ચારે તરફ હાકલા-પડકારા થઈ રહ્યા છે. અમેરિકાએ વેનેઝુએલાની અંદર જઈને તેના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ મદુરોને પકડી પોતાના દેશ લઈ જઈ સમગ્ર વિશ્વ પર પોતાનું બાહુબળ સિદ્ધ કર્યું છે. અને સમગ્ર વિશ્વ નિઃશબ્દ, સ્તબ્ધ, અવાક્ અને મૂઢ બની ગયું છે. આ અમેરિકા છે. ઈરાક-કુવૈતના યુદ્ધ સમયે હોય કે અફઘાનિસ્તાન સમયે હોય, ભારતમાં અમેરિકા વિરોધી ડાબેરીઓ અને ઇસ્લામવાદીઓની લોબી સદ્દામ હુસૈન, ઓસામા બિન લાદેન, મદુરો વગેરેથી પ્રસન્ન થતા રહે છે.
પરંતુ અમેરિકાએ વિશ્વભરમાં એવી જાળ બિછાવેલી છે કે તેને તોડવી કોઈ પણ દેશ માટે અઘરી છે. એક તો અમેરિકા સૈન્ય અને આર્થિક રીતે મહાસત્તા છે જ. બીજું, તેની પાસે પરમાણુ શક્તિ છે. ત્રીજું, તેની પાસે નાટો અર્થાત્ ઉત્તર એટલાન્ટિક સંધિ હેઠળ ૩૨ દેશોનું પીઠબળ છે. અમેરિકા પર કોઈ પણ દેશ આક્રમણ કરે તો આ ૩૧ દેશો અમેરિકા સાથે મળીને તે દેશ પર તૂટી પડે. ચોથું, તે ઇરાન હોય કે બાંગ્લાદેશ, પાકિસ્તાન હોય કે સીરિયા, દરેક દેશમાં વિદ્રોહ કરાવીને પ્રતિકૂળ શાસકોને ઉથલાવવાનું સામર્થ્ય ધરાવે છે. તેની પાસે મીડિયા, હાલિવૂડની ફિલ્મો, આૅસ્કાર-નાબેલ-મેગ્સેસે-પુલિત્ઝર જેવા પારિતોષિકો, હાર્વર્ડ વિશ્વ વિદ્યાલય, બીજા દેશોમાં સળીઓ કરતી એનજીઓ વગેરેનો સાફ્ટ પાવર છે.
આની સામે બ્રિક્સ, એસસીઓ, આસિયાન વગેરે અનેક સંગઠનો હોવા છતાં રશિયા, ચીન, ભારત, ઈરાને મૂંગામંતર બનીને તમાશો જોવા સિવાય કંઈ કરવાનું નથી. તેમની વચ્ચે એકતા જ નથી. ઉલટું, તેઓ અંદરોઅંદર બાખડ્યા કરે છે. અમેરિકાએ તેમને અંદરોઅંદર લડતા રાખ્યા છે અને આ દેશોના વડાઓ પણ પોતાના દેશની અંદર પ્રભુતા બતાવવા અમેરિકાના બદલે પડોશી દેશોની સામે આંખના ડોળા બતાવ્યા કરે છે.
દક્ષિણ એશિયા ઉપખંડમાં ભારતને સ્વતંત્રતા આપતી વખતે બ્રિટન એવી મસ્ત ચાલ રમીને ગયું છે કે આજે ભારતના બે નહીં, ત્રણ ટુકડા છે. ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ. જતાં-જતાં મુસ્લિમ લીગના રૂપમાં એવું ગુમડું આપીને ગયા કે ભારતના ટુકડા થયા. તે પછી આપણે બાંગ્લાદેશના સમર્થકોને ટેકો આપી બાંગ્લાદેશ સ્વતંત્ર કરાવી ગુમડું ઊભું કર્યું. બ્રિટન અને અમેરિકા જેમ બાંગ્લાદેશમાં આપણે આપણા તરફી શાસકો ઊભા ન કરી શક્યા. શૈખ હસીનાને થોડા અંશે કહી શકાય પરંતુ અમેરિકા જેમ પાકિસ્તાનમાં પોતાનું ધાર્યું કરાવી શકે છે તેવું નહીં.
અત્યારે આ ત્રણેય દેશો- ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ભેખડે ભરાયા છે. પાકિસ્તાનમાં સેનાધ્યક્ષ મુનીરને રાષ્ટ્રપતિ થવું છે, અથવા પડદા પાછળથી દેશ ચલાવવો છે. આથી તેઓ પણ હાકલા-પડકારા કરી રહ્યા છે. બીજી પા, બાંગ્લાદેશમાં આવતા મહિને ચૂંટણી છે. તેથી ત્યાં કટ્ટરવાદી પરિબળો અનિયંત્રિત બન્યાં છે. પ્રતિ દિન હિન્દુઓની હત્યાઓ થઈ રહી છે, સ્ત્રીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે.
