રાજ્યમાં ગેરકાયદેસર દારૂ વિરુદ્ધ ચાલી રહેલા કડક અભિયાનને વધુ મજબૂત બનાવતા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આજે વિશાળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભીલાડ આરટીઓ ચેક પોસ્ટ ખાતે જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ જપ્ત કરાયેલ કુલ ૨,૫૨,૬૫૬ બોટલ દારૂ સહિત આશરે રૂપિયા ૬૫.૬૭ કરોડના મુદ્દામાલનો નિયમ મુજબ નાશ કરવામાં આવ્યો હતો.
સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહના માર્ગદર્શન હેઠળ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની દેખરેખમાં આ સમગ્ર કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. અગાઉ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા વર્ષ ૨૦૨૬ દરમિયાન ઝડપી પાડવામાં આવેલા પ્રોહિબિશન મુદ્દામાલના નાશ માટે સંબંધિત કોર્ટમાંથી હુકમ મેળવવામાં આવ્યા હતા. ત્યારબાદ વલસાડ, પારડી અને ધરમપુરના પ્રાંત અધિકારીઓ પાસેથી જરૂરી મંજૂરી મેળવીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વિગતવાર જાવામાં આવે તો પારડી સબ ડિવિઝનમાં સૌથી વધુ મુદ્દામાલ પારડી પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલો હતો, જેમાં ૪૩,૧૩૯ બોટલ દારૂ (રૂ. ૧.૧૨ કરોડથી વધુ)નો સમાવેશ થાય છે.
વાપી ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ૨૯૪૧૬ બોટલ (રૂ. ૬૭.૯૭ લાખ), વાપી ઔદ્યોગિક નગર પોલીસ દ્વારા ૨૧૫૫૮ બોટલ (રૂ. ૮૦.૮૫ લાખ), વાપી ડુંગરા પોલીસ દ્વારા ૧૮૯૧૦ બોટલ (રૂ. ૫૫.૭૮ લાખ) અને ભીલાડ પોલીસ દ્વારા ૧૫૯૩૯ બોટલ (રૂ. ૪૭.૦૮ લાખ)નો નાશ કરવામાં આવ્યો હતો. ઉમરગામ અને મરીન ઉમરગામ પોલીસ સ્ટેશનો દ્વારા અનુક્રમે ૧૬૮ અને ૧૧૭૯ બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે વાપી રેલ્વે પોલીસ સ્ટેશન દ્વારા ૫૮૧૫ બોટલોનો નાશ કરાયો હતો.
ધરમપુર સબ ડિવિઝન અંતર્ગત ધરમપુર પોલીસ સ્ટેશન દ્વારા ૬૮૪૨ બોટલ (રૂ. ૨૧.૯૯ લાખ), નાનાપોંઢા પોલીસ સ્ટેશન દ્વારા ૧૦૭૯૯ બોટલ (રૂ. ૨૪.૬૦ લાખ) અને કપરાડા પોલીસ સ્ટેશન દ્વારા ૩૧૨૦૬ બોટલ (રૂ. ૩૭.૪૭ લાખ)નો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો.
વલસાડ સબ ડિવિઝનમાં વલસાડ સિટી પોલીસ સ્ટેશન દ્વારા ૧૪૬૬૮ બોટલ (રૂ. ૪૨.૬૨ લાખ), વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા ૩૭૬૯૦ બોટલ (રૂ. ૧.૧૧ કરોડ), ડુંગરી પોલીસ સ્ટેશન દ્વારા ૧૩૧૬૯ બોટલ (રૂ. ૪૫.૨૮ લાખ) તેમજ વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશન દ્વારા ૨૧૭૮ બોટલ (રૂ. ૧.૯૨ લાખ)નો નાશ કરવામાં આવ્યો હતો.
આ રીતે કુલ ૧૫ પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરાયેલ ૨.૫૨ લાખથી વધુ દારૂની બોટલોનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો હતો. સમગ્ર કામગીરી દરમિયાન વલસાડના પ્રાંત અધિકારી વિમલ એચ. પટેલ, પારડીના એન.સી. પટેલ અને ધરમપુરના આર.સી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં ઉપરાંત નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તથા જિલ્લાના તમામ થાણા અધિકારીઓએ કામગીરીમાં ભાગ લીધો હતો.
પોલીસ સૂત્રો મુજબ, ગુજરાત સરકારના ગૃહ વિભાગના ઠરાવ અનુસાર કોર્ટના હુકમ અને પ્રાંત અધિકારીઓની મંજૂરી બાદ જ આવા મુદ્દામાલનો નાશ કરી શકાય છે. વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલા “ઝીરો ટોલરન્સ” અભિયાન અંતર્ગત આ કાર્યવાહી મહત્વપૂર્ણ ગણાઈ રહી છે.









































