વલસાડ જિલ્લાના પારડીના રામપોર મરીમાતા મંદિર નજીક મોડી રાત્રે બે બાઇક સામસામે અથડાઈ હતી. સામસામે અથડાતા બાઇક સવાર બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતમાં પોતપોતાની બાઇક પર સવાર નિમખલ ગામના મેડી ફળિયામાં રહેતા ક્રિષ્ના દિલીપભાઈ પટેલ અને નવેરા ગામના મેડી ફળિયામાં રહેતા અમૃતભાઈ નાયકાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા છે. જેના કારણે આખા પંથકમાં દુઃખનો માહોલ છવાયો છે. આ ગોઝારા અકસ્માતમાં પારડી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, મૃતક ક્રિષ્ના પોતાની બાઇક પર પારડી તરફ જઈ રહ્યો હતો. એ દરમિયાન સામેની દિશામાંથી મૃતક શિયાંશ અને તેના બનેવી બાઇક પર નવેરા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન રામપોર મરીમાતા મંદિરની સામે જ બંને બાઇકો સામસામે જોરદાર રીતે અથડાઈ હતી.
બંને બાઇકની ટક્કર એટલી જોરદાર હતી કે, એનો અવાજ સાંભળી આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોએ આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ પારડી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બંને મૃતદેહોનો કબજા લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આમ આ ઘટનામાં બે આશાસ્પદ યુવકોના મોતને કારણે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. વડોદરામાં પણ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં શહેરના ગેંડાસર્કલ પાસે ગઈ સાંજે દારૂના નશામાં કાર ચલાવી મહિલાએ સારાભાઈ કેમ્પસની દિવાલમાં કાર અથડાવી દીધી હતી. અકસ્માત કરનાર મહિલાની ગોરવા પોલીસે ધરપકડ કરી હતી.
સારાભાઈ કેમ્પસ ખાતે બનેલા બનાવ અંગે પોલીસે કહ્યું છે કે, ગઈકાલે સાંજે સારાભાઈ કેમ્પસની દીવાલમાં કાર અથડાવીને એક મહિલાએ નુકસાન કર્યું હોવાથી પોલીસે તેની અટકાયત કરી હતી. મહિલાનું નામ પ્રિશા ચતુર્વેદી હોવાનું ખૂલ્યું હતું. તે દારૂના નશામાં હોવાનું જણાઈ આવતાં પોલીસે ડ્રન્ક એન્ડ ડ્રાઇવનો કેસ કરી ધરપકડ કરી હતી






