આ બધામાં મજા લઈ રહ્યા છે અમેરિકા અને ચીન. બંનેને ભારતમાં નરેન્દ્ર મોદી સત્તામાં હોય તે પસંદ નથી. મોદી અમેરિકા સામે ઝૂક્યા નથી. ખેડૂતોનાં હિતો સાચવવા ટ્રમ્પને પસંદ પડે તેવી સમજૂતી (ડીલ) તેમણે કરી નથી. એટલે ટ્રમ્પે હવે ભારતની સામે વધુ આકરાં પગલાં લીધાં છે. તેમણે અગાઉ ઝીંકેલા સીમા શુલ્કને વધારી ૫૦૦ ટકા કર્યું છે. અને ભારત-પાકિસ્તાન વચ્ચે આૅપરેશન સિંદૂર સમયે સર્જાયેલી પૂર્ણ કક્ષાના યુદ્ધની સ્થિતિ પોતે ટાળી છે તેવા દાવા ટ્રમ્પ અગણિત વાર કરી ચૂક્યા છે. વડાપ્રધાન મોદી એક પણ વાર કંઈ બોલ્યા નથી. આ મોદી શૈલી છે. કેજરીવાલનું નામ ન લેવું અથવા અર્બન નક્સલ કહેવા, રાહુલને શહઝાદા કહેવા, પરંતુ સીધો પ્રહાર ન કરવો. ૨૦૦૨નાં રમખાણો મુદ્દે પણ જ્યાં સુધી સર્વોચ્ચનો નિર્ણય નહોતો આવ્યો, મોદી કંઈ બોલ્યા નહોતા.
બીજી તરફ, ચીનને પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશ ભારત સામે બથોડા લે તેમાં રસ છે. તેને મફતમાં જોણું થાય છે. પરંતુ તે ચૂપ નથી બેઠું. તે પેંગોંગ તળાવ પાસે સૈન્ય માળખું નિર્માણ કરી રહ્યું છે તેવી ઉપગ્રહીય છબિઓ સામે આવી છે.
વિશ્વમાં બધે જ મોટા પાયે ઉથલપાથલ ચાલી રહી છે. ઇતિહાસમાં પ્રથમ વાર સાઉદી અરેબિયા અને યુએઇ યમનમાં લડી રહેલાં જૂથોના મુદ્દે સામસામે આવ્યા છે. ૨૦૧૧માં આરબ દેશોમાં ટ્યૂનિશિયાથી શરૂ કરીને અલગ-અલગ દેશોમાં વિદ્રોહ ફાટી નીકળ્યો તેમાં યમન પણ આવી ગયું. ત્યાં પહેલાં તો સાઉદી અરેબિયા અને યુએઇ ‘હમ સાથ સાથ હૈ’ વાળી સ્થિતિમાં હતા, પણ હવે ‘હમ આપ કે હૈ કૌન?’ વાળી સ્થિતિમાં છે. યુએઇ વિદ્રોહી જૂથ સાઉધર્ન ટ્રાન્સિશનલ કાઉન્સિલને ટેકો આપે છે. જ્યારે સાઉદી ત્યાં આંતરરાષ્ટ્રીય રીતે જે સરકારને માન્યતા મળી છે તેને ટેકો આપે છે. સાઉદીએ તાજેતરમાં યુએઇએ જ્યાં શસ્ત્રો સાથેનું જહાજ મોકલ્યું હતું તે મુકલ્લા પટનમ્ (બંદરગાહ) પર બામ્બમારો કરી બંને દેશો વચ્ચેના મતભેદો જ નહીં, બંને દેશો વચ્ચે હવે મિત્રાચારી નથી રહી તેવું ખુલ્લું કર્યું છે. અત્યાર
સુધી સુન્ની બહુલ સાઉદી અને યુએઇ સાથે એક પલડામાં અને શિયા બહુલ ઈરાન બીજા પલડામાં રહેતાં હતાં. પરંતુ હવે સુન્ની દેશો વચ્ચેય તડાં પડ્યાં છે.
