અમરેલી જિલ્લાના વડીયામાં ગ્રામ પંચાયત પાછળ આવેલા ઢૂંઢિયાપીપળીયા તરફના આરસીસી રોડમાં માત્ર ૨ વર્ષના ટૂંકા સમયગાળામાં જ મોટા ગાબડાં પડી જતા ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. રોડ પર અનેક જગ્યાએ લોખંડના સળિયા બહાર આવી ગયા છે. ભૂતકાળમાં સરપંચના વિરોધ અને મંત્રીના નિરીક્ષણ છતાં કોન્ટ્રાક્ટરને પેમેન્ટ ચૂકવી દેવાતા હવે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. જ્યારે આ રોડ બની રહ્યો હતો ત્યારે જ નબળી કામગીરી બાબતે વડીયા સરપંચ મનીષ ઢોલરીયા દ્વારા આ વિસ્તારના ધારાસભ્ય અને હાલના રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરીયાને ફરિયાદ કરવામાં આવી હતી. તે સમયે તત્કાલીન નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ કામનું જાત નિરીક્ષણ પણ કર્યું હતું અને સરપંચે પેમેન્ટ અટકાવવા રજૂઆત કરી હતી. તે સમયે સરપંચનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. જોકે, સૂત્રોના જણાવ્યા મુજબ રાજકીય વગના કારણે વિવાદ શાંત પડ્‌યા પછી આ રોડના કામનું પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું હતું.
આ રોડ પર ખાડા એટલા મોટા છે કે મોટી ઉંમરના લોકોને પોતાનું વાહન દોરીને કાઢવું પડે છે. નવાઈની વાત એ છે કે આ જ રોડને જોડતો બીજો રોડ જે ૫ થી ૬ વર્ષ પહેલા બન્યો હતો તેમાં એક પણ ખાડો જોવા મળતો નથી, જે સાબિત કરે છે કે નવા રોડમાં પેટ ભરીને ભ્રષ્ટાચાર થયો છે. હાલ વડીયાના લોકો આ નબળી ગુણવત્તાના કામથી મુશ્કેલી ભોગવી રહ્યા છે. લોકોમાં માંગ ઉઠી છે કે ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો કરતા નેતાઓ નરી આંખે દેખાતા આ ભ્રષ્ટાચાર બાબતે આગળ આવે અને નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવડાવે.