વડીયા ખાતે સુરગવાળા હાઇસ્કૂલ અને સરકારી આટ્‌ર્સ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ કેમ્પસમાં આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત બે દિવસીય મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન હાથ ધરાયું છે. આ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન તાલુકા પંચાયત પ્રમુખ પરસોત્તમભાઈ હિરપરાના હસ્તે વડીયા ગ્રામ પંચાયતના સરપંચ મનીષભાઈ ઢોલરીયા, તાલુકાના પદાધિકારીઓ અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. પ્રમુખ પરસોત્તમભાઈએ આ આયોજનને બિરદાવતા કહ્યું હતું કે, દેશના છેવાડાના માનવી સુધી સરકારની જન કલ્યાણકારી યોજનાઓની માહિતી પહોંચે તે ખરેખર સરાહનીય બાબત છે. તેમણે સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી અને સ્વદેશીને પ્રાથમિકતા આપવી એ જ આત્મનિર્ભરતા તરફનું પહેલું પગલું હોવાનું જણાવ્યું હતું. કેન્દ્રીય સંચાર બ્યુરો, જૂનાગઢનાં અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, આ મલ્ટીમીડિયા પ્રદર્શનમાં ડિજિટલ આકર્ષણો, સ્પર્ધાઓ, સરકારી યોજનાઓની જાણકારી આપતા વિવિધ વિભાગોનાં સ્ટોલ્સ, યોજનાકિય જાણકારી આપતું સાહિત્ય અને નાટ્ય પ્રસ્તુતિ દ્વારા એક જ સ્થળેથી સરકારની વિભિન્ન યોજનાઓ અને અભિયાન અંગેની જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. ઉદ્‌ઘાટન સમારોહમાં વડીયા-કુંકાવાવ પત્રકાર એકતા પરિષદના પ્રમુખ ભીખુભાઈ વોરા, સીડીપીઓ ડિમ્પલબેન સાપરિયા, મેડિકલ ઓફિસર
ડો.તૃપ્તિબેન સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.