એક ડરપોક માણસ તરીકે મારી ખ્યાતિ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે કારણ કે હું ડરવાનો ખતરનાક શોખીન છું. સંત શ્રી બુબૂડાનાથને આ વાતની ખબર હોવાથી એમણે મને “વશ લેવલ ટુ” જોવાનો હુકમ કર્યો અને એની પૂર્વ તૈયારીના ભાગરૂપે “વશ” (ભાગ ૧) જોયા પછી હું મારી ડરવાની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે “વશ વિવશ લેવલ ૨”માં દાખલ થયો… ડરવાની યથાશકિત ઈચ્છાઓ પરિપૂર્ણ કરીને ૧૦૩ મિનિટે હું હેમખેમ બહાર નીકળ્યો. ( મૈયરમાં મનડું- કે દેશ રે જોયા- જેવું હોરર પિક્ચર હોત તો કદાચ હું જીવતો બહાર નીકળ્યો ન હોત.)
“વશ” (૨૦૨૩)માં પ્રતાપભાઈનો જે હાહાકાર હતો તે પારિવારિક હાહાકાર હતો. “વશ વિવશ લેવલ ૨” (૨૦૨૫)માં એકાદ દાયકા પછી પણ પ્રતાપભાઈ (હિતેન કુમાર) ક્યાંય જોવા મળતા નથી એટલે તેનો નાનો ભાઈ (હિતેન કુમાર) મોટાભાઈને ગોતવા માટે સામાજિક હાહાકાર મચાવે છે. હાહાકારના પેટા પ્રકારો જોઈએ તો આને આપણે શૈક્ષણિક હાહાકાર પણ કહી શકીએ. એક સ્કૂલના નાસ્તાલયમાં પ્રવેશ કરીને તે પોતાના વશીકરણ માટેનો હાહાકારાત્મક પદાર્થ છોકરીઓના પેટમાં એન્ટર કરાવે છે. છોકરીઓ બરાબરની વશ થઈ જાય છે પછી પોતે જાહેરમાં એન્ટર થાય છે, “એન્ટ્રી” પાડે છે. છોકરીઓ સ્કૂલ બિલ્ડીંગની ઉપરથી નીચે કૂદીને “ઉપર” જાય છે. હાહાકારનું આ પ્રથમ ટ્રેલર છે. હાહાકાર મચાવતી વખતે તે પોતાના વર્તનમાં કોઈ જાતનું છીછરાપણું દાખવતો નથી. સ્કૂલ અને શહેરની પોલીસને તેણે બાનમાં લીધી છે પરંતુ સ્કૂલ પ્રિન્સિપાલને તે “મેડમ” કહીને બોલાવે છે. તે પ્રતાપભાઈની માફક જ વિવેકપૂર્વક તરખાટ મચાવે છે. આ વિવેકના કારણે જ તેનો તરખાટ વધુ રસપ્રદ અને સુઘટ્ટ બને છે. તમામ મીડિયામાં એક જ સમાચાર છે કે એક શખ્સે વશીકરણ કરીને સ્કૂલને બાનમાં લીધી છે અને શહેરભરમાં તેનું વશીકરણ છોકરીઓના માધ્યમથી તરખાટ મચાવી રહ્યું છે. આ શખ્સની એવી માંગ છે કે પ્રતાપભાઈ નામની વ્યક્તિ સાથે પોતાનો સંપર્ક કરાવવામાં આવે… આ સમાચાર અથર્વ (હિતુ કનોડિયા)ના ધ્યાન પર આવે છે. બસ, પછી ગામ આખાને વશ અને વોશ કરનાર પ્રતાપલઘુબંધુ, અથર્વના હાથે ‘વિવશ’ થાય છે.
કઈ રીતે વિવશ થાય છે એ તો બધું ફિલ્મમાં જોવું પડે. પણ આધુનિક સમયમાં આજે પરિવારો વીખાતા જાય છે અને ભાઈઓ ભાઈઓ વચ્ચે પણ સંપ રહ્યો નથી ત્યારે પ્રતાપભાઈ અને તેના નાના ભાઈ વચ્ચેનો ગજબનો પ્રેમ તમને આ ફિલ્મમાં જોવા મળે છે. ભાઈને મળવા માટે તે કેટલો મોટો ખતરો ખેડી નાખે છે! એટલે શૈતાનોમાં હજી ભ્રાતૃપ્રેમ ખતમ થયો નથી તે નવી વાત આ ફિલ્મ કહી જાય છે.
ફિલ્મમાંથી નિષ્પન્ન થતો કેટલોક નોંધપાત્ર બોધપાઠ પણ મગજ સાથે ઘસવા જેવો છે. ખાસ તો પતિઓ ઉપર અત્યાચાર કરતા પત્ની સમાજ માટે તેમજ પ્રેમીઓને નચાવતા પ્રેમિકા સમાજ માટે આ ફિલ્મ લાલબત્તી સમાન છે. ફિલ્મના પ્રથમ ભાગમાં અને બીજા ભાગમાં ક્લાઈમેક્સ સુધી અથર્વને અને આપણને સમજાતું ન હતું કે છોકરીઓને આ રીતે વશ કરવા પાછળનું કારણ શું? પણ બીજા ભાગમાં આપણને સમજાય છે કે આજના હળાહળ સ્ત્રીપ્રધાન સમાજથી પીડિત એવા પ્રતાપભાઈ અને તેના લઘુબંધુ પુરુષોને નચાવતી સ્ત્રીઓથી જબરદસ્ત નારાજ છે. તેઓ ફરીથી એક પુરુષપ્રધાન સમાજની નવરચના કરવા માંગે છે. તેમના માટે આ એક આઝાદીનો જંગ છે – સ્ત્રીઓથી આઝાદી. આ જંગ એમને બિચારાઓને કેટલો ચૂપચાપ લડવો પડે છે? એટલે પુરુષોને વશ કરીને પોતાની મરજી મુજબ નચાવતા પત્ની સમાજ અને પ્રેમિકા સમાજે આ ફિલ્મ જોઈને એ બાબતનું ચિંતન-મનન કરવું કે પોતે કોઈ “આઝાદીના લડવૈયા” અર્થાત પ્રતાપભાઈ અથવા તેના ભાઈને કે મિત્રને તો ઉત્પન્ન કરી રહ્યા નથી ને?
બીજું, ગમે તેની રૂ.૧૦ કે ૨૦ની ચા પીને પોતાને એકાદ-બે કલાકનો વિશ્વવિજેતા સમજી લેતા ચા-પીવૈયાઓ માટે પણ આ ફિલ્મ એક બોધપાઠ સમાન છે. અથર્વનો તો ચાના પૈસા પ્રતાપભાઈ પાસે પડાવવાનો ઇરાદો પણ નહોતો છતાં એના પર ‘સિર્ફ એક ૧૦ રૂપિયે કે લિયે’ આટલી બધી વીતી છે. તો કોઈકને કોઈકનું કરી નાખવાના ઇરાદે જ ઘુમતી રહેતી “કરુ કંપનીઓ”એ ઇન્ટ્રોસ્પેક્શન ઉર્ફે આત્મમંથન કરવું રહ્યું કે જે દિવસે કોઇ પ્રતાપભાઈ (કે તેનો ભાઈ અથવા ભવિષ્યમાં પાર્ટ ૩માં આવનાર તેનો મિત્ર કે શિષ્ય) ભટકાઈ જાય તો તેમની શી હાલત થઈ શકે છે?!
અત્યારે સમાજમાં એવી વાતો થઈ રહી છે કે વશીકરણ કરવા પાછળનો પ્રતાપભાઈ અને તેના ભાઈનો મૂળભૂત હેતુ અને વશીકરણનું ૧૦ રૂપિયા વાળું નિવારણ બતાવીને ફિલ્મનો એન્ડ સાવ બગાડી નાખ્યો છે. પણ હું એમ માનું છું કે ફિલ્મને બદનામ કરવા માંગતા તત્વોએ અમોશ્રીએ ઉપર દર્શાવેલ બંને બોધપાઠની દૃષ્ટિએ આ ફિલ્મને જોવી જોઈએ. ક્રાફ્‌ટ્‌સમેનશીપની દ્રષ્ટિએ બન્ને ફિલ્મના એન્ડ ભલે નાખી દેવા જેવા હોય પણ તેમાંથી નિષ્પન્ન થતા ઉપદેશની દ્રષ્ટિએ બંને ભાગ ભૂક્કા કાઢે એવા છે. તમામ કલાકારોના અભિનયમાં ક્યાંય ‘પોણી વીશ’ નથી. હિતુ કનોડિયા, જાનકી બોડીવાલા અને હિતેન કુમાર દિવસે દિવસે જાલિમ બનતા જાય છે. પણ આ ત્રણેય મુખ્ય કલાકારો કરતા પણ જાલિમ અભિનય આપ્યો હોય તો તે પોલીસ ઓફિસરનું પાત્ર ભજવનાર અભિનેતાએ આપ્યો છે. નામ ખબર નથી પણ એનું કામ જોરદારના પેટનું તો છે.
અને હવે કોઈ દબાણ વગર જ કૃષ્ણદેવે જાહેર કરી દેવું જોઈએ કે પ્રતાપભાઈને કુલ કેટલા ભાઈઓ છે. એટલું જ નહીં પ્રતાપભાઈના ખાસ મિત્રોની સંખ્યા પણ જાહેર કરવી જોઈએ. એનાથી ખબર પડે કે હવે “વશ” ફિલ્મના કેટલા ભાગ એટલે કે લેવલ આવવાના છે.
જોકે જાણીતા ફિલ્મ ક્રિટીક અને આંતરરાષ્ટ્રીય સંત શ્રી બુબૂડાનાથે દિવ્ય દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક ઉર્ફે કે.ડી.ને એક પત્ર લખ્યો છે. પત્ર લીક થયો છે ( બુબૂલિક્સ !) અને એ મારા હાથમાં આવ્યો છે. એમાં બુબૂ બાપાએ કે.ડી.ને એવું લખ્યું છે ઃ ” બન્ને ભાઈને જીવતા રાખ્યા છે અને પોલીસ અધિકારીએ એને જેલહવાલેને બદલે અથર્વ-હવાલે રહેવા દીધા છે એ વાત લિક કરાવો, પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરાવો અને એનું ચોટી ગયેલું સસ્પેન્શન “ઉખેડવા” માટે પ્રતાપભાઈની બહેનને ઉત્પન્ન કરો અને એને નેશનલ લેવલનો હાહાકાર મચાવવા માટે છૂટી
મૂકો…” પત્રમાં બીજું ઘણું બધું લખ્યું છે પણ લીક થયેલો પત્ર આખેઆખો લિક કરવાની સંત શ્રી બુબૂડાનાથે મને ના પાડી છે.