વડીયા તાલુકાના ઢુંઢિયા પીપળીયા ગામનો સૂરજ તા.૧૮ની વહેલી સવારે ગામમાં બનેલી દર્દનાક ઘટનાને લઈ ઉગ્યો હતો. કારણ કે તા.૧૭ની મધ્યરાત્રિએ ગામમાં વયોવૃધ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હોવાની ગ્રામજનોને જાણ થતા સમગ્ર વડીયા પંથક સહિત અમરેલી જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ગામના વયોવૃધ્ધ દંપતીની નિર્મમ હત્યાથી આખા ગામમાં શોક સાથે રોષનો માહોલ છવાયો હતો. જા કે અમરેલી જિલ્લા પોલીસે માત્ર ૮ દિવસમાં જ ડબલ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. માત્ર ૮ દિવસમાં ગુનાનો ભેદ ઉકેલાઈ જતા અમરેલી જિલ્લા પોલીસ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. અમરેલી જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સમાં આરોપીઓને રજૂ કરી માહિતી આપી હતી કે, તા.૧૭ની મધ્યરાત્રિએ વડીયા તાલુકાના ઢુંઢિયા પીપળીયા ગામે રહેતા ચકુભાઈ રાખોલીયાના મકાનમાં કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરવાના ઈરાદે ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ્યા હતા. ચકુભાઈ તથા તેમના પત્ની કુંવરબેન બંને સુતા હોય તે દરમિયાન અજાણ્યા ચોર ઈસમોએ તિક્ષ્ણ હથિયાર વડે કુંવરબેનના માથામાં ગંભીર ઈજા કર્યા બાદ ચકુભાઈના માથા પર પણ ગંભીર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. વૃધ્ધ દંપતીની હત્યા કર્યા બાદ અજાણ્યા ચોર ઈસમોએ મકાનના રૂમમાં લોખંડના કબાટનું તાળુ તોડી અને કબાટમાંથી રોકડ રકમ રૂ. બે લાખની લૂંટ કરી નાસી ગયા હતા. જે અંગે મરણ જનારના દીકરા હસમુખભાઈ રાખોલીયાએ વડીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઢુંઢિયા પીપળીયામાં ડબલ મર્ડરની ઘટના બનતા અમરેલી જિલ્લા પોલીસ પણ ચોંકી ગઈ હતી તેમજ ડબલ મર્ડરની ઘટનાથી આખા જિલ્લામાં હાહાકાર મચી ગયો હતો. કોઈપણ ભોગે હત્યારાઓને પકડવા માટે ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમારે અમરેલી જિલ્લા પોલીસને સૂચના આપી હતી. જેથી અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા તાત્કાલિક ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. પોલીસે ટીમ બનાવી હત્યારાઓને ઝડપવા માટે શોધખોળ આદરી હતી. પોલીસે ૮ દિવસની મહેનત બાદ ઢુંઢિયા પીપળીયા ગામે થયેલી લૂંટ વિથ ડબલ મર્ડરના આરોપીઓને પકડી પાડવામાં સફળતા મેળવી હતી. પોલીસે લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટનામાં કુલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખતા અમરેલી જિલ્લા પોલીસ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

ગામના ત્રણ શખ્સોએ પરપ્રાંતીય સાથે મળી હત્યાને અંજામ આપ્યો

પડકાયેલ આરોપીઓની વિગત
ઢુંઢિયા પીપળીયા ગામે રહેતા ચકુભાઈ અને તેમના પત્ની કુંવરબેનની હત્યા તેમના ગામના ત્રણ શખ્સો અને એક પરપ્રાંતીય મળી ચાર શખ્સોએ સાથે મળી કરી હતી. હત્યારાઓમાં બે સગા ભાઈઓ સામેલ છે. જેમાં હત્યાનો મુખ્ય સુત્રધાર રામજી ઉર્ફે બાલો પ્રાગજીભાઈ સોલંકી ઉં.વ. રપ રહે. ઢુંઢિયા પીપળીયા, આશિષ ઉર્ફે બાવ પ્રાગજીભાઈ સોલંકી ઉં.વ. રર રહે. ઢુંઢિયા પીપળીયા, અનીલ કેશુ સોલંકી ઉં.વ. રપ રહે. ઢુંઢિયા પીપળીયા અને મીઠુ ઉર્ફે રામસિંગ પીડીયાભાઈ મુહા રહે. બડી ઢેબર, મુ. મુંહા ફળીયુ, તા.જિ. જામ્બુઆ(મધ્યપ્રદેશ) વાળાને પોલીસે દબોચી લીધા હતા. પોલીસે તમામ આરોપીઓની કડક ભાષામાં પૂછપરછ કરતા તમામે લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.

આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો

ઢુંઢિયા પીપળીયા ગામે વૃધ્ધ દંપતીની હત્યા કરનાર મુખ્ય સુત્રધાર બાલાનો ગુનાહિત સામે આવ્યો છે. જેમાંં બાલા સામે વડીયા પોલીસમાં પ્રોહિબિશનના ચાર ગુના નોંધાયેલા છે. જયારે અનિલ ઉર્ફે અનકો કેશુ સોલંકી સામે ભેસાણ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળનો ગુનો નોંધાયેલો છે તેમજ આશિષ ઉર્ફે બાવ પાગાભાઈ સોલંકી સામે પણ વડીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યુ છે.

આરોપીઓને ઝડપવા પ૦થી વધુનો પોલીસ સ્ટાફ જોડાયો
ઢુંઢિયા પીપળીયા ગામે વૃધ્ધ દંપતીની હત્યા બાદ ગ્રામજનોમાં ભારે આક્રોશ જાવા મળ્યો હતો. જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા ગુનાની ગંભીરતા સમજી કોઈપણ ભોગે આરોપીઓ ઝડપાઈ જાય તે માટે અમરેલી એલસીબી, એેસઓજી, પેરોલ સ્ક્વોર્ડની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. ડીવાયએસપી ચિરાગ દેસાઈ દ્વારા સમગ્ર ટીમનું સુપરવિઝન કરવામાં આવ્યુ હતું. આ તપાસમાં અમરેલી જિલ્લા પોલીસના ૪થી વધુ પીઆઈ અને પીએસઆઈ સહિત પ૦થી વધુ પોલીસની ટીમ જોડાઈ હતી.

ગ્રામજનોએ સુત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી
સમગ્ર અમરેલી જિલ્લામાં ચકચાર મચાવતી ડબલ મર્ડરની ઘટના નાનકડા એવા ગામમાં બનતા ગ્રામજનોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો. વૃધ્ધ દંપતીની લાશને વડીયા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આરોપીઓને ૧૦ દિવસમાં પકડવાની ઉગ્ર માંગ કરી હતી. જો કે ગ્રામજનોએ આપેલા ૧૦ દિવસના અલ્ટીમેટમ પહેલા જ માત્ર ૮ દિવસમાં ડબલ મર્ડરના આરોપીને ઝડપી હવાલાત પાછળ ધકેલી દીધા હતા.

વૃધ્ધ ઓળખી જતા ચારેય જણાએ ઢીમ ઢાળી દીધું
હત્યાનો મુખ્ય સુત્રધાર રામજી ઉર્ફે બાલો તેમજ તેના ભાઈ આશિષ સહિત ચાર લોકોએ
વૃધ્ધ ચકુભાઈના ઘરે ચોરીનો પ્લાન બનાવ્યો હતો. જેથી ચારેય ઈસમો તા.૧૭ના રોજ રાત્રિના ૧ર વાગ્યા પછી ચકુભાઈના ઘરની દિવાલ ટપી અંદર ગયા હતા. મકાનની અંદર ટ્રેકટરમાં ઉપયોગ કરવાની કોષ રાખેલ હોય તેનાથી મકાનના રૂમનું તાળુ તોડતા ચકુભાઈ જાગી ગયા હતા અને બાલાને જાઈને કહેલ કે તું પાગાનો છોકરો જ છો ને! જેથી બાલાએ અન્ય ઈસમોને કહેલ કે આ આપણને ઓળખી ગયેલ છે જેથી આને મારવો પડશે તેમ કહી બાલાએ ચકુભાઈને માથામાં કોષનો ઘા મારતા ચકુભાઈ લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતા. હુમલા બાદ બાજુના ખાટલામાં સુતેલા કુંવરબેન જાગી જતા મીઠુએ કુંવરબેનને પકડી રાખી આશિષે કુંવરબેનને પણ કોષના ઘા મારી પતાવી દીધા હતા.

હત્યા કર્યા બાદ ઈલેકટ્રીક સગડી લઈ નાસી ગયા
ઢુંઢિયા પીપળીયા ગામે ચારેય હત્યારાઓએ વૃધ્ધ દંપતીની હત્યા કર્યા બાદ તેમની લાશને ખાટલામાં રહેવા દઈ રસોડામાંથી ઈલેકટ્રીક સગડી મળતા આ સગડી અને લોહીવાળી કોષ લઈ દિવાલ કૂદી નાસી ગયા હતા અને અવાવરૂ જગ્યાએ સગડી અને લોહીવાળી કોષ ફેંકી દીધા હતા.
આરોપી બાલો વૃધ્ધના ખેતરે દવા છાંટવાનું કામ કરી ચુક્યો છે
અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે માહિતી આપતા જણાવ્યું હતું કે, આરોપી બાલો અગાઉ વૃધ્ધ ચકુભાઈના ખેતરમાં દવા છાંટવાનું કામ કરતો હતો અને બાલાને મજૂરીના પૈસા લેવાના પણ બાકી હતા. આરોપી બાલાના પરિવારને અને ચકુભાઈને એકબીજા સાથે સારી ઓળખાણ પણ હતી.

