અડદ ભારતમાં સર્વત્ર ખેતરોમાં વવાય છે. વિદેશોમાં તે બહુ ઓછા થાય છે. અડદ એ કઠોળ ધાન્ય છે. આનું શાસ્ત્રીય નામ વીગ્ના મુંગો છે. આને અંગ્રેજીમાં બ્લેક ગ્રામ અથવા બ્લેક લેન્ટીલ નામે ઓળખાય છે. આ કઠોળ દક્ષિણી એશિયામાં ઉગાડવામાં આવે છે. અડદનું મૂળ ઉદ્ગમ ભારત મનાય છે. પ્રાચીન સમયથી ભારતમાં અડદ ખવાતા આવ્યા છે. અડદની ખેતી ચોમાસા અને ઉનાળામાં થઇ શકે છે. તેના છોડ ૧ થી ૧.૫ હાથ ઊંચા, ડાળીની એક એક તિરખી પર બિલીપત્ર જેવા ત્રિદલ નાના નાના ગોળ પાન થાય છે. વાલના ફુલ જેવા પણ રીંગણી કે પીળા રંગના ફુલ થાય છે. દરેક ડાળી પર ૩ થી ૪ આંગળ ગોળાકાર ફળો થાય છે જેમાં પ થી ૬ કાળા લાંબા દાણા થાય છે તેની કાળી તથા લીલી બે જાત થાય છે. અંદરથી અડદ સફેદ બે પડમાં દાળ રૂપે હોય છે.
જમીનની પસંદગી અને તૈયારીઃ-
ગોરાડું તેમજ ડાંગરની ક્યારાની જમીન કે જેમાં સેન્દ્રીયતત્વ વધારે હોય તેવી જમીન અડદનાં પાકને વધુ માફક આવે છે. ખુબ જ રેતાળ અને જેનો પી.એચ. આંક ઉંચો હોય તેમજ કૃમિનો ઉપદ્રવ હોય તેવી જમીનમાં અડદનો પાક સારો થતો નથી.
અડદનું સારું ઉત્પાદન લેવા માટે ૧૦ ટન સારું કોહવાયેલું છાણીયું ખાતર જમીનમાં મિશ્ર કરવું જેથી જમીનની ફળદ્રુપતામાં સુધારો થાય સાથે ભેજ સંગ્રહશક્તિ અને ઉત્પાદન વધે.
(જાતોની પસંદગી)
ચોમાસુ અડદની જાતઃ ગુજરાત અડદ-૧, ટી-૯, ટી.પી.યુ.-૪
ઉનાળું અડદની જાતઃ ગુજરાત અડદ-૧, ટી-૯
બિયારણ દર અને બીજ માવજતઃ-
એક હેક્ટર જમીનમાં વાવણીયાથી ઓરીને વાવેતર કરવા ૧૫ થી ૨૦ કિ. જયારે પૂંખીને વાવણી કરવા ૨૦ થી ૨૫ કિ. બિયારણની જરૂર પડે છે. જમીન અને બીજજન્ય રોગોથી પાકને બચાવવા તથા એકમ વિસ્તારમાં છોડની પૂરતી સંખ્યા જાળવવા બીજને થાયરમ અથવા કાર્બનડેઝીમ ફુગનાશક દવાનો ૩ ગ્રામ પ્રતિ કિલો પ્રમાણે પટ આપવો.
બિયારણને રાઇઝોબિયમ કલ્ચરનો પટ આપવો. કઠોળ પાકના મૂળમાં વાવણી પછી ૨૦ થી ૨૫ દિવસે રાઇઝોબિયમ જીવાણું દ્વારા મૂળગંડિકાઓ બનવાની શરૂઆત થાય છે. આ ગંડિકાઓ દ્વારા હવામાં રહેલ નાઇટ્રોજનનું છોડનાં ખોરાક માટે રાઇઝોબિયમ જીવાણું મારફત રૂપાંતર અને સ્થાયિકરણ થાય છે પરિણામે છોડની વૃધ્ધિ અને વિકાસમાં નોંધપાત્ર વધારો થાય છે. બીજ વાવતા પહેલાં ૮ કિ. બિયારણ દીઠ ૨૫૦ ગ્રામ રાઇઝોબિયમ કલ્ચરનો પટ આપવો.
વાવેતર સમયઃ-
ચોમાસું અડદનું દક્ષિણ ગુજરાતમાં જૂન-જુલાઇ માસમાં તા. ૧૫ સુધીમાં વાવેતર કરવું. ઉનાળું અડદનું વાવેતર ૧૫ ફેબ્રુઆરી થી ૧૫ માર્ચ સુધીનાં સમયગાળા દરમ્યાન કરવાથી વધુ ઉત્પાદન મળે છે.
ખાતર વ્યવસ્થાપનઃ-
અડદમાં વાવણી સમયે પાયાનાં ખાતર તરીકે હેક્ટર દીઠ ૨૦ કિ. નાઈટ્રોજન(યુરિયા રૂપે ૪૪ કિ.) અને ૪૦ કિ. ફોસ્ફરસ (સિંગલ સુપર ફોસ્ફટ રૂપે ૨૫૦ કિ. અથવા ડી.એ.પી. રૂપે ૮૭ કિ.) બીજ વાવણી પહેલા ચાસમાં ઓરીને આપવું. તદ્ઉપરાંત ૨૦ કિ. સલ્ફર પ્રતિ હેક્ટરે આપવાથી ઉત્પાદનની સાથે પ્રોટીનનું પ્રમાણ વધવાથી ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો થાય છે. મગના મૂળમાં રાઇઝોબિયમની પ્રવૃત્તિ થતી હોવાથી છોડ પોતે હવામાંથી નાઈટ્રોજન વાપરવાની શક્તિ મેળવી લે છે જેથી મગને પૂર્તિ ખાતરની જરૂરીયાત રહેતી નથી.
પિયત વ્યવસ્થાપનઃ-
ચોમાસામાં મોટે ભાગે પિયતની જરૂર પડતી નથી પણ જો વરસાદ ખેંચાય અને પિયતની સગવડ હોય તો જરૂર મુજબ હલકુ પિયત કરવું. ઉનાળુ અડદને વાવણી કરી પ્રથમ પિયત કરવું, ત્યાર બાદ બીજુ પિયત ૨૫ થી ૩૦ દિવસે ફુલ આવવાની શરૂઆત થાય પછી આપવું. ફુલ આવવાની શરૂઆત પહેલા વધુ પડતો ભેજ અને નાઇટ્રોજનની વધારે લભ્યતા છોડની એકલી વાનસ્પતિક વૃધ્ધિ કરે છે. જમીન હલકી હોય તો ૨૦ દિવસે પિયત આપવું અને ત્યાર પછી ૧૦ થી ૧૫ દિવસના અંતરે ૩ થી ૪ પિયતની જરૂર પડે છે.
નિંદણ નિયંત્રણઃ-
છોડની વૃધ્ધિ અને વિકાસ માટે જમીનમાં રહેલ જરૂરી પોષક તત્વો, ભેજ, હવામાં રહેલ નાઇટ્રોજન, પ્રાણવાયુ, અંગારવાયુ અને પ્રકાશનું નિંદામણ દ્વારા બિનજરૂરી શોષણ ન થાય તે માટે પાકને પ્રથમ ૩૦ દિવસ સુધી નિંદણમુક્ત રાખવો જોઇએ.
કાપણીઃ-
અડદનાં પાકમાં છોડ પર મોટા ભાગની શિંગો પાકીને અર્ધ સુકાયેલ જણાય ત્યારે સવારનાં સમયમાં પાકી શિંગોની એક થી બે વીણી કરવી. બધી શિંગો એક સાથે પાકી જાય તેમ હોય તો છોડની કાપણી કરી ખેતરમાં પાથરી દઇ સુકવી ખળામાં અથવા થ્રેસરથી અડદનાં દાણા છુટા પાડવા.
અડદના ગુણધર્મોઃ મધુર, સ્નિગ્ધ, ગરમ , બળકર, તૃપ્તિકર્તા, પૌષ્ટિક, રૂચિકર, વિર્યવર્ધક, કફ તથા પુષ્ટિકર્તા, પિતવર્ધક, મેદવર્ધક, આફરોકર્તા, લાંબા સમયે પચનાર છે.
પુષ્ટિવર્ધકઃ કાયમ ૨ – ૨ દિવસે અડદની દાળ અથવા તેની જુદી જુદી વાનગી બનાવીને ખાવી અને રોજ ક્સરત કરવી.