શહેરમાં અવાવરું જગ્યાએ એક યુવકનો મૃતદેહ વૃક્ષ પર લટકતી હાલતમાં મળી આવતા ચકચાર મચી છે. સૌથી પહેલા આ ઘટનાની જાણ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને થઈ હતી. જે બાદ ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા. અંતે પોલીસને જાણ કરાતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ શરુ કરી હતી. દરમિયાન ઘટનાસ્થળ પરથી બાઈક પણ મળી આવ્યું હતું. જેની પરથી પોલીસને મૃતકની ઓળખ કરવામાં સફળતા મળી છે. જોકે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોલીસ તપાસ હજુ શરુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના સાવલી વસંતપુરા રોડ પાસેની આ ઘટના છે, જ્યાં અવાવરું જગ્યાએ એક વૃક્ષ પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ સાવલી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજા મેળ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી આગળની તપાસ હાથ ધરી હતી. દરમિયાન ઘટનાસ્થળ પરથી રોડની બાજુમાં પાર્ક કરેલું એક બાઇક પણ મળી આવ્યું હતું.
ઘટનાસ્થળ પરથી મળી આવેલુ બાઇક આ મૃતક યુવકનું હોવાનું અનુમાન લગાવી મૃતકની ઓળખ માટે તપાસ શરુ કરી હતી. જેના પરથી મૃતકની ઓળખ કરાતા મૂળ ડેસર તાલુકાના જેસર ગામનો રહેવાસી ૨૮ વર્ષીય વિજય જશવંતસિંહ ચૌહાણ તરીકે થઈ છે. જેથી પોલીસે તાત્કાલિક ધોરણે મૃતકના પરિવારોને તેમને જાણ કરી મૃતદેહ સોંપવાની કાર્યવાહી શરુ કરી છે.
ઉલ્લેખનિય છે કે, પોલીસની પ્રાથમિક તપાસમાં હજુ સુધી યુવકના મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી. પરંતુ આ ઘટના આત્મહત્યા છે કે અન્ય કોઈ ષડયંત્રનો ભાગ હોઈ શકે છે, માટે પોલીસે તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે અને પોલીસે મૃતકના પરિવારજનોનો સંપર્ક કરીને વધુ માહિતી મેળવવાની કોશિશ શરૂ કરી છે.
કોઈ આવી રીતે અવાવરું જગ્યાએ યુવકનો મૃતદેહ મળી આવવાની ઘટના સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે અને લોકોમાં ચોંકાવનારી અને રહસ્યમય ઘટનાને લઈને અનેક
અટકળો ચાલી રહી છે. તો બીજી તરફ પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને તપાસમાં સહકાર આપવા અપીલ કરી છે. આ ઘટના અંગે વધુ માહિતી મળે ત્યારે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવશે.