વાવેરાથી વીજપડી તરફ જતાં મુખ્ય માર્ગ પર ચાલી રહેલી પાઇપલાઇન કામગીરીમાં એજન્સીની ગંભીર બેદરકારીને કારણે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને રોષનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પાઇપલાઇન નાખતી એજન્સી દ્વારા રસ્તા પર ઠેર-ઠેર ઊંડા ખાડાઓ કરવામાં આવ્યા છે, પરંતુ કામગીરી બાદ તેને યોગ્ય રીતે પૂરવામાં આવતા નથી. વળી, રસ્તા પર કોઈ પણ પ્રકારના સુરક્ષા સાધનો, બેરિકેડ્સ કે ચેતવણીના બોર્ડ મૂકવામાં આવ્યા ન હોવાથી રાત્રિના સમયે વાહનચાલકો માટે આ માર્ગ ‘ડેથ ટ્રેપ’ સમાન બની ગયો છે. સ્થાનિક આગેવાન કનુભાઈ ઘાખડા દ્વારા આ બાબતે અગાઉ અમરેલી સુધી તંત્રને અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. પરિણામે એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો છે. આ અકસ્માત બાદ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા માંગણી કરી છે કે, પાઇપલાઇનનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે, જોખમી ખાડાઓ તાત્કાલિક યોગ્ય મટીરિયલથી પૂરવામાં આવે અને લાપરવાહ એજન્સી સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.









































