ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજે ઔપચારિક રીતે શરૂ થયું છે. રાજ્યના વિકાસ, નાગરિકોના હિત અને નવી યોજનાઓને કેન્દ્રમાં રાખીને આ સત્ર મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકીય પક્ષોને પોતાના મત વિસ્તારના પ્રશ્નો રજૂ કરી સત્રને ટિકા ટીપ્પણી કર્યા વગર સારી રીતે ચાલવા દેવાની અપીલ કરી હતી.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ બજેટ સત્ર રાજ્યના સર્વાંગી વિકાસ માટે નિર્ણાયક સાબિત થશે. સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયો અને આવનારી નવી યોજનાઓ પર વિસ્તૃત ચર્ચા થશે, જેથી વિકાસનો લાભ રાજ્યના દરેક નાગરિક સુધી પહોંચી શકે. નાયબ મુખ્યમંત્રીએ તમામ રાજકીય પક્ષોને અપીલ કરતાં કહ્યું કે, રાજકીય ટીકાઓ અને આરોપ-પ્રત્યારોપથી ઉપર આવીને રચનાત્મક ચર્ચા કરવી જરૂરી છે. વિધાનસભાએ લોકશાહીનું પવિત્ર મંચ છે, જ્યાં રાજ્યહિત સર્વોપરી હોવું જાઈએ.
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, તમામ ધારાસભ્યો પોતાના મતવિસ્તારના પ્રશ્નો, સૂચનો અને જનતાની માંગણીઓ વિધાનસભામાં પ્રસ્તુત કરે. ચર્ચા, સૂચન અને સંવાદ દ્વારા જ રાજ્યના વિકાસને નવી દિશા આપી શકાય.
આ બજેટ સત્ર દરમિયાન વિકાસલક્ષી યોજનાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાય તેવી શક્યતા છે. હવે સૌની નજર આ સત્રની ચર્ચાઓ અને જાહેરાતો પર ટકી છે.
રાજ્યપાલના સંબોધન સાથે સત્રનો પ્રારંભ થશે. ૩૮ દિવસ સુધી ચાલનાર બજેટ સત્ર ૨૫ માર્ચે સમાપ્ત થશે. આજે શોક દર્શક ઠરાવ રજૂ થશે. રાજ્યના પૂર્વ મંત્રીઓ તેમજ પૂર્વ ધારાસભ્યના નિધન અંગે શોક દર્શક રજૂ થશે.
વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી અંગે પ્રસ્તાવ મુકવામાં આવશે જેમાં ભાજપ તરફથી પૂર્ણેશ મોદી અને કોંગ્રેસ તરફથી શૈલેષ પરમારના નામનો પ્રસ્તાવ રજૂ થશે. કોંગ્રેસ પાસે ધારાસભ્યનું સંખ્યાબળ ઓછું હોવા છતાંય ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. વિપક્ષનું કહેવું છે કે, ભાજપે લોકશાહીની પરંપરા તોડી છે. અગાઉ કોંગ્રેસના શાસનમાં આ પદ વિપક્ષને અપાતું હતું.








