જોકે, અમેરિકાની દાદાગીરી સામે ભારત અને ચીન બંને એક બાજુએ છે, સાથે નથી. આ વાક્ય બે વાર વાંચજો. બંને અમેરિકાની દાદાગીરીના પીડિત છે, પણ બંને સાથે નથી. આવું જ રશિયા બાબતે છે. રશિયા એક તરફ યુક્રેનમાં તો ભેખડે ભરાયેલું જ છે, ત્યાં ઉત્તર એટલાન્ટિકમાં એક જહાજને અમેરિકાએ પકડી લીધું. આ જહાજ પર કોઈ ધ્વજ નહોતો. અર્થાત્ તે કોઈ દેશનું નહોતું તેવું બતાવવામાં આવી રહ્યું હતું, પરંતુ અમેરિકી દળો તેને પકડવા ગયા તેવું જ તેના સભ્યોએ રશિયાનો ધ્વજ ફરકાવી દીધો. અર્થાત્ તે રશિયાનું જહાજ હતું. પરંતુ તેમાં તેલ નહોતું.
અમેરિકી તટરક્ષક દળોએ પહેલી વાર આ જહાજને ૨૧ ડિસેમ્બરે કેરેબિયન સમુદ્રમાં જોયું હતું. ત્યારે તેનું નામ બેલા-૧ હતું. તેમાં કોઈ રાષ્ટ્રધ્વજ નહોતો. આથી અમેરિકાને મજા પડી ગઈ. તેના સૈનિકો તેની પાછળ પડ્યા. પરંતુ એ જહાજના લોકોને લાગ્યું કે હવે બચવું અઘરું છે ત્યારે તેમણે રશિયાઈ રાષ્ટ્રધ્વજ લહેરાવી દીધો. બેલા-૧નું નામ બદલી મરીનેરા કરી દેવાયું. આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ, એ જહાજ રશિયાની સુરક્ષામાં આવી ગયું અને રશિયાએ પોતાની સબમરિન પણ મોકલી દીધી. પરંતુ અમેરિકાએ તે પહેલાં જ જહાજ પકડી લીધું.
એક મોરચો અમેરિકા અને ફ્રાન્સ વચ્ચે પણ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડાનાલ્ડ ટ્રમ્પ અને ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યૂએલ મેક્રાં વચ્ચે ઊભા બનતું નથી. તાજેતરમાં જ ટ્રમ્પે એવી મશ્કરી કરી કે જ્યારે અમેરિકાએ ફ્રાન્સને સીમા શુલ્કની ધમકી આપીને ઔષધિઓ (દવા)ના ભાવ ત્રણ ગણા વધારવા દબાણ કર્યું ત્યારે મેક્રાંએ ટ્રમ્પને યાચના કરી હતી કે “ડાનાલ્ડ, હું તમને આજીજી કરું છું. હું દવાના ભાવ વધારી દઈશ પરંતુ આ વાત જનતાને નહીં કહેતા.”
આવું બધું પડદા પાછળ થતું હોય છે. તે જાહેર કરાતું નથી. હવે આવી કોઈ આમન્યા નથી રખાતી. જેમ સામાન્ય લોકો અને સેલિબ્રિટીઓ સ્ક્રીનશાટ અને કાલ રેકાર્ડિંગ જાહેર કરી દે છે તેવું હવે રાષ્ટ્રપ્રમુખો પણ કરવા લાગ્યા છે. ગત ૧૫ જૂન ૨૦૨૫એ થાઇલેન્ડનાં વડાપ્રધાન પાએટોંગટર્ન શિનાવાત્રાની કમ્બોડિયાના હુન સેન વચ્ચે ટેલિફાનિક વાતચીત જાહેર થઈ ગઈ. આ વાતચીતમાં શિનાવાત્રા એમ કહેતાં હતાં કે અમારા સેનાધ્યક્ષ મારા વિરોધી છે. તેમનાં નિવેદનો ધ્યાનમાં ન લેતા. શિનાવાત્રાએ બંને દેશો વચ્ચેની એવી ભૂમિ જેના પર વિવાદ છે ત્યાં કમ્બોડિયાના સૈનિકને થાઇલેન્ડના સૈન્ય દ્વારા મારી નખાયાના મુદ્દે પરિસ્થિતિ થાળે પાડવા આ કાલ કર્યો હતો. હુન સેન અગાઉ રાષ્ટ્રપ્રમુખ હતા, અત્યારે તેમના દીકરા હુન મનેત રાષ્ટ્રપ્રમુખ છે. જોકે એમ મનાય છે કે પિતાનો પ્રભાવ સત્તામાં હજુ પણ છે જ. આથી જ શિનાવાત્રાએ તેમને ફાન કર્યો હતો.
