નવસારી જિલ્લાના વાંસદા ખાતે આગામી ૧૪ ફેબ્રુઆરી, શનિવારના રોજ એક ભવ્ય ‘આદિવાસી સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને લઈને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. વલસાડ લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ ધવલ પટેલે આ સંમેલનને લઈને જનતાને એક ખાસ સંદેશ પાઠવી મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહેવા ભાવભર્યું આમંત્રણ આપ્યું છે.
સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે, આ સંમેલન માત્ર એક મેળાવડો નથી, પરંતુ આદિવાસી સમાજની એકતા અને ગૌરવનું પ્રતીક છે. આ કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓનું જતન કરી તેની ઉજવણી કરવાનો છે. આ સાથે જ આ સંમેલન દ્વારા સમાજના હિત અને આગામી સમયમાં થનારા વિકાસના કામો અંગે જરૂરી ચર્ચાઓ કરવામાં આવશે તેમજ આદિવાસી સમાજમાં ભાઈચારો અને સંગઠન શકિત મજબૂત બને તે માટે એકતાનો સંદેશ આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જાવા મળશે. ખાસ કરીને આદિવાસી સમાજની પરંપરાગત વાનગીઓનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મુલાકાતીઓને આદિવાસી ભોજનનો સ્વાદ માણવા મળશે, જે આ સંમેલનનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર બની રહેશે.ધવલ પટેલે વાંસદા અને વલસાડ લોકસભા ક્ષેત્રના તમામ સમાજ સુધારકો, આગેવાનો અને નાગરિકોને અપીલ કરી છે કે આ કાર્યક્રમને સફળ બનાવે.










































