“મારે તમને મળવું છે. મારે અમારા વિભાગની ક્યાં ખામી છે અને અમારે શું કરવું જોઈએ તે જાણવું છે.” રીવાબા જાડેજાએ રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવીને કહ્યું હતું. પ્રશાંતભાઈને એમ કે બીજા રાજકારણીઓની જેમ આ પણ એમ જ એક પ્રકારનું ઠાલું વચન જ હશે જેનું પાલન નહીં થાય. પ્રશાંતભાઈએ તો પણ અમને રાજકીય-સામાજિક વિશ્લેષકોને જાણ કરી કે આવતા બુધવારે કેબિનેટ બેઠક પછી આપણે મળવાનું છે. પરંતુ એક દિવસ પહેલાં નિરસ્ત થઈ. એટલે અમારો મત દૃઢ થયો કે જવા દો.
પછીના મંગળવારે કન્ફર્મ થયું કે આવતી કાલે બેઠક છે. અને અમે ઉપડ્યા ગાંધીનગર. દોઢ વાગ્યા આસપાસ બેઠક શરૂ થવાની હતી પરંતુ બે વાગવા આવ્યા. એટલે પાછો રાજકીય વિશ્લેષક જાગી ઉઠ્‌યો. આ લોકોનું આવું જ હોય. સમયની કિંમત ન હોય ઇત્યાદિ.
બે વાગે રીવાબાનો પ્રવેશ થયો. પરંતુ તે પછી પણ બીજી દસ-પંદર મિનિટ વિતી ગઈ. હવે બધા અકળાઈ રહ્યા હતા. ત્યાં અંદરથી તેડું આવ્યું. તમે જ રાજકીય વિશ્લેષકો ને? અંદર આવો. અમે અંદર ગયા. અમને હતું કે દસ મિનિટમાં અમે બહાર હોઈશું. બહુ બહુ તો અડધો કલાક. પરંતુ અમારી બેઠક ચાલી ત્રણ કલાક !
અમારો એજન્ડા શું હતો? એ જ કે કોઈ એજન્ડા નહોતો અને કહેવું હોય તો એક જ એજન્ડા હતો. ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધરે. માત્ર શાળામાં શિક્ષકોની ઘટ, શિક્ષકોની ભરતી, વિદ્યાર્થીઓ દીઠ શિક્ષકોની સંખ્યા, શાળાની (ખરાબ) સ્થિતિ, મધ્યાહ્ન ભોજનની ગુણવત્તા આવા ચીલાચાલુ પ્રશ્નો જ નહીં, પરંતુ ગુણવત્તા અને વારસાની ચિંતા થાય.
૧૭ આૅક્ટોબર ૨૦૨૫. ગુજરાત પ્રધાન મંડળનો ગંજીપો ચીપાયો અને ગુજરાતને નવાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન અને રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન મળ્યા. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન પ્રદ્યુમન વાજા પણ અત્યંત સરળ અને શિક્ષિત, વિઝનવાળા છે. અને રાજ્ય કક્ષાનાં શિક્ષણ પ્રધાન રીવાબા જાડેજા પણ એવા જ.
રીવાબા સાથે અમારી બેઠક થઈ તેમાં પહેલાં રીવાબાએ પ્રસ્તાવના મૂકી. સૌ પહેલાં તો ક્ષમા માગી કે તેમને પ્રદ્યુમનભાઈ સાથે બેઠક હોવાથી આવવામાં મોડું થયું. તેમણે સ્પષ્ટ કહ્યું કે મારે તમને લોકોને સાંભળવા છે.
પ્રશાંત ગઢવી ઉપરાંત શિક્ષણવિદ કિરીટ જોશી, પ્રાધ્યાપક જગદીશ આણેરાવ, ‘ઇન્ડિયન ઍક્સ્પ્રેસ’ના જનરલ મેનેજર નીલેશ ધોળકિયા, વેપારી મુકેશ ઓઝા, પત્રકાર જયેન્દ્ર બ્રહ્મભટ્ટ, પત્રકાર અને દસ્તાવેજી ફિલ્મ નિર્માતા સરસ્વતીચંદ્ર આચાર્ય, સાઇકાલાજિસ્ટ ડા. મીના વ્યાસ પટેલ, કાલમિસ્ટ રીના બ્રહ્મભટ્ટ, રાજકીય વિશ્લેષક જિગર દોશી અને આ લેખક એમ અગિયાર જણાની ક્રિકેટ ટીમ હતી. અમારા બાઉન્સર આવતા હતા, ગૂગલી આવતી હતી અને રીવાબા ક્યારેક ડિફેન્સમાં રમતાં હતા તો ઘણી વાર ચોગ્ગા-છગ્ગા મારતા હતા.
કોઈએ કહ્યું કે શિક્ષકોની ભરતીનું કેલેન્ડર હોવું જોઈએ. મોદીજીનું સપનું છે કે ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’. તે થાય ત્યારે ખરું, પરંતુ અત્યારે તો ચૂંટણી સમયે શિક્ષકોની ભરતી ન અટકે તેવું કરવું જોઈએ. શિક્ષકોની ડિજિટલ ઉપસ્થિતિ (એટેન્ડન્સ) શરૂ કરવી જોઈએ. કોઈએ કહ્યું કે શિક્ષકોને વિદ્યાર્થીઓને સજા કરવાની છૂટ આપશો તો વિદ્યાર્થીઓ કાબૂમાં રહેશે. તો કોઈએ કહ્યું કે સોટી વાગે ચમચમ વિદ્યા આવે રૂમઝૂમ તે વાત સાચી છે. શિક્ષકોને સજાની સત્તા હોવી જોઈએ. કોઈએ કહ્યું કે શાળાની આસપાસ તમાકુનું વેચાણ કરતા પાન ગલ્લા ન હોવા જોઈએ. કોઈએ કહ્યું કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓનું ઘડતર પણ થવું જોઈએ. તેઓ જ બાળકોને તેડવા જાય ત્યારે રાંગ સાઇડ ચલાવે તો બાળકોમાં શું સંસ્કાર પડશે? કોઈએ કહ્યું કે ગુજરાતમાં શિક્ષણ જગતમાં સારી ઘટનાઓ પણ બને છે. વડોદરાની એક સરકારી શાળામાં પ્રવેશ લેવા વિદ્યાર્થીઓની લાઇન લાગે છે. આવા સમાચાર અને માહિતી અમને મળે તો અમે સરકારની સારી બાજુ પણ મૂકી શકીએ.
આ લેખકે કહ્યું કે “હું ભાવનગરથી આવું છું જ્યાં ગિજુભાઈ બધેકા અને હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદ થયા અને દક્ષિણામૂર્તિ-ઘરશાળા-શિશુવિહાર જેવી શાળાઓ છે. આ લેખકે પણ શિશુવિહારમાં અભ્યાસ કર્યો છે. માનભાઈ ભટ્ટે એવું શિશુવિહાર બનાવ્યું હતું કે બાળકોને મજા પડી જતી. ‘૮૦ના દાયકામાં ત્યાં બાળકો માટે રમકડાંની લાઇબ્રેરી હતી ! હીંચકા, લસરપટ્ટી, રોકેટ જેવા પાંજરામાં પકડ-દા રમવું, દંડ કરવા માટે પાઇપ, ઊંચાઈ વધારવા માટે પાઇપ, સામસામે બેસીને ઉચ્ચાલનવાળું સાધન, આવા અનેક સાધનો હતા. અત્યારે તો મોંઘી દાટ ફી ભરી લોકો જિમમાં જાય છે. સરકારી બગીચાઓમાં એન્ટ્રી ફી થઈ ગઈ છે. પરંતુ શિશુવિહારમાં ગરીબ વિદ્યાર્થીઓ આવતા અને પૈસાદાર પણ.
માનભાઈ પોતે બેસીને ગરીબ વિદ્યાર્થીઓને ખબર ન પડતી હોય તો તેમના વધેલા નખ કાપી દેતા. માનભાઈની ધાક પણ એવી. કોઈ કંઈ ખોટું ન કરી શકે. ગરીબ યુવાનો ત્યાં પાઇપો પર દંડબેઠક (પુશઅપ) કરી પોતાનું શરીર સૌષ્ઠવ વધારતા.
શિશુવિહારમાં દિવ્ય જીવન સંઘની પ્રવૃત્તિઓ પણ થતી. તેનાથી એ પરિસરની દિવ્યતા અનેક ગણી હતી. તો બાજુમાં શિક્ષકો દ્વારા ચાલતી દિવાળીબેન છગનલાલ નવજીવન બાળ શાળા (બાળમંદિરથી સાત ધોરણ) અને પ્રણવ બક્ષી વિનય મંદિર (ધો. ૮થી ૧૨)માં પણ અદ્‌ભુત સંસ્કાર સિંચન થયું. રોજ એક અલગ પ્રાર્થના. ધર્મ અમારો એક માત્ર એ સર્વધર્મ સેવા કરવી, હે પ્રભો આનંદ દાતા જ્ઞાન હમ કો દીજિયે, મનોબુદ્ધંકાર ચિત્તાનિ નાહં, અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથો મેં, યા કુન્દેન્દુ તુષાર હાર ધવલા આવી પ્રાર્થના અત્યારે શાળાઓમાં થાય છે? પ્રતિજ્ઞા બોલાવવા મને કહેવાતું- ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈબહેન છે. અર્થાત્ શાળા માત્ર પરીક્ષાના ગુણલક્ષી શિક્ષણનું સ્થાન ન હોવું જોઈએ પરંતુ દેશભક્તિ-સંસ્કાર અને સંસ્કૃતિના સદગુણલક્ષી શિક્ષણનું સ્થાન હોવું જોઈએ. શાળામાં શિક્ષકો જ હિન્દુ વિરોધી એજન્ડા ચલાવી વિદ્યાર્થીઓનું બ્રેઇનવાશ કરે કે મકરસંક્રાંતિ પર પતંગ ન ચગાવવા જોઈએ, હોળી પર પાણી ન વેડફવું જોઈએ, દિવાળી પર ફટાકડા ન ફોડવા જોઈએ તે ખોટું છે. પ્રાજેક્ટ મોંઘા-મોંઘા અથવા આરોગ્ય વિરોધી કરાવાય છે. એક શાળામાં પ્રાજેક્ટમાં આૅરિયો બિસ્કિટનો ઉપયોગ કરવાનું કહેવાયું હતું. એફઆરસી (ફી રેગ્યુલેશન કમિટી) આવી ત્યારે આ લેખકે સંઘવિચારના ‘આૅર્ગેનાઇઝર’માં લેખ લખ્યો હતો અને કહ્યું હતું કે આનો બીજા રાજ્યોમાં પણ અમલ થાય તેવી સંભાવના છે. આજે દિલ્લીમાં ભાજપની સરકાર આવ્યા પછી એફઆરસી બની છે. પરંતુ ગુજરાતમાં એફઆરસી પછી પણ ખાનગી શાળાઓમાં લૂટ અટકી નથી.
વિદ્યાર્થીઓમાં સમાજ પ્રત્યે ઉત્તરદાયિત્વ, સ્વચ્છતા, દેશભક્તિ અને શિસ્તપાલનના ગુણો વિકસાવવા એનસીસી અને એનએસએસ ફરજિયાત બનાવવા જોઈએ. પ્રાજેક્ટ વગેરેના બદલે કાંગ્રેસ શાસનના શિક્ષણ વખતે સમાજ ઉપયોગી ઉત્પાદક કાર્ય જેને સ.ઉ.ઉ. કહેવાતું તેને લાગુ કરો.
રીવાબાનો પ્રતિભાવ શું હતો? રીવાબા પોતે જે કરવા માગે છે તે અંગે સ્પષ્ટ છે. તેઓ શિક્ષણને પાઠ્યક્રમની પરીક્ષાના ગુણ (માર્ક)લક્ષી નહીં, પરંતુ જીવનની પરીક્ષાના સદ્‌ગુણલક્ષી શિક્ષણ બનાવવા માગે છે. આ માટે ૨૦૩૦ સુધી ભરતીનું કેલેન્ડર બનાવાઈ ગયું છે. મીડિયા પર તેમની ચાંપતી દૃષ્ટિ છે. એટલે મોદીજીની જેમ જ મીડિયામાં જો કોઈ નેગેટિવ સમાચાર આવે અને તે ખરેખર નેગેટિવ હોય તો સુધારણાત્મક પગલાં પણ લેવાશે અને જો પૂર્વગ્રહયુક્ત, એજન્ડાધારી સમાચાર હશે તો તેનો તેઓ બરાબર ઉત્તર આપશે તે પણ તેમના અત્યાર સુધીના જીવન પરથી સ્પષ્ટ છે.
તેઓ ઇચ્છે છે કે શિક્ષણ ભારતીય વારસા આધારિત હોય. આપણને એરિસ્ટોટલ, કાન્ફ્યુશિયસ, માર્ક્સ વગેરે ભણાવાતું હતું પરંતુ ચાણક્ય કેમ ભણાવાતા નહોતા? શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા કેમ ભણાવાતી નહોતી? ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસના ભવ્ય વારસાથી વિદ્યાર્થીઓને વંચિત રખાય તે હવે નહીં ચાલે.
ફૅક ફેમિનિઝમના તેઓ વિરોધી છે. સાધુની ગોળ ખાવાના ઉપદેશની વાર્તાની જેમ તેઓ પોતે પોતાના જીવનમાં ઉતારીને, તેવું જીવન અત્યાર સુધી જીવીને એને આત્મસાત્ કરી ચૂક્યા છે, તેથી તેઓ આ બાબતે બોલે ત્યારે તેમાં સત્યનો રણકો જણાય છે. મેં તેમને કહ્યું કે “તમે જ્યારે જાડેજાબાપુને (ક્રિકેટના મેદાનમાં મેચમાં વિજય પછી) પગે લાગ્યા ત્યારે લાગેલું કે આ કદાચ પબ્લિસિટી સ્ટંટ હશે, પરંતુ આજે તમને સાંભળ્યા પછી લાગ્યું કે ના, આ અંદરથી પડેલા સંસ્કાર જ હતા.”
આ સંસ્કારનું સિંચન તેમનાં માતાપિતાએ કર્યું છે. રીવાબા મિકેનિકલ એન્જિનિયર છે. તેના કારણે કોઈ રીતે તેમના સ્વભાવમાં ફૅક ફેમિનિસ્ટનાં લક્ષણો નથી આવ્યા. એક સાચા ક્ષત્રિયાણીનું તેજ તેમના ચહેરા પર જ નહીં, તેમના સ્વભાવમાં પણ વર્તાય છે. તેમણે કહ્યું કે તમને નવાઈ લાગશે, મને માસિક અંગે મારા પિતા અને કાકાએ શિક્ષણ આપ્યું હતું ! રીવાબાએ કહ્યું કે મારું સાચું નામ રીવાસિંહ હરદેવસિંહ સોલંકી છે. એક ક્ષત્રિય દીકરાની જેમ તેમના નામ પાછળ સિંહ લાગેલું છે. પુરુષમાં હોય અને સ્ત્રીમાં પણ હોવા જોઈએ તે બધા ગુણો – બધાં કૌશલ્યો તેમને શીખવાયેલાં છે – તેમણે શીખેલાં છે. પરંતુ તેનો અર્થ સ્ત્રીત્વ ભૂંસી નાખવું, ટૂંકાં કપડાં પહેરવા, દારૂ-સિગરેટ પીવા તે નથી. તેઓ ફેમિનિઝમની પશ્ચિમી વ્યાખ્યામાં માનતા નથી.
તેમણે કહ્યું કે “સ્ત્રીએ શા માટે પુરુષ સમોવડી બનવું જોઈએ? તેઓ પુરુષ કરતાં ઘણી ઊંચી છે, આગળ છે.” રીવાબાના મતાનુસાર, ફેમિનિઝમનો ઉદ્‌ભવ એ વાતમાંથી આપણે ત્યાં થયો કે સાસરિયામાં સ્ત્રીને કહેવાય છે કે તમારા ઘરે તમે જે કરતા હો તે, અહીં એ નહીં ચાલે અને પિયરમાં કહેવામાં આવે કે તમારા સાસરિયે જે કરતા હો તે, અહીં તે નહીં ચાલે. સ્ત્રીને થાય છે કે અમારું ઘર કયું?
સ્ત્રીને બંને ઘરે સ્વતંત્રતા મળે તો તે પશ્ચિમના ખોટા ચીલે નહીં ચાલે. તેની સ્વતંત્રતા સ્વચ્છંદતામાં નહીં પરિણમે. તેનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે મારા સાસરે મારા પિતા અને મારા બીજા સગાં મળવા આવ્યા હતા. હું જીન્સ-ક્રાપ ટોપમાં હતી તો મારા પિતાએ કહ્યું કે તમારા સાસરે તમે આ પોશાકમાં અતિથિઓ સમક્ષ આવો તે યોગ્ય નથી, ભલે અતિથિઓ તમારા પિયરના હોય. તેમણે કહ્યું કે મારા પિતાએ જે કહ્યું તે મને બરાબર લાગ્યું.
આ લેખક પણ માને છે કે આવું દરેક માતાપિતા પોતાની દીકરીને શીખવે તો બે ઘર તરી જાય. આપણે ત્યાં માતાપિતા જ દીકરીને ચડાવે છે. અને છેલ્લા કેટલાંક વર્ષોથી તો દુબઈમાં હિજાબ પહેરનારી દીપિકા પદુકોણે જેવી ઉર્દૂવુડ અભિનેત્રીઓ અને ‘ખોટીવેશનવ’ સ્પીકરો અને કલમઘસુઓ યુવાનોને ચડાવે છે, ‘માય બાડી માય ચાઇસ’. આ બાબતને ન્યાયાલયથી માંડીને રાજકીય પક્ષો સમર્થન આપે છે.
