ગુજરાતના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં વિંછીયા તાલુકાના રેવાણીયા રોડ સ્થિત તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ વિકાસ વિભાગના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. મંત્રીએ આ બેઠકમાં મિશન મંગલમ/એન.આર.એલ.એમ. યોજના હેઠળ સ્વ-સહાય જૂથોને કેશ ક્રેડિટ લોન, સ્ટાર્ટ અપ ફંડ, નમો ડ્રોન, ગૃહ ઉદ્યોગ, સરસ મેળાઓ અને મંગલમ કેન્ટિન દ્વારા ગ્રામીણ મહિલાઓને તાલીમ આપવાની કામગીરીની ચર્ચા કરી હતી. આ ઉપરાંત, મનરેગા યોજના હેઠળની કામગીરીની વિગતો મેળવવામાં આવી હતી. મંત્રીએ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ શૌચાલયની સાફ-સફાઈ અને જાળવણી વગેરે અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. સાથે જ, પ્રધાનમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની પ્રગતિની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.









