પરંતુ આ ખાનગી વાત જાહેર કરી દેવામાં આવી. કમ્બોડિયામાં સામ્યવાદી શાસન છે. જોકે હુન મનેતના પક્ષનું નામ કમ્બોડિયન કમ્યૂનિસ્ટ પાર્ટી નથી. તેમના પક્ષનું નામ કમ્બોડિયન પીપલ્સ પાર્ટી છે. પરંતુ તેનાં મૂળ સામ્યવાદી અને માર્ક્સિસ્ટ-લેનિન ચળવળમાં છે. જે રીતે હવે સામ્યવાદીઓ મુખ્ય રાજકીય પક્ષોમાં ઘૂસીને તેને વૈચારિક રીતે અધિગ્રહિત કરે છે તેમ કમ્બોડિયન પીપલ્સ પાર્ટીનું છે. અમેરિકામાં ડેમોક્રેટ, ભારતમાં કાંગ્રેસ, રાજદ, સપ, ડીએમકે વગેરે આવા જ પક્ષો છે.
એટલે જે વાત ખાનગી રહેવી જોઈતી હતી તે જાહેર કરી દીધી. આ જ રીતે અમેરિકામાં મધ્યાવધિ ચૂંટણી આવી રહી છે ત્યારે ટ્રમ્પે પણ મેક્રાં સાથેની ખાનગી વાતચીત જાહેર કરીને મેક્રાં સાથે ‘અમેરિકા ફર્સ્ટ’ અને અમેરિકા જગત જમાદાર છે તેવી છાપ અમેરિકાના લોકોમાં ઊભી કરવા, મેક્રાં સાથે પોતાની શત્રુતા વધારી દીધી છે.
હવે પ્રશ્ન એ થાય કે અમેરિકા દ્વારા વેનેઝુએલા પર આક્રમણ, તેના કારણે ત્યાંથી ચીન-રશિયાનાં હિતો પર પૂર્ણવિરામ, ઈરાનમાં અત્યાચારી અલી ખામેનેઇન સામે આંદોલન, ફ્રાન્સના મેક્રાં સામે વાક્યુદ્ધ, નરેન્દ્ર મોદી સામે ટ્રમ્પના વાક અને આર્થિક પ્રહારો આ બધું જોતાં શું ત્રીજું વિશ્વયુદ્ધ થશે? ઉત્તર છે ના.
હા, હાકલા-પડકારા થશે. દરેક રાષ્ટ્રપ્રમુખને પોતાના દેશમાં સત્તા ટકાવી રાખવી છે. ચીન અને રશિયામાં તો અધિનાયકો સત્તામાં છે. તેથી તે બંને તો હાકલા-પડકારા કરશે જ. થોડાંક નાનામોટાં પગલાં પણ ભરશે. મોદીજી તો સીધા વાકપ્રહારોમાં ઉતરીને ભારતને વધુ મુશ્કેલીમાં મૂકે તેવા નથી. આવનારા સમયમાં અમેરિકાને કંઈ નાનીમોટી લોલીપોપ આપીને પ્રસન્ન કરીને મૂછ નીચી રાખીને પણ ભારતને મુશ્કેલીઓથી બચાવવામાં આવશે. પરંતુ હા, શાંઘાઈ સહકાર સંગઠન (એસસીઓ)ની બેઠક વેળા પુતિનની કારમાં બંને કોઈ દુભાષિયા વગર ગયા અને ગત ડિસેમ્બરમાં દિલ્લી આવેલા પુતિનને પણ મોદીજી પોતાની કારમાં લઈ ગયા તે દૃશ્ય જ ટ્રમ્પને ઉત્તર આપનારું હતું અને તેમાં ઘણું રંધાયું હશે. પરંતુ તે પરિણામ તાત્કાલિક નહીં આવે.
આવા સંજોગોમાં ત્રીજું વિશ્વયુદ્ધ થવાના અણસાર ભલે હોય, તેની કોઈ શક્યતા નથી. હા, છાપાંઓ, ટીવી ચેનલો, યુટ્યૂબ ચેનલોમાં થમ્બનેલથી પ્રતિ દિન મરીમસાલા ભભરાવીને વિશ્વયુદ્ધ કરાવી દેવાશે. પરંતુ તેવું થશે નહીં. આ બધામાં એક મોટું પાસું એ પણ સ્મરણમાં રાખવું જોઈએ કે જો આપણે ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતા વિચારીએ તો ઇઝરાયેલ અમેરિકાના પલડામાં ઊભું રહે. અને ઇઝરાયેલ પાસે યુદ્ધ સામગ્રી વિશ્વમાં શ્રેષ્ઠ પૈકીની એક છે. ઇઝરાયેલને અમેરિકા વગર અને અમેરિકાને ઇઝરાયેલ વગર ચાલે તેમ નથી. ઇઝરાયેલને હમાસ, લેબેનોન અને ઈરાન સાથે પરિસ્થિતિ થાળે પડી નથી. ઉલટું, હમાસના આતંકવાદી નેતાઓ પાકિસ્તાનમાં લશ્કર એ તૈયબાના આતંકવાદી નેતાઓને મળી ગયા. ઇઝરાયેલે ભારતને અનુરોધ કર્યો છે કે તે હમાસને ત્રાસવાદી સંગઠન જાહેર કરે.
