ભાજપે તેના સોશિયલ મીડિયા સહ-કન્વીનર રોન વિકાસ ગૌરવને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. ગૌરવે આસામ ભાજપના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વિવાદાસ્પદ એઆઇ વીડિયો બનાવ્યો અને પોસ્ટ કર્યો. વીડિયોમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા લઘુમતી સમુદાયના સભ્યો પર બંદૂક તાકતા દેખાતા હતા. આ વીડિયોનું કેપ્શન હતું, “પોઇન્ટ-બ્લેન્ક શોટ.”
આ વીડિયો ૭ ફેબ્રુઆરીએ આસામ ભાજપના સત્તાવાર એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો અને બાદમાં રાજકીય વિરોધને પગલે ડિલીટ કરવામાં આવ્યો હતો. આસામ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પણ આ મામલે પોલીસ એફઆઇઆર નોંધાવી છે. દિસપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલી એફઆઇઆરમાં, કોંગ્રેસના ધારાસભ્યો સિબામોની બોરા અને દિગંત બર્મને આરોપ લગાવ્યો છે કે સામગ્રી “અત્યંત ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક” છે અને સામાજિક સંવાદિતાને ખલેલ પહોંચાડી શકે છે.
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે વીડિયોમાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા મુસ્લિમ  સમુદાયના સભ્યો પર પ્રતીકાત્મક રીતે ગોળીઓ ચલાવતા દેખાય છે અને અન્ય બાબતોની સાથે, “વિદેશી-મુક્ત આસામ“ અને “તમે પાકિસ્તાન કેમ ન ગયા?” વાંચવામાં આવે છે. વિરોધ પક્ષોની વધતી ટીકા બાદ, ભાજપે તેના સત્તાવાર એકાઉન્ટમાંથી કલીપ  દૂર કરી દીધી. વિવાદના જવાબમાં, પાર્ટીએ રોન વિકાસ ગૌરવને તેમના સંગઠનાત્મક પદ પરથી દૂર કર્યા.
આ વીડિયોને કારણે દેશભરમાં વિવિધ સ્થળોએ ફરિયાદો નોંધાઈ છે. વિપક્ષી નેતાઓએ ભડકાઉ સામગ્રી માટે જવાબદારીની માંગ કરી છે. છૈંસ્ૈંસ્ના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ ડિલીટ કરેલા વીડિયો અંગે હૈદરાબાદમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે તેને “નરસંહાર દ્વેષપૂર્ણ ભાષણ” ગણાવ્યું છે અને ફોજદારી કાર્યવાહીની માંગ કરી છે.
આસામના મુખ્યમંત્રીએ આ વીડિયો વિશે અગાઉથી જાણકારી હોવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું છે કે તેઓ તેમના રાજકીય વિચારો પર અડગ છે. હિમંતા બિસ્વા શર્માએ વિવિધ આરોપો માટે વિપક્ષી કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ ૫૦૦ કરોડનો માનહાનિનો દાવો પણ દાખલ કર્યો છે.