(૧) વાદ અને વિવાદમાં શો ફેર?
રીટા માંડવીયા (રાજકોટ)
મારી સાથે કરવા છે કે ઘેર?!
(૨) વિશ્વમાં સૌપ્રથમ લગ્ન કોના થયા હતા?
જયેશ રાઠોડ (બાબરા)
કોઈ ગોરદાદાના થયા હોવા જોઈએ!
(૩) હેડકી આવે તો કોણ યાદ કરતું હશે ?
હાફીઝ રિયાઝ સેલોત(રાજુલા)
તમે કોની કોની પાસેથી ઉછીના લીધા છે એ મને ક્યાંથી ખબર હોય?!
(૪) ઘણા લોકો લાંચ લેતા પકડાય અને સમાજમાં આબરૂ ખોવાનો વારો આવે એના કરતાં એ લાંચ જ ન લેતા હોય તો?
રમેશભાઈ મુંજપરા (અમરેલી)
એવા લોકોને લંચ વિના ચાલે પણ લાંચ વિના ન ચાલે!
(૫) દિવાળી પર ફટાકડા ફોડવાનાં કે પછી દર વખતની જેમ ખાલી જોવાના જ છો?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
જે મજા જોવામાં છે એ ફોડવામાં નથી!
(૬) નવાં વરસના રામ..રામ..કરવા તમે દરેક વાચકોની ઘરે જવાના છો?
ધોરાજીયા ચંદ્રકાંત એન. (સાજણટીંબા)
ના, ઘણાંને તો છેટેથી જ રામ રામ કહી દઈશ.
(૭) પૃથ્વી યુદ્ધ વગરની ક્યારે થશે ?
નિતુલ દિનેશભાઈ ડાભી (બાબરા)
પૃથ્વી તો યુધ્ધ વગરની જ છે. યુધ્ધ તો માણસના મનમાં છે. મન યુધ્ધ વગરનું ક્યારે થશે એ સવાલ છે.
(૮) તન સાફ કરવા માટે સાબુ તો મન સાફ કરવા માટે?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
કાબુ.
(૯) દિવસે ઘરે અંધારું કરવું હોય તો મફતમાં થઈ જાય છે; રાત્રે અજવાળું પણ મફતમાં કરવું હોય તો કેમ કરવું ?
કનુભાઈ પરમાર (દામનગર)
પાડોશી સાથેની સહિયારી દિવાલમાં મોટું બધું બાકોરું પાડી દો.
(૧૦) જીવનમાં હસવું જરૂરી છે કે રડવું ?
ડાહ્યાભાઈ આદ્ગોજા (લિલીયા મોટા)
એ બન્ને કરતા જીવવું વધારે જરૂરી છે.
(૧૧) કલિયુગમાં તમને સંન્યાસી વધુ ગમે કે સંસારી?
બાલુભાઈ કિકાણી (લીલિયા મોટા)
મને ગમતું થવા માટે તમારે સંન્યાસી થવાની જરૂર નથી. જે છો એ જ રહો.
(૧૨) વાર્તા રે વાર્તા પછી શું આવે?
હરેશભાઇ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
ખાધું પીધું અને રાજ કર્યું.
(૧૩) પત્ની કોઈ વસ્તુ મંગાવે તો યાદ રહે છે પરંતુ બીજું કોઈ મંગાવે તો યાદ રહેતું નથી તો શું કરવું?
શંભુ ખાંટ ‘અનિકેત’ (અરવલ્લી)
બીજા બધાને કહી દો કે કાંઈ મગાવવું હોય તો પહેલા તમારા પત્નીને કહે અને તમારાં પત્ની તમારી પાસે મંગાવે.
(૧૪) આ વખતે પણ દિવાળી પછી ધોકો છે. આનું હવે શું કરવું જોઈએ ?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
આપણે હવે ધોકાને જ તહેવારની યાદીમાં સમાવી લેવો જોઈએ.
(૧૫) ચા કરતાં કિટલી ગરમ હોય છે. આવું કેમ હોય છે ?
જીગર આહીર (દાત્રાણા-પાટણ)
કેમ કે કીટલી પર ચાનું રક્ષણ કરવાનું ટેન્શન હોય છે.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..










