પરંતુ તેના માટે હજુ વાર છે. ભારતમાં ઇઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો સ્થપાતાં ૪૫ વર્ષ નીકળી ગયાં. (બિન ગાંધી પરિવારની સરકાર – નરસિંહરાવની સરકારમાં તે શક્ય બન્યું) અને ભારતના વડાપ્રધાન ઇઝરાયેલ સત્તાવાર મુલાકાતે જાય અને સાથે પેલેસ્ટાઇન ન જાય તેવું મોદીજીના સમયમાં બન્યું. ઇઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહુ ભારત આવ્યા. પરંતુ હજુ ભારત પૂરેપૂરું ઇઝરાયેલના સમર્થનમાં નથી આવ્યું. આમાં વાંક ઇઝરાયેલનો વધુ છે. જેમ ભારત વિશ્વ ભરમાં પૂરી રીતે પાકિસ્તાન-બાંગ્લાદેશના ત્રાસવાદ વિરુદ્ધ ભારતના પક્ષે વિશ્વમત નથી બનાવી શક્યું તેમ ઇઝરાયેલ પણ એવું સાબિત નથી કરી શક્યું કે ત્રાસવાદ હમાસ ફેલાવે છે. ઉલટું, ભારત, પાકિસ્તાન, અમેરિકા, જર્મની વગેરે દેશોના મુસ્લિમો પણ માને છે કે ગાઝામાં ઇઝરાયેલ ત્રાસવાદ ફેલાવે છે.
ભારતમાં પ્રિયંકા ગાંધી વાડ્રા સંસદમાં પેલેસ્ટાઇન લખેલી બેગ લઈને જાય છે. ઉર્દૂવુડના કલાકારો ‘આૅલ આય્ઝ આૅન રાફા’ જેવા હેશટેગ પર અભિયાન ચલાવે છે અને વિશ્વ ભરની સેલિબ્રિટીઓ ચલાવે છે. આથી ભારત ઇઝરાયેલ-પેલેસ્ટાઇન મુદ્દે ઇઝરાયેલ સાચું હોવા છતાં ખુલીને તેના પક્ષમાં નથી આવી શકતું. યોગી જેવા કોઈ વડાપ્રધાન આવે ત્યારે કદાચ ભારત ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે તટસ્થ નીતિ છોડીને માત્ર ઇઝરાયેલને સમર્થન કરે તેવું બની શકે. તેમ છતાં વિશ્વયુદ્ધની સંભાવના ઇઝરાયેલ-અમેરિકાની અને વળી, નાટોના પીઠબળના લીધે અત્યારે તો શૂન્ય થઈ જાય છે. આગળ જતાં, જેમ સંયુક્ત રાષ્ટ્રોનાં ૩૧ સંગઠનોમાંથી અમેરિકા નીકળી ગયું અને ટ્રમ્પ મેક્રાં વિરુદ્ધ લવારીઓ કરે છે, તેમને નીચું દેખાડે છે તેવું વધુ પડતું થાય અને નાટો તૂટે તો જ શક્યતા ઊભી થાય. અન્યથા, ‘યુદ્ધસ્ય કથા’ જ નહીં, ‘યુદ્ધસ્ય સંભાવનાસ્ય કથા અપિ રમ્યાઃ’ જ છે. યુદ્ધની સંભાવનાની કથા ઘરમાં બેસીને રાત્રે ભોજન કરતાં-કરતાં ટીવી પર જોવાની મજા પડે છે.
અમેરિકા-વેનેઝુએલા, અમેરિકા-ફ્રાન્સ, ઇઝરાયેલ-હમાસ, યુક્રેન-રશિયા, ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશ..આ બધા સંઘર્ષો વચ્ચે સાઉદી અરેબિયા અને યુએઇ એ બંને સુન્ની દેશો પણ ભેખડે ભરાયા છે. પરંતુ તેમાં અમેરિકાએ વેનેઝુએલા પાસે રશિયાનું આૅઇલ ટેન્કર પકડ્યું તેનાથી શું વિશ્વયુદ્ધ થશે?








































