વડોદરામાં ઈરફાન શેખ નામના શખ્સે અહીં આવેલા ભગવાન રામના મંદિરમાં ઘૂસીને ધમાલ મચાવી હતી. તેણે મદિરમાં તડફોડ કરીને તેને રોકવા ગયેલા યુવક, તેના પિતા અને મિત્રને પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવની વિગત મુજબ વડોદરા શહેરના આજવા રો઼ડ પર એકતાનગરમાં આવેલા ભગવાન રામના મંદિરમાં ઘૂસી ઈરફાન શેખે તોડફોડ કરી શહેરની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કર્યો હતો.
ઈરફાન મંદિરમાં ઘૂસી ‘આ તમારા રોજના મંદિરની આરતીના નામે ધતિંગો બંધ કરો’ કહી સ્પીકર સહિત પૂજાપાઠનો સામાન ફેંકી દીધો હતો તેમજ મંદિરમાં હાજર યુવક અને તેની માતાને માર માર્યો હતો, સાથે યુવક, તેના પિતા અને તેના મિત્રને ઈદે પતાવી દેવાની ધમકી આપી હતી. બાપોદ પોલીસે તાત્કાલિક ઈરફાનને પકડી પાડી તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આજવા રોડ પરના એકતાનગર મરાઠી મહોલ્લામાં રહેતો ૧૯ વર્ષીય અક્ષય હરીશભાઈ સરાણિયા મંગળવારે સાંજે સાત વાગ્યે ગણપતિ ચોકમાં આવેલા ભગવાન રામના મંદિરે આરતી કરવા ગયો હતો અને આરતી પતાવી મંદિરમાં અગરબત્તી કરતો હતો.
એ સમયે મંદિરની પાછળ રહેતો ઇરફાન મોહંમદ શેખ મંદિરની સામે આવી ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે ‘આ તમારા રોજના મંદિરની આરતીના નામે ધતિંગો બંધ કરો.’ જાકે ત્યાર બાદ તે મંદિરમાં ઘૂસી ગયો હતો અને મંદિરમાં રાખેલા ભગવાન રામના ફોટા નીચે ફેંકી દીધા હતા તેમજ ભગવાન રામની માળા ખેંચીને ગોળ ફરાવીને ફેંકી હતી, મંદિરમાં રાખેલા દીવા સહિતનો સામાન પણ નીચે ફેંકી દીધો હતો. આટલું જ નહીં, ઈરફાને આરતી વગાડવા માટે રાખેલું એમ્પલીફાયર તથા સ્પીકર પણ નીચે ફેંકી દીધું હતું.ફરિયાદી અક્ષય સરાણિયાએ જણાવ્યું હતું કે વિધર્મી ઈરફાન શેખે મંદિરમાં તોડફોડ કરી છે.
હું આરતી કરીને મંદિરની બહાર નીકળ્યો હતો અને ઘરે જ પહોંચ્યો હતો અને એમ્પલીફાયરનો ધડામ દઈને અવાજ આવ્યો હતો, જેથી હું પાછો મંદિરે આવ્યો હતો, જ્યાં ઈરફાન મંદિરમાં તોડફોડ કરી રહ્યો હતો. હું તેને રોકવા ગયો તો તેણે મને માર માર્યો હતો. આ સમયે મારી મમ્મી પણ આવી હતી અને ઈરફાને મારી મમ્મીને પણ ધક્કો માર્યો હતો. મેં તેને કહ્યું હતું કે તમારી નમાજમાં અમને કોઈ પ્રોબ્લેમ નથી, તો અમારી ૭ વાગ્યાની આરતીમાં તમને શું પ્રોબ્લેમ થાય છે. ત્યારે ઈરફાને હનુમાન ચાલીસા કરવાની ના પાડી હતી અને કહ્યું હતું કે આ ધતિંગ બંધ કરી દો, આ બધું ફેંકી દો, નહીં તો અમે આવીને તમને મારી નાખીશું.
ત્યાર બાદ મને હવે ધમકી મળી છે કે મને ઇદના દિવસે પતાવી દેવાનો પ્લાન છે, મારા પપ્પા અને મારા એક મિત્રને પણ મારી નાખવાની ધમકી આપી છે.ફરિયાદી અક્ષયની માતા ગાયત્રીબેન સરાણિયાએ જણાવ્યું હતું કે મારા દીકરાએ ભગવાન રામજીના મંદિરમાં આરતી વગાડી હતી, જેથી ઇરફાને કહ્યું હતું કે તમે આરતી ના વગાડશો, અમને તકલીફ પડે છે. તમે આ બધું બંધ કરો, તમારું કાયમનું આ નાટક છે. તમે ધતિંગ કરીને વગાડો છો, એમ કહી એમ્પલીફાયર અને સ્પીકર તોડી નાખ્યાં હતાં અને ભગવાનના ફોટાને લાત મારી હતી અને માળા પણ તોડી નાખી હતી. અમે મંદિરમાંથી પેનડ્રાઇવ ચોરાઈ જાય છે એના માટે અરજી પણ આપી છે.
એક અઠવાડિયા પહેલાં પણ પથ્થરમારો કર્યો હતો. એ સમયે અમે પોલીસ ફરિયાદ આપી હતી, પરંતુ બાપોદ પોલીસે યોગ્ય કાર્યવાહી કરી નહોતી. આ લોકોનો ત્રાસ ખૂબ વધી ગયો છે. હનુમાન ચાલીસા અને રામધૂન વાગે એમાં પણ તેમને પ્રોબ્લેમ છે.ઘટનાની જાણ થતાં પોલીસ ઈરફાન શેખને પકડી એકતાનગર પોલીસચોકી લઈ ગઈ હતી, જાકે ત્યાં ઈરફાન બૂમાબૂમ કરવા લાગ્યો હતો. પોલીસે તેને શાંત રહેવાનું કહેતાં તેણે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.
આ દરમિયાન પોલીસનું વાહન ત્યાં આવી જતાં ઈરફાન ઉશ્કેરાઈ ગયો હતો. પોલીસે તેને વાહનમાં બેસવાનું કહેતાં તેને પોલીસચોકીના ટેબલ પરના કાચ નીચે રાખેલું કપડું ખેંચતાં ત્યાં મૂકેલા બે કાચના ભાગ નીચે પડીને તૂટી ગયા હતા.એકતાનગરમાં આવેલા આ જ મંદિરે વર્ષ ૨૦૨૪ માર્ચ મહિનામાં લાઉડસ્પીકરમાં ચાલતી હનુમાન ચાલીસાનો અવાજ ઓછો કરવાના મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ટોળું મંદિરે લાઉડસ્પીકરનો અવાજ ઓછો કરાવવા પહોંચ્યું હતું. ત્યારે જાતજાતાંમાં સ્થળ પર પથ્થરમારો થઈ ગયો હતો. ૮૦થી ૯૦ જણનાં ટોળા સામ-સામે આવી ગયાં હતાં. ત્યારે ઘટનામાં ત્રણ જણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બાપોદ પોલીસ દ્વારા ૨૫થી ૩૦ જણના ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે આ જ મંદિરે ફરી ઘટના બની હતી. ૧ વર્ષ જેટલા સમય બાદ ફરી મંદિરને લઈ શહેરની શાંતિ ડહોળવાનો પ્રયત્ન થયો છે.