વડીયા મોંધીબા પ્રાથમિક શાળામાં વીજ સલામતી અને વીજ બચત અંગે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વીજ સલામતી સપ્તાહ અંતર્ગત યોજાયો હતો, જેમાં વડીયા પી.જી.વી.સી.એલ. ના નાયબ ઇજનેર એન.આર. પટેલ, જુનિયર ઇજનેર બોરડ તેમજ નાયબ હિસાબી અધિક્ષક આર.આર. તળાવીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને વીજળીનો સુરક્ષિત ઉપયોગ, ઘરમાં તથા જાહેર સ્થળોએ વીજ સલામતી કેવી રીતે જાળવવી તેમજ અનાવશ્યક વીજ વપરાશ કેવી રીતે ઘટાડવો તે બાબતે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહેમાનો દ્વારા “વીજ બચત એટલે ભવિષ્યની સલામતી” અને “વીજ સલામતી એટલે જીવનની સલામતી” જેવા અસરકારક નારા આપી વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી.