વડોદરા રેલવે સ્ટેશન પર બાળ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. પ્રયાસ જુવેનાઈલ સંસ્થાએ આપેલી માહિતીને આધારે પોલીસે, આરપીએફ અને સીડબ્લ્યુસીની મદદથી બાળ મજૂરીના ઈરાદે મુંબઈ અને સુરત તરફ લઈ જવાતા ૧૭ જેટલા સગીર બાળકોને બચાવ્યા છે. આ બાળકો બિહાર અને મધ્યપ્રદેશના છે અને તેમને લાલચ આપીને તસ્કરી માટે લઈ જવામાં આવી રહ્યા હોવાની આશંકા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રયાસ જુવેનાઈલ સંસ્થાએ રેલવે
આભાર – નિહારીકા રવિયા પોલીસ ફોર્સને માહિતી આપી હતી, જેના આધારે કાર્યવાહી હાથ ધરી પોલીસે વડોદરા રેલવે સ્ટેશન પર ૨ વાગ્યે પહોંચેલી બોમ્બે હોલીડે સ્પેશિયલ ટ્રેનની સઘન તપાસ હાથ ધરી હતી. દરમિયાન છેલ્લા ૨-૩ ડબ્બામાંથી કુલ ૪૧ જેટલા બાળકો મળી આવ્યા હતા. આ તમામને પ્લેટફોર્મ પર લાવી તપાસ કરતા ૨૪ની ઉંમર ૧૮ વર્ષથી વધુ જણાઈ આવી હતી, જ્યારે ૧૭ બાળકો હજુ પણ સગીર વયના જ હોવાનું બહાર આવ્યું છે.
નાયબ પોલીસ અધિક્ષક (પશ્ચિમ રેલવે) જી. એસ. બારીયાના જણાવ્યા અનુસાર, આ તમામ બાળકો બિહાર અને મધ્યપ્રદેશ તરફના છે, જેઓને કોઈએ લાલચ આપીને બાળ મજૂરીના ઇરાદે તસ્કરી માટે લઈ જવાતા હતા. તપાસ દરમિયાન આ બાળકો એક સાથે ૨-૨, ૩-૩ના જૂથમાં વહેંચાઈને ટિકિટ ખરીદી મુસાફરી કરી રહ્યા હતા. પૂછપરછ દરમિયાન આ કિશોરો, કાકા અને મામા જેવા વગેરે સંબંધીઓની ઓળખ આપી ત્યાં જઈ રહ્યા હોવાનું કહેતા હતા. જાકે આ બાળકોનું નેતૃત્વ કરનાર કોઈ લીડર હજુ સુધી ઝડપાયો નથી.
આ ઘટના અંગે પ્રયાસ જુવેનાઇલ સંસ્થાના સભ્ય હરીશ પરમારે જણાવ્યું કે, ‘સંસ્થાની હેડ ઓફિસ તરફથી અમને આ બાળ તસ્કરીની માહિતી મળી હતી. જે બાદ સમગ્ર મામલાની પોલીસને જાણ કરતા હકીકત સામે આવી હતી અને હાલ ટ્રેન મારફતે લઈ જવા બાળ મજૂરી માટે લઈ જવાતા ૧૭ જેટલા બાળકોને બચાવી લેવાયા છે. સાથે જ ભવિષ્યમાં પણ બનતી બાળ તસ્કરીના આવી ઘટનાઓ રોકવાની સંસ્થા સંપૂર્ણ પ્રયાસો રહેશે.’
હાલ આ મામલે પોલીસે, આ રેકેટ સાથે સંકળાયેલા તસ્કરોની શોધખોળ શરૂ કરી છે અને આગળની તપાસ ચાલુ છે. સાથે બચાવાયેલા બાળકોના વાલીઓનો સંપર્ક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેથી તેમને તેમના પરિવારોને સોંપી શકાય. આ બાળકોને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે, જે તેમના ભવિષ્ય અંગે નિર્ણય લેશે.
નોંધનીય છે કે, રેલવે પોલીસ અને સ્થાનિક સામાજિક સંસ્થાઓની સંયુક્ત કાર્યવાહીને કારણે આ રેકેટનો ભાંડાફોડ થયો છે. ત્યારે પોલીસે પણ જણાવ્યું કે, આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે સતત નજર રાખવામાં આવશે. આ ઘટના ફરી એકવાર બાળ તસ્કરી અને બાળ મજૂરીની સમસ્યાને પ્રકાશમાં લાવી છે.