દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફરી એકવાર કાર્યવાહી શરૂ કરી છે. આપ સરકાર દરમિયાન ત્રણ કેસોમાં ભ્રષ્ટાચારના આરોપો પર કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસોને ધ્યાનમાં રાખીને, ઈડી ટૂંક સમયમાં ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈનની પૂછપરછ શરૂ કરી શકે છે. દરમિયાન, આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ ફરી એકવાર કહ્યું છે કે આ તપાસ પાછળ ભાજપનો હાથ છે. આતિશી કહે છે કે ભાજપે ફરી એકવાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ શરૂ કર્યો છે અને તેની પાછળ એક મોટું કારણ છે.
આતિશીએ દાવો કર્યો કે ભાજપે આમ આદમી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ આ તપાસ એટલા માટે શરૂ કરી કારણ કે ગુજરાતના વિસાવદરમાં પેટાચૂંટણીમાં આપને શાનદાર જીત મળી અને આ જીત બાદ પાર્ટીની લોકપ્રિયતા ગુજરાતમાં ઝડપથી વધી રહી છે. તેમણે કહ્યું- ત્યાં ભાજપે આપને હરાવવા માટે તમામ તાકાત લગાવી દીધી. તેમણે આરોપ લગાવ્યો કે ડ્રાઈ સ્ટેટમાં પોલીસ સંરક્ષણમાં દારૂ વેચવામાં આવ્યો, આપના નેતાઓને ડરાવવામાં આવ્યા, તેમાં સેટિંગનો પ્રયાસ કરવામાં આવ્યો છતાં પાર્ટી જીત મેળવવામાં સફળ રહી.આતિશીએ દાવો કર્યો કે ગુજરાતમાં આપની વધતી લોકપ્રિયતાથી ભાજપ ડરી ગયું છે કે એકવાર ફરી ખોટા મામલામાં કેસ દાખલ કરવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું- અમે ડરવાના નથી. જેટલી પણ તપાસ કરાવવી હોય કરાવી લો પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓના ઘરેથી કંઈ મળશે નહીં. જાણકારી પ્રમાણે ઈડીએ હોસ્પિટલ નિર્માણ, સીસીટીવી લગાવવા અને શેલ્ટર હોમના મામલામાં કથિત કૌભાંડને લઈને કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. હોસ્પિટલ નિર્માણ કૌભાંડના આરોપમાં સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈન તપાસના ઘેરામાં છે. તો સીસીટીવી મામલામાં સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે