ચાર સપ્ટેમ્બરે બિહાર બંધની ઘોષણા સત્તાધારી મોરચા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ)એ કરી હતી. કારણ? દરભંગામાં રાષ્ટ્રીય યુવરાજ રાહુલ ગાંધીના મતદાતા અધિકારની યાત્રાનો કાર્યક્રમ હતો. તેમાં મંચ પરથી ૨૨ વર્ષના મોહમ્મદ રિઝવી ઉપાખ્ય રાજાએ વડાપ્રધાન મોદીને મા સમાણી અત્યંત ગંદી ગાળો આપી. આ અંગે કોંગ્રેસે કહ્યું કે આ તો ભાજપનો એજન્ટ છે. પ્રશ્ન એ છે કે ભાજપના એજન્ટને કેવી રીતે સ્ટેજ સુધી પહોંચવા દો છો? પરંતુ કોંગ્રેસની આવી ટેવ જૂની છે.
રાહુલનાં દાદી ઈન્દિરા ગાંધી સમયે વિરોધીઓને કાં તો અમેરિકી જાસૂસી સંસ્થા સીઆઈએના એજન્ટ કહી દેવાતા, કાં આઈએસઆઈના એજન્ટ. પરંતુ એક વાત હતી કે ઈન્દિરાજી અને રાજીવજીની ભાષા સંયમિત હતી. અહીં તો મોટી ખોડ રાહુલ ગાંધીમાં જ છે. તેઓ વડાપ્રધાન મોદી માટે તુંકારો છેલ્લાં આઠેક વર્ષથી કરી રહ્યા છે. જોકે આની શરૂઆત અરવિંદ કેજરીવાલે કરી હતી. અરવિંદ કેજરીવાલ જાણીતા ડાબેરી અરાજકતાવાદી (એનાર્કિસ્ટ) છે. આઆપે ૨૦૨૧માં દિલ્લી ફરીથી સર કર્યું પછી રાહુલ ગાંધી પણ વધુ ને વધુ કેજરીવાલ જેવા બનતા ગયા- ડાબેરી ઝુકાવ અને અરાજકતાવાદી.
રાહુલ ગાંધી પણ કેજરીવાલની જેમ ‘હિટ ઍન્ડ રન’ કરવા જાણીતા છે. ૨૦૧૭માં ઉત્તર પ્રદેશમાં ભાજપના ભવ્ય વિજય પછી માયાવતીએ સૌ પ્રથમ ઇવીએમનો મુદ્દો ઉપાડ્‌યો પરંતુ એ મુદ્દો સૌથી વધુ ચગાવે છે કોંગ્રેસ. દર ચૂંટણીએ સર્વોચ્ચ ન્યાયાલયમાં યાચિકા દાખલ થઈ જાય છે. અને સર્વોચ્ચ તેનો ઉત્તર પણ સરકાર પાસેથી માગે છે. અલબત્ત, એ જ સર્વોચ્ચ ન્યાયાલયમાં બીજી કે ત્રીજી વખત અરવિંદ કેજરીવાલ દારૂ પર આબકારી નીતિમાં ભ્રષ્ટાચાર કેસમાં જેલમાં ગયા ત્યારે તેમને પદેથી હટાવવાની બીજી કે ત્રીજી વાર યાચિકા થઈ ત્યારે માનનીય સર્વોચ્ચોએ યાચિકાકર્તાને ફટકાર લગાવી હતી કે આવું સસ્તી લોકપ્રિયતા માટે કરવામાં આવ્યું છે અને યાચિકા સમૂળગી ફગાવી દીધી હતી.