ગામમાં સીસીટીવી ન હોવાને કારણે મુશ્કેલી પડી: એસ.પી. સંજય ખરાત
ઢુંઢિયા પીપળીયા ગામે થયેલા ડબલ મર્ડરના ભેદને ઉકેલવા માટે ગામમાં સીસીટીવી ન હોવાને કારણે ખુબ જ મુશ્કેલી ઉભી થઈ હતી. જેથી જિલ્લાના દરેક ગામોના સરપંચોને જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે અનુરોધ કર્યો હતો કે દાતાઓના સહકારથી દરેક ગામમાં સીસીટીવી નાખવામાં આવે તો આવા ગુનાના ભેદ ઉકેલવામાં પોલીસને સરળતા રહે. કારણે ગામના મુખ્ય રસ્તાથી કોઈ આવે કે જાય તો પોલીસને ખબર પડે.

પોલીસે ર૦ કિ.મી. વિસ્તારના સીસીટીવી ફંફોળ્યા
ઢુંઢિયા પીપળીયામાં થયેલા ડબલ મર્ડરના આરોપીને પકડવા માટે અમરેલી પોલીસની જુદી-જુદી ટીમ દ્વારા ગામથી લઈ છેક ર૦ કિ.મી. દુર સુધીના સીસીટીવી ફંફોળ્યા હતા. શંકાસ્પદ તમામ ઈસમોની ગતિવિધીઓ તપાસી હતી. બનાવના દિવસે રોડ-રસ્તા પરથી પસાર થતા તમામ વાહનોને ચેક કરવામાં આવ્યા હતા. જે શંકાસ્પદ ઈસમો સીસીટીવીમાં દેખાયા હતા તે તમામ ઈસમોની પૂછપરછ કરવામાં આવી હતી.

ટેકનીકલ સોર્સ અને બાતમીદારોના નેટવર્કથી આરોપીઓ ઝડપાયા
પ૦થી વધુ પોલીસ કર્મચારીઓએ ડબલ મર્ડરના આરોપીઓને ઝડપી પાડવા બનાવના દિવસથી જ મહેનત કરી હતી. જો કે પોલીસે ટેકનીકલ સોર્સ અને બાતમીદારોને પણ કામે લગાડયા હતા. બાતમીદારોના જણાવ્યા મુજબ શંકાસ્પદ ઈસમ વિશે માહિતી મળતા પોલીસે આ ઈસમની પૂછપરછ કરતા હાવભાવમાં ફેરફાર થતો હોવાની પોલીસે નોંધ લીધી હતી. જા કે તે સમયે પોલીસે તેને જવા દીધો હતો પરંતુ પોલીસ તેની ઉપર નજર રાખી રહી હતી.

આજે ઢુંઢિયા પીપળીયા ગામે આરોપીઓનું
રિ-કન્ટ્રકશન કરાશે
વડીયાના ઢુંઢિયા પીપળીયા ગામે વૃધ્ધ દંપતીની નિર્મમ હત્યા કર્યા પછી આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ચુકયા છે ત્યારે આરોપીઓ કઈ રીતે દિવાલ ઠેકી ઘરમાં પ્રવેશ્યા સહિતની ઘટનાનું વડીયા પોલીસ દ્વારા રિ-કન્ટ્રકશન કરાવવામાં આવશે.

આરોપીયો રાજકોટ, બોટાદ, મધ્યપ્રદેશ ભાગી ગયા હતા
હત્યા કર્યા બાદ હત્યારાઓ પોલીસથી બચવા માટે બોટાદ, રાજકોટ અને મધ્યપ્રદેશ ભાગી ગયા હતા. પોલીસને જાણવા મળ્યું કે ગામમાંથી બે-ત્રણ ઈસમો  બનાવ બન્યા બાદ દેખાતા નથી જેથી પોલીસને આ ઈસમો પર શંકા વધુ દૃઢ બની હતી અને પોલીસની જુદી-જુદી ટીમ આરોપીઓને શોધવા જે તે ગામ ગઈ હતી.

આરોપીઓને ઝડપવા પરપ્રