પોરબંદર નજીક આવેલા કોલીખડા ગામ પાસે રવિવારે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં યાત્રાળુઓ ભરેલી એક મીની બસને અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં વેરાવળના એક વૃદ્ધાનું કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય ૧૭ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત, અકસ્માતમાં બે ગાયોના પણ મોત થયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, વેરાવળના ભાલકા તીર્થ ખાતેથી એક યાત્રા સંઘ મીની બસમાં સવાર થઈને દ્વારકા દર્શન માટે જઈ રહ્યો હતો. બસમાં કુલ ૧૮ જેટલા શ્રદ્ધાળુઓ સવાર હતા. પોરબંદર નજીક કોલીખડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે રસ્તા પર બેઠેલી ગાયોને બચાવવાના પ્રયાસમાં ડ્રાઈવરે બસનો કાબૂ ગુમાવી દીધો હતો. ગાયો સાથે બસ અથડાઈ હતી અને ત્યારબાદ બસ રસ્તા પરથી નીચે ઉતરી જતાં પલટી મારી ગઈ હતી.