી આવે છે, ત્યાં સુધી એ સત્તામાં રહેશે, કોઈપણ રાજકીય વિરોધી તેને ઉખાડી નહિ શકે. પણ જનતાની આંખ ફરશે, એ નેતાનું ભવિષ્ય ફરશે. દરઅસલ દેશના ઘણા બૌદ્ધિકોના માટે ભારતનો ઈતિહાસ ચોક્કસ તારીખોથી જ શરુ થાય છે. જ્યારથી તેમના આકાઓ સત્તા પર આવ્યા ત્યારથી ભારતીય લોકશાહીના મૂલ્યો સંવૃદ્ધ થયા છે. ત્યારબાદ જે બન્યું એ બધું ભારતીય લોકશાહીનું કલંક છે એમ એમનું અને એમના આકાવર્ગ નેતાગીરીનું માનવું છે. આટલો લાંબો સમય સુધી સત્તાથી દુર રહેવું પડશે અને સ્થાનિકથી લઈને રાષ્ટ્રીય બંને સ્તરે જનાદેશનું આટલું મોટું ધોવાણ થતું જશે એ એમની કલ્પના બહાર હતું. એમના પોતાના અને કાર્યકર્તાઓના અપશબ્દો આ હતાશાનું પરિણામ છે. વિદેશોમાંથી જનાદેશ એકઠો નહિ થઇ શકે, વડાપ્રધાનને ગાળો બોલવાથી જનાદેશ એકઠો નહિ થઇ શકે, ઘૂસપેઠની પેરવી કરીને સંસદ છોડીને ભાગી જવાથી જનાદેશ નહિ મળે, સંસદના ચાલુ સત્રથી ગાપચી મારીને વિદેશ ભાગી જવાથી જનાદેશ સરતો જશે. હવે એ સ્થિતિ કદાપી નથી કે તમે કરેલા કારનામાઓ ફાઈલમાં દબાઈને રહી જશે. દેશ સંસદ લાઈવ જુએ છે. નેતાના શબ્દો અને કામને પોતાની વિવેકબુદ્ધિથી તોળતો રહે છે. વિશ્વના સૌથી ઝડપથી ગ્રોથ કરતા દેશના અર્થતંત્રને ‘ડેડ ઈકોનોમી’ કહેવાથી મત નથી મળી જવાના. દેશનો પ્રબુદ્ધ નાગરિક તમારા આવા તર્કહીન નિવેદનોનો ગંભીર અર્થ લઇ રહી છે. નેતાની હરકતો ઉપર જ્યારે રાજકીય વિરોધીઓની સાથે સાથે આમ જનતા પણ શંકા કરવા લાગે ત્યારે એના ભવિષ્ય પર સવાલો લાગવા સ્વાભાવિક છે. વ્યક્તિત્વની પારદર્શિતા જાહેરજીવનની સફળતાનો સૌપ્રથમ માપદંડ છે.
ક્વિક નોટ – ગાંધીજીને ગોળી વાગી અને બાપુના છેલ્લા શબ્દો હતા ” હે રામ “, બાપુ જેવું જીવ્યા હતા એવા અંતિમ ઉદ્ગાર એમની જીભે આવી ગયા. પાકિસ્તાનના પહેલા વડાપ્રધાન લિયાકત અલીખાનને ગોળી વાગી અને લિયાકત અલીખાનના છેલ્લા શબ્દો હતા ” ગોલી લગ ગઈ…”. હિન્દુસ્તાન આજે “હે રામ” અને “ગોલી લગ ગઈ” વચ્ચે અસમંજસમાં છે.
production@infiniumpharmachem.com











