રીવાબા મિકેનિકલ એન્જિનિયર થયા પરંતુ તેમણે શિક્ષણ માતૃભાષા- ગુજરાતીમાં લીધેલું છે. આથી તેમનું ગુજરાતી પણ સારું છે. (અહીં ‘પણ’ લખતા દુઃખ થાય છે. ગુજરાતીઓનું ગુજરાતી સારું જ હોવું જોઈએ ને? પરંતુ આજે એ સ્થિતિ નથી.) ગુજરાતીમાં ભણવાના કારણે જ કદાચ, અંગ્રેજી અને હિન્દી એટલા જ સારા છે. તેમણે કહ્યું કે મારે ટીવી ધારાવાહિકોના નિર્માતા-નિર્દેશકોને કહેવું છે કે તેઓ ધારાવાહિકમાં ગુજરાતીને કેમ ખરાબ ગુજરાતી બોલતા બતાવે છે? દયાબહેન જેવું ગુજરાતી કોઈ નથી બોલતા.
તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વ વાયુ, જળ અને સ્થળ પ્રદૂષણ અંગે ચિંતિત છે, પરંતુ વિચારોના પ્રદૂષણ અંગે કોઈ ચિંતિત નથી.
તેમણે બાળ ઉછેર પર પણ ભાર મૂક્યો. પોતાના ઉદાહરણ દ્વારા કહ્યું કે તેમણે તેમની દીકરીને મોબાઇલથી દૂર રાખી છે. અને એટલે જ આ લેખકે સૂચન કર્યું હતું કે ૨૦૨૦માં કોરોના કાળ પછી વાટ્‌સઍપ પર જ શાળા તરફથી સૂચનાઓ અપાય છે તે બંધ કરવી જોઈએ. વાટ્‌સઍપ દર અમુક અંતરે અપડેટ માગે છે. તેથી ફાનમાં જગ્યા પણ બહુ રોકે છે. દરેક પાસે વિશાળ સ્ટારેજવાળો ફાન ન પણ હોય. વળી, તેના કારણે ફરજિયાત વાટ્‌સઍપ જોવાનું થાય. તેના બદલે નાટમાં સૂચના ન આપી શકાય? પ્રગતિપત્રકમાં સૂચના ન આપી શકાય? અથવા તો બહુ-બહુ તો ઇ-મેઇલથી સૂચના આપી શકાય.
વિશ્લેષકોએ એક મતે સૂચન કર્યું કે આૅસ્ટ્રેલિયાએ ૧૬ વર્ષથી નીચેનાં બાળકો માટે સાશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો તેવું એટલિસ્ટ ગુજરાતમાં કરી શકાય.
રીવાબા માને છે કે જેન્ટલ પેરન્ટિંગ ખોટી બાબત છે. માતાપિતાનો ડર તો સંતાનને હોવો જ જોઈએ. માતા બાળકની કોઈ જીદ ન સંતોષે અને બાળક દાદા-દાદી કે પિતા પાસેથી જીદ પૂરી કરાવી લે તે ખોટું છે. માતાનું કોઈ મહ¥વ નથી રહેતું. બાળકને પોતાનું કરવા અથવા ઘરમાં પોતાનું વર્ચસ્વ દેખાડવા દાદા-દાદી કે પિતા/માતા બાળકની ખોટી જીદ સંતોષે તે યોગ્ય નથી. બાળકનો સારો ઉછેર કરવા માતાપિતાનો એક જ સૂર હોવો જોઈએ. તેમના મતભેદ તેમણે એક રૂમમાં બાળકોની અનુપસ્થિતિમાં ઉકેલી લેવા જોઈએ.
વર્તમાન સરકારમાં હર્ષ સંઘવી અને રીવાબા જેવા યુવાનો પ્રધાન છે અને પાછા, તેઓ આવા સુંદર વિચારો ધરાવે છે. બસ, તેમને પોત-પોતાના મંત્રાલયમાં અમલ કરે તો ગુજરાતનું શિક્ષણ અને સાંસ્કૃતિક જગત ઘણું આગળ વધશે.
jaywant.pandya@gmail.com

હવે બધા અકળાઈ રહ્યા હતા. ત્યાં અંદરથી તેડું આવ્યું. તમે જ રાજકીય વિશ્લેષકો ને? અંદર આવો. અમે અંદર ગયા. અમને હતું કે દસ મિનિટમાં અમે બહાર હોઈશું. બહુ બહુ તો અડધો કલાક. પરંતુ…..