ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર સ્કોટ બોલેન્ડે સબિના પાર્ક ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે બોલથી તબાહી મચાવી. સ્કોટ બોલેન્ડે હેટ્રિક લેવાનું મહાન પરાક્રમ કરીને ટેસ્ટ ક્રિકેટમાં સનસનાટી મચાવી. બોલેન્ડના આ શાનદાર પ્રદર્શનને કારણે, ઓસ્ટ્રેલિયન ટીમ બીજી ઇનિંગમાં યજમાન વેસ્ટ ઈન્ડિઝને ૨૭ રનમાં ઓલઆઉટ કરવામાં સફળ રહી. આ રીતે, ૧૯૫૫ પછી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થવાનો શરમજનક રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝના નામે નોંધાઈ ગયો.
સ્કોટ બોલેન્ડે માત્ર ૨ ઓવરમાં ૨ રન આપીને સતત ૩ બોલમાં ૩ વિકેટ લેવાની શાનદાર સિદ્ધિ મેળવી. આ સાથે, બોલેન્ડે ડે/નાઈટ પિંક બોલ ટેસ્ટમાં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બનીને ઇતિહાસ રચ્યો. વેસ્ટ ઈન્ડિઝના પ્રથમ દાવમાં ત્રણ વિકેટ લેનારા બોલેન્ડે બે ઓવરમાં એક મેડન ઓવર સાથે હેટ્રિક લીધી.
તેણે વેસ્ટ ઈન્ડિઝના બીજા દાવની ૧૪મી ઓવરના પહેલા બોલ પર જસ્ટિન ગ્રીવ્સને ૧૧ રન પર આઉટ કર્યો, પછીના બોલ પર શામર જાસેફને ગોલ્ડન ડક માટે આઉટ કર્યો. ત્રીજા બોલ પર જામેલ વોરિકનના આઉટ સાથે, ઓસ્ટ્રેલિયન બોલરે હેટ્રિક લઈને રેકોર્ડ બનાવ્યો. સ્કોટ બોલેન્ડ ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર ૧૦મો ઓસ્ટ્રેલિયન બોલર છે. આ સાથે જ, તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં આવું કરનાર વિશ્વનો છઠ્ઠો બોલર બન્યો છે. આ પહેલા જસપ્રીત બુમરાહ, નસીમ શાહ, કેશવ મહારાજ, ગુસ એટકિન્સન અને નોમાન અલીએ ઉ્‌ઝ્ર માં હેટ્રિક લેવાનો ચમત્કાર કર્યો હતો.
જ્યારે સ્કોટ બોલેન્ડે હેટ્રિક લઈને નવો ઇતિહાસ રચ્યો, ત્યારે મિશેલ સ્ટાર્કે તેની ૧૦૦મી ટેસ્ટમાં માત્ર ૯ રન આપીને ૬ વિકેટ લીધી. સ્ટાર્કે માત્ર ૧૫ બોલમાં ૫ વિકેટ લીધી. આ રીતે, તે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઓછા બોલમાં ૫ વિકેટ લેનાર બોલર બન્યો. આ પહેલા આ સિદ્ધિ ઓસ્ટ્રેલિયાના એર્ની ટોશેક, સ્કોટ બોલેન્ડ અને ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડના નામે નોંધાઈ હતી. ત્રણેય બોલરોએ ૧૯ બોલમાં આ કર્યું હતું. સ્ટાર્ક અને બોલ્ટની ઘાતક બોલિંગને કારણે, ઓસ્ટ્રેલિયાએ સતત ત્રીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું અને ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી ૩-૦ થી ક્લીન સ્વીપ કરી.