ખરાબ હવામાનને કારણે, ગુરુવારે અમરનાથ યાત્રા માટે જમ્મુના યાત્રી નિવાસથી બેચ રવાના થશે નહીં. હવે હવામાન અનુકૂળ હોય ત્યારે ભક્તો અહીંથી રવાના થશે. અગાઉ, વહીવટીતંત્ર દ્વારા ૧૫ બેચ સફળતાપૂર્વક મોકલવામાં આવી છે. પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પ બંનેથી શ્રી અમરનાથજી યાત્રા આજ માટે સ્થગિત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદને કારણે, રસ્તાઓ પર તાત્કાલિક સમારકામ અને જાળવણી કાર્ય હાથ ધરવાની જરૂર છે.
તેથી, એવું નક્કી કરવામાં આવ્યું છે કે આજે બંને બેઝ કેમ્પથી પવિત્ર ગુફા તરફ કોઈ પણ પ્રકારની અવરજવરની મંજૂરી આપવામાં આવશે નહીં. જા કે, ગઈકાલે રાત્રે પંચતરણી કેમ્પમાં રોકાયેલા યાત્રાળુઓને બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન અને પર્વત બચાવ ટીમોની પૂરતી તૈનાતી હેઠળ બાલતાલ તરફ જવાની મંજૂરી આપવામાં આવી રહી છે.
કાશ્મીરના ડિવિઝનલ કમિશનર વિજય કુમાર બિધુરીએ જણાવ્યું હતું કે, “દિવસ દરમિયાન હવામાનની સ્થિતિને આધારે યાત્રા આવતીકાલે ફરી શરૂ થવાની સંભાવના છે.ડીઆઇપીઆર કાશ્મીરના જણાવ્યા અનુસાર, શ્રી અમરનાથજી યાત્રા ૨૦૨૫ દરમિયાન અત્યાર સુધીમાં ૨.૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ પવિત્ર ગુફાની મુલાકાત લીધી છે.
અમરનાથ યાત્રા દરમિયાન બુધવારે સાંજે વરસાદને કારણે બાલતાલ રૂટ પર એક દુઃખદ ઘટના બની હતી. રેલપથરી નજીક ઢ-ટર્ન પર ભૂસ્ખલન થતાં એક મહિલા ભક્તનું મોત થયું હતું. ૫૫ વર્ષીય સોના બાઈ રાજસ્થાનની રહેવાસી હતી. આ અકસ્માતમાં લગભગ નવ મુસાફરો ઘાયલ થયા છે. એક ગુમ છે અને શોધખોળ ચાલુ છે. ઘાયલોને બાલતાલ બેઝ કેમ્પમાં બનેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બુધવારે, શ્રદ્ધાળુઓ રાબેતા મુજબ અમરનાથ યાત્રાના રૂટ પર આવી રહ્યા હતા અને જઈ રહ્યા હતા. વરસાદ હોવા છતાં, શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ હતો. આ દરમિયાન, ભારે વરસાદને કારણે, રેલપથરી નજીક ઝેડ-ટર્ન પર ટેકરી પરથી યાત્રા માર્ગ પર મોટા પથ્થરો પડ્યા. શ્રદ્ધાળુઓ તેમાં ફસાઈ ગયા. સોનાબાઈને ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. ઘાયલોને તાત્કાલિક તબીબી સુવિધા પૂરી પાડવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.