માધવ સેવા ટ્રસ્ટ દ્વારા વિજપડી ગામના લોહાણા મહાજન વાડી ખાતે ૧૨૫મો નેત્ર નિદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો. આ કેમ્પનું આયોજન રાજકોટની રણછોડદાસજી હોસ્પિટલના સહયોગથી કરવામાં આવ્યું હતું. દાતા રૂખડભાઈ રામાભાઈ જાજડના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો. કેમ્પમાં રાજકોટના નિષ્ણાત ડોક્ટરો અને તેમની ટીમે કુલ ૧૧૦ દર્દીઓની આંખોની તપાસ કરી. તેમાંથી ૩૫ દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત જણાતા, તેમને ખાસ વાહન દ્વારા વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા. આ કેમ્પમાં ઉપસ્થિત તમામ દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓને ચા-પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી, જ્યારે ઓપરેશન કરાવનાર દર્દીઓ માટે બપોરના ભોજનની પણ વ્યવસ્થા દાતા તરફથી કરવામાં આવી હતી. ટ્રસ્ટની આ સુંદર સેવાકીય કામગીરીને ગામલોકોએ ખૂબ વખાણી હતી અને ભવિષ્યમાં આવા વધુ કેમ્પ યોજાય તેવી આશા વ્યક્ત કરી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે ટ્રસ્ટના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.








































