વડીયાના તોરી-રામપુર રોડ પર ગોડાઉનના કામની મજૂરી અને ભાગીદારી બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પાઇપ અને તીક્ષ્ણ હથિયારો વડે થયેલા આ હુમલામાં બંને પક્ષે ઈજાઓ પહોંચતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચંદુભાઈ ઉકાભાઇ રાઠોડ (ઉ.વ.૩૯) એ નરેશ ગોવિંદભાઇ સાગઠીયા, ભીખુભાઈ ગોવિંદભાઈ સાગઠીયા, ગોવિંદભાઈ સામતભાઈ સાગઠીયા તથા વૈભવભાઈ કરસનભાઈ સાગઠીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ અને સાહેદો જ્યારે રામપુર-તોરી રોડ પર ઉભા હતા, ત્યારે આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો. દસ-બાર દિવસ પહેલા પીઠડીયા ચોકડી પાસે એક ગોડાઉનનું કામ રાખવામાં આવ્યું હતું. જેમાં આરોપી માત્ર બે જ દિવસ કામ પર આવ્યો હોવાથી ફરિયાદીએ તેને મજૂરીના ૨૦૦૦ રૂપિયા ચૂકવી દઈ હવેથી કામમાં ભાગ નહીં મળે તેમ જણાવ્યું હતું. આ બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓએ નશાની હાલતમાં ફાઈબરના પાઇપ વડે ફરિયાદીને માથા, હાથ-પગ અને વાંસાના ભાગે આડેધડ માર માર્યો હતો. અન્ય ત્રણ આરોપીઓએ પણ ભેગા મળીને ઢીકાપાટુનો માર મારી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ ગોવિંદભાઈ સામતભાઈ સાગઠીયા (ઉ.વ.૬૦) એ ચંદુભાઈ ઉકાભાઇ રાઠોડ (ઉ.વ.૩૯) સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, પીઠડીયા ચોકડી પાસે રાખેલા ગોડાઉનના કામના બાકી નીકળતા ૩૯૦૦ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આ પૈસા માંગતા આરોપીને સારું નહોતું લાગ્યું અને તેણે લોખંડના પાઇપ વડે ફરિયાદીની છાતીના ભાગે ઘા ઝીંકી દીધો હતો.








