રાહુલ ગાંધીએ છેલ્લાં વર્ષોમાં નિષ્ફળ રીતે ઉપાડેલા મુદ્દાઓની સંખ્યા વધતી જાય છે. રાફેલ, ચોકીદાર ચોર હૈ, સબ મોદી ચોર હૈ, વીર સાવરકર માફી વીર છે, અદાણી-અંબાણીની સરકાર, અનામત નાબૂદ કરી નાખશે, લોકતંત્ર ખતરામાં છે, જેટલી જેની જનસંખ્યા તેટલી તેની હિસ્સેદારી, જાતિ આધારિત જનગણના, ડેડ ઇકાનામી અને તે પછી મતદાર ચોરી. ઇવીએમ બાબતે ચૂંટણી પંચે રાજકીય પક્ષના પ્રતિનિધિને બોલાવ્યા હતા, કોઈ ન આવ્યું. મતદાર ચોરી બાબતે ચૂંટણી પંચે રાજકીય પક્ષોને આવેદન આપવા કહ્યું, સીપીઆઈ સિવાય કોઈ ન આવ્યું. રાહુલ ગાંધી પાસે સોગંદનામા પર ડેટા માગ્યો. રાહુલે કહ્યું, મારું નિવેદન જ મારું સોગંદનામું.
તેમની સાથે મતદાર અધિકાર યાત્રામાં જેની પાસે ‘મારો મત ચોરી થયો’ હોવાનું કહેવડાવ્યું તે સુબોધકુમાર કોઈ સામાન્ય નાગરિક નહોતો પણ રાષ્ટ્રીય જનતા દળનો બુથ સ્તરનો એજન્ટ નીકળ્યો. કર્ણાટકમાં કોંગ્રેસના જ નેતા અને સરકારમાં પ્રધાન એન. રાજન્નાએ કહ્યું કે પહેલાં હામવર્ક તો કરો. આ મતદાર યાદી તો આપણી અગાઉની સરકાર સમયે જ બની હતી. પરિણામ? રાજન્ના પાસેથી ત્યાગપત્ર લઈ લેવાયો.
રાહુલ ગાંધીએ ગત જાન્યુઆરીમાં પટનામાં સંવિધાન સુરક્ષા સંમેલનમાં કહ્યું કે આ જનગણના બનાવટી છે. સાશિયલ મીડિયા પર લોકોએ કહ્યું કે આ જનગણના તો કોંગ્રેસ સમર્થિત સરકારના સમયમાં જ થઈ હતી.
રાહુલ ગાંધીના પીઠબળથી કોંગ્રેસી નેતાઓ ગમે-તેમ બોલવા આગળ આવી જાય છે અને તેમને ઉચ્ચ પદો પણ મળે છે. ૨૦૧૯ની ચૂંટણી સમયે ગાંધી પરિવારના ખૂબ જ નિકટ સામ પિત્રોડાએ ૧૯૮૪ના શીખોના નરસંહાર અંગે કહ્યું હતું, ‘હુઆ તો હુઆ’. અર્થાત્ કોઈ પસ્તાવો નથી.
તેમણે ૨૦૨૪ની ચૂંટણી સમયે કહ્યું હતું, ‘પશ્ચિમ ભારતીયો અરબ જેવા લાગે છે, પૂર્વના લોકો ચીની જેવા, દક્ષિણના લોકો આફ્રિકી જેવા અને ઉત્તરના લોકો ગોરા જેવા.’ આ નિવેદન પછી અસ્થાયી રૂપે સામ પિત્રોડાને હટાવી દેવાયા અને થોડા જ સમયમાં પક્ષમાં પાછા લઈ લેવાયા.
કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે કહ્યું હતું કે મોદી વડાપ્રધાન તો નહીં જ બની શકે પરંતુ અમારા કાર્યાલયમાં ચા વેચી શકે છે. અય્યરે ૭ ડિસેમ્બર ૨૦૧૭એ, મોદીને ‘નીચ’ પણ કહ્યા હતા અને ગુજરાત ચૂંટણીમાં ભાજપની હારની બાજી જીતમાં પલટાઈ ગઈ હતી. જોકે હવે એ તેમનો હરિરસ ખાટો થઈ ગયો લાગે છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “રાજીવ ગાંધી જબ પ્રાઇમ મિનિસ્ટર બને થે, તબ લોગો ને સોચા થા, મૈંને સોચા થા, યે ઍરલાઇન્સ પાઇલાટ હૈ, દો બાર ફેઇલ હો ચૂકા હૈ, મૈં ઉનકે સાથ પઢા થા કેમ્બ્રિજ મેં, વહાં વો ફેઇલ હો ચૂકે હૈ, ઔર કેમ્બ્રિજ મેં ફેઇલ હોના બહોત હી મુશ્કિલ હૈ. ફર્સ્ટ ક્લાસ મિલના આસાન હૈ. લેકિન ફેઇલ હોના બહોત મુશ્કિલ હૈ ક્યોંકિ યુનિવર્સિટી અપની છબિ કો બચા રખને કે લિએ, બરકરાર રખને કે લિએ કોશિશ કરતી હૈ, કે સભી કમ સે કમ પાસ તો હો જાએ. લેકિન ઇસ કે બાવજૂદ રાજીવ ફેઇલ હુએ. ફિર વો ગયે ઇમ્પિરિયલ કાલેજ લંડન, વહાં દો બાર ફેઇલ હુએ. તો મૈંને સોચા કે ઐસે વ્યક્તિ કો ક્યા પ્રધાન મંત્રી બનાના.”
એ વાત અલગ છે કે રાજીવ ગાંધી સરકારમાં ઈ. સ. ૧૯૮૫થી ઈ. સ. ૧૯૮૯ દરમિયાન તેઓ વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)માં સચિવ હતા. રાજીવ ગાંધીના કારણે ઈ. સ. ૧૯૯૧માં તેમને ટિકિટ મળી અને તેઓ મયીલદુથરાઈ (તમિલનાડુ) બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા અને તેમાંય આડકતરી રીતે રાજીવ ગાંધીનો ફાળો કહેવાય કારણકે રાજીવની હત્યાના કારણે જ સહાનુભૂતિના મોજા પર સવાર થઈ કોંગ્રેસ લઘુમતીવાળી સરકાર બનાવી શકી હતી. રાહુલ ગાંધી અત્યારે ચૂંટણી પંચ પર ભાજપની કઠપૂતળી હોવાનો આક્ષેપ કરે છે, પરંતુ ત્યારે નિયમ મુજબ, જે બેઠક પર અભ્યર્થીનું મૃત્યુ/હત્યા થઈ હોય તેની જ ચૂંટણી મોકૂફ રાખવાના બદલે સમગ્ર ચૂંટણી મોકૂફ રખાઈ હતી, તેથી જ નરસિંહરાવની સરકાર બની હતી.
૨૦૦૭માં સોનિયા ગાંધીએ મોદીને ‘મૌત કા સૌદાગર’ (લેખક સંભવતઃ જાવેદ અખ્તર) કહ્યા. ૨૦૦૯માં બી. કે. હરિપ્રસાદે ‘ગંદી નાલી કા કિડા’ કહ્યા હતા. ૨૦૦૯માં કોંગ્રેસી રિઝવાન ઉસ્માનીએ મોદીનાં માતા કોણ છે, પિતા કોણ છે તેવો પ્રશ્ન કર્યો હતો, માર્ચ ૨૦૧૨માં કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ મોદીને દાઉદ ઇબ્રાહિમ સાથે સરખાવ્યા હતા, ૨૦૧૨માં જ ગુજરાત ચૂંટણી દરમિયાન કોંગ્રેસી હુસૈન દાલવઈએ મોદીને ‘ઉંદર’ કહ્યા હતા, ૧૩ જૂન ૨૦૧૨એ કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે મોદીને રાવણ, તો ૩ માર્ચ ૨૦૧૩એ મણિશંકર અય્યરે મોદીને વીંછી, સાપ અને ગંદા માણસ કહ્યા હતા, ૧૪ જુલાઈ ૨૦૧૩એ કોંગ્રેસના બેનીપ્રસાદ વર્માએ મોદીને ‘પાગલ કુત્તા’ કહ્યા હતા, ૧૩ જૂન ૨૦૧૩એ તત્કાલીન પ્રધાન જયરામ રમેશે મોદીને ‘ભસ્માસૂર’ કહ્યા હતા, ૮ જૂન ૨૦૧૩એ તત્કાલીન વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદે મોદીને ‘વાંદરા’ સાથે સરખાવ્યા. ૭ જૂન ૨૦૧૩એ પૂર્વ કેન્દ્રીય પ્રધાન રેણુકા ચૌધરીએ મોદીને ‘ન્યૂમોનિયાના વાઇરસ’ કહ્યા, ૭ જૂન ૨૦૧૩એ જ કોંગ્રેસના શાંતારામ નાઇકે મોદીને હિટલર અને સરમુખત્યાર પોલ પોટ સાથે સરખાવ્યા.
૨૮ માર્ચ ૨૦૧૪એ કોંગ્રેસ નેતા ઈમરાન મસૂદે મોદીની ‘બોટી બોટી કાટ દેંગે’ જેવી ચેતવણી આપી હતી અને તે પછી મસૂદનું પ્રમાશન થયું. તેઓ પ્રિયંકા ગાંધી વાડ્રાના નિકટના નેતા બની ગયા. ૧૬ મે ૨૦૧૬એ કોંગ્રેસી નેતા રાશીદ અલ્વીએ મોદીને‘most stupid PM’કહ્યા હતા. ૬ આૅક્ટોબર ૨૦૧૬એ રાહુલ ગાંધીએ મોદીને ‘જવાનો કે ખૂન કે દલાલ’ કહ્યા હતા, ૨૭ નવેમ્બર ૨૦૧૭એ કોંગ્રેસી નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન આનંદી શર્માએ મોદીને ‘અસ્વસ્થ માનસિકતાવાળા’ કહ્યા હતા, ૯ ડિસેમ્બર ૨૦૧૭એ કાશ્મીરના કોંગ્રેસી નેતા સલમાન નિઝામીએ વડાપ્રધાન મોદીના પિતા અને દાદા કોણ છે તેવું પૂછી અપશબ્દો કહ્યા હતા, ૨૬ જૂન ૨૦૧૮એ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ મોદીને ઔરંગઝેબ કહ્યા હતા, ૨૫ આૅક્ટોબર ૨૦૧૮એ કોંગ્રેસી નેતા જિજ્ઞેશ મેવાણીએ મોદી માટે વિવાદિત શબ્દો બોલતા, તેમને ‘નમકહરામ’ કહ્યા હતા.
૨૨ નવેમ્બર ૨૦૧૮એ રૂપેરી પડદા પરના ખલનાયક અને કોંગ્રેસના નેતા રાજ બબ્બરે કહ્યું કે ડાલર સામે રૂપિયો વડાપ્રધાનની માની વયની નજીક પહોંચી ગયો છે, ૨૫ નવેમ્બર ૨૦૧૮ના દિને જિજ્ઞેશ મેવાણીએ મોદીને ‘નાલાયક દીકરા’ કહ્યા હતા, ૨૫ નવેમ્બર ૨૦૧૮એ જ કોંગ્રેસ નેતા વિલાસરાવ મુત્તેમવારે વડાપ્રધાન મોદીના પિતાને ગાળો આપી, તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની ચાર પેઢીને લોકો જાણે છે, પરંતુ મોદીના પિતા કોણ છે તે કોઈ જાણતું નથી. ૨૬ નવેમ્બર ૨૦૧૮એ ઝારખંડ કોંગ્રેસના નેતા ઈરફાન અન્સારીએ ‘સાલા મોદી’ કહ્યું હતું. ૩ ડિસેમ્બર ૨૦૧૮એ કોંગ્રેસ નેતા મહેન્દ્રજીતસિંહ માલવીયએ વડાપ્રધાન મોદી અને તેમની માતા અંગે અપશબ્દ કહ્યા હતા. ૭ ડિસેમ્બર ૨૦૧૮એ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ મોદીને મોહમ્મદ બિન તુગલક સાથે સરખાવ્યા હતા.
૨૫ ડિસેમ્બર ૨૦૧૮એ બિહારના કોંગ્રેસ નેતા શ્યામસુંદરસિંહ ધીરજે મોદીને નટવરલાલ અને ચોર કહ્યા હતા, ૧૦ જાન્યુઆરી ૨૦૧૯એ પૂર્વ ગૃહ પ્રધાન અને કોંગ્રેસ નેતા સુશીલકુમાર શિંદેએ મોદીને હિટલર કહ્યા. ૨૫ જાન્યુઆરી ૨૦૧૯એ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાશીદ અલ્વીએ વડા પ્રધાન માટે અપશબ્દો વાપર્યા હતા અને કહ્યું કે મોદી પોતે મોટા-મોટા ઘરમાં રહે છે (જે તેમને વડાપ્રધાન તરીકે મળ્યું છે) પરંતુ પોતાની માતાને નાના ઓરડામાં રાખે છે. ૯ માર્ચ ૨૦૧૯એ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં તેલંગાણાનાં કોંગ્રેસનાં અધ્યક્ષા વિજયાશાંતિએ મોદીને ‘આતંકવાદી’ કહ્યા હતા. ૧૬ માર્ચ ૨૦૧૯એ કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ એક ટીવી ચર્ચામાં ર્સ્ંડ્ઢૈં નો અર્થ મસૂદ અઝહર, ઓસામા બિન લાદેન, દાઉદ ઇબ્રાહિમ અને આઈએસઆઈ કર્યો હતો.
૨૦૨૨માં કોંગ્રેસી નેતા શૈખ હુસૈને મોદીને કૂતરાના મૃત્યુએ મારવાની વાત કરી, અજય રાયે તેમને જમીનમાં દાટી દેશે તેવું કહ્યું, તો ૨૦૨૨માં જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુબોધકાંત સહાયે કહ્યું હતું કે મોદી હિટલર જેવું
મૃત્યુ પામશે. ૨૨ નવેમ્બર ૨૦૨૩ના દિને રાહુલ ગાંધીએ મોદીને ‘પનોતી’ કહ્યા હતા.
વિપક્ષે જો સત્તામાં આવવું હોય તો નમ્રતા શીખવી પડે. રાજીવ ગાંધી પણ વિપક્ષમાં આવ્યા હતા, સ્વેચ્છાએ આવ્યા હતા. ૧૯૮૯માં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ હતો. ધાર્યું હોત તો ગઠજોડથી સરકાર બનાવી શકત. પરંતુ બાફાર્સ કૌભાંડના કારણે જનમત તેમના વિરુદ્ધ છે તેવી તેમને જાણ હતી. આથી તેમણે વિપક્ષમાં બેસવાનું પસંદ કર્યું હતું. પરંતુ તેમણે વી. પી. સિંહ સામે અપશબ્દો નહોતા કહ્યા.
ઈન્દિરા ગાંધી પણ ૧૯૭૭માં વિપક્ષમાં આવ્યાં હતાં. પરંતુ તેમણે કે તે સમયના કોંગ્રેસીઓએ મોરારજી દેસાઈ કે અટલબિહારી વાજપેયી વિરુદ્ધ અપશબ્દો નથી કહ્યા.
મોદી કહે છે કે તેઓ ગાળોના પથ્થરોથી ભારતનું ભવ્ય ભવન બનાવે છે. મોદી સામે મંજુલથી માંડીને સતીશ આચાર્ય અણછાજતા કાર્ટૂન પણ બનાવે છે. પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી એ જ રીતે નથી થઈ જે રીતે નહેરુએ તેમના કાર્ટૂન બનાવનારાઓ સામે નહોતી કરી. જોકે સોનિયા ગાંધીની પડદા પાછળની સરકાર હતી ત્યારે ભ્રષ્ટાચાર વિરોધી અન્ના હઝારેનું આંદોલન થયું ત્યારે તીખું કાર્ટૂન બનાવનાર મુંબઈના કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદી સામે રાજદ્રોહનો અનુચ્છેદ કોંગ્રેસ સરકારે લગાડ્‌યો હતો.
વિપક્ષે સત્તામાં આવવું હોય તો નમ્રતા સાથે સાચા મુદ્દા ઉપાડવા પડશે. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડનવીસે શ્રમ કાનૂન બદલી રોજના દસ કલાક ફરજિયાત કરી દીધા છે. ભારતમાં એલન મસ્કની સ્ટારલિંકને ઇન્ટરનેટને અનુમતી આપી દેવાઈ છે. તેને આધાર કાર્ડ બનાવનાર યુઆઈડીએઆઈ સાથે ભાગીદાર બનાવાઈ છે. શું આધારનો ડેટા જોખમમાં નહીં આવે? આવા અનેક પ્રશ્નો છે, પરંતુ રાહુલ ગાંધી અને વિપક્ષો એવી રાજનીતિ કરી રહ્યા છે જેમાં ભાજપને ફાવતું જડી જાય છે. રાજીવ ગાંધીની હત્યા થઈ ત્યારે નરસિંહરાવે લઘુમતીવાળી સરકાર બનાવી હતી. ભાજપે ધાર્યું હોત તો તેને ઉથલાવી શક્યા હોત, પરંતુ ભારતે દેવાળું ફૂંક્યું હતું (જેના માટે કોંગ્રેસની સામ્યવાદી નીતિ જ ઉત્તરદાયી હતી) અને રાજીવજીની હત્યા થઈ હતી, કાશ્મીરમાં મુસ્લિમ ત્રાસવાદ, પંજાબમાં ખાલિસ્તાન અને પૂર્વમાં બોડો-નાગા-ઉલ્ફા વગેરે ઉગ્રવાદીઓ કેર વર્તાવી રહ્યા હતા. સમયની માગણી એ હતી કે ભાજપ વિપક્ષ તરીકે સમર્થન આપે. પંજાબમાં રાવે કે. પી. એસ. ગિલને છૂટો દૌર આપ્યો અને ખાલિસ્તાની આતંકવાદ સમાપ્ત થયો. ભાજપે તેનો મુદ્દો બનાવ્યો નહોતો. ઈન્દિરાજીની હત્યા સમયે સંઘના કેટલાક અગ્રણીઓએ પણ રાજીવ ગાંધીને સમર્થન આપ્યું હતું.
પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત ત્રાસાવદીઓએ પંથ પૂછીને મુસ્લિમેત્તર હિન્દુઓ અને ખ્રિસ્તીની હત્યા કરી તે પછી રાહુલ ગાંધી અને કોંગ્રેસનું વલણ પાકિસ્તાનને ખુશ કરનારું છે. અત્યારે ડાનાલ્ડ ટ્રમ્પે ભારત પર પચાસ ટકા સીમા શુલ્ક ઝીંક્યો છે અને તેઓ ભારતને મૃતઃપ્રાય અર્થતંત્ર કહે છે ત્યારે રાહુલ ગાંધી તેની ટીકા કરવાના બદલે પોતાના મંતવ્યને સમર્થન મળ્યું તેમ કહી પ્રસન્ન થાય છે. હકીકત એ છે કે ગત એપ્રિલ-જૂન ૨૦૨૫ના ત્રિમાસમાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૭.૮ ટકા રહ્યો છે. ટ્રમ્પના સલાહકાર પીટર નવર્રો ‘રશિયા પાસેથી કાચું તેલ ખરીદીને ભારતના બ્રાહ્મણો નફો મેળવી રહ્યા છે’ એમ કહી ભારતીયોને જાતિઓમાં વહેંચી અંદરોઅંદર લડાવવા માગે છે ત્યારે તેની સામે ન માત્ર સત્તા પક્ષ પરંતુ બધા જ રાજકીય પક્ષોએ એક થવાની આવશ્યકતા છે. jaywant.pandya@gmail.com

જ્યારે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યા થઈ હતી ત્યારે દેશે એકતા બતાવી હતી. અત્યારે ટ્રમ્પ સરકાર ભારતમાં જાતિવાદના નામે વેરઝેર ફેલાવવા માગે છે ત્યારે દેશવાસીઓએ અમેરિકાને પાઠ ભણાવવાનો છે. આમાં રાજકીય પક્ષો પણ આવી જાય છે.