નડિયાદના એક યુવક સાથે વિદેશમાં નોકરી અપાવવાના બહાને ગંભીર ઠગાઈ નો કેસ સામે આવ્યો છે. અમદાવાદના એક એજન્ટે યુવકને દુબઈ મોકલીને ત્યાં તેની સાથે અમાનવીય વર્તન કરાયું હોવાના આક્ષેપો છે.
મળતી માહિતી મુજબ, નડિયાદના શિવમ ઝાલાને સોશિયલ મીડિયા પર આવેલી જાહેરાત જાઈને એક કંપનીનો સંપર્ક કર્યો હતો. આરોપી એજન્ટે તેને દુબઈમાં બાઈક રાઈડર તરીકે નોકરી, સારો પગાર, વર્ક પરમિટ અને રહેવા-જમવાની સુવિધા આપવાની લાલચ આપી હતી.
આ લાલચમાં આવી શિવમ ઝાલા અને તેના મિત્ર પાસેથી આશરે અઢી લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. બાદમાં તેમને દુબઈ મોકલવામાં આવ્યા, જ્યાં પહોંચતા જ યુવકનો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યો અને તેને ગેસ્ટ હાઉસમાં બે મહિના સુધી બાંધી રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન તેની સાથે મારપીટ કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે. અંતે પીડિત યુવકે ભારતીય દૂતાવાસનો સંપર્ક કરીને મદદ માગી હતી. દૂતાવાસની મદદથી વ્હાઈટ પાસપોર્ટના આધારે યુવકોને વતન પરત લાવવામાં આવ્યા હતા. આ મામલે પીડિતે રાહુલ ગુપ્તા, કૈલાશ મીના સહિત ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.આ ઘટનાએ ફરી એકવાર વિદેશમાં નોકરીના લાલચ આપતા ઠગો સામે સાવચેત રહેવાની જરૂરિયાતને ઉજાગર કરી છે.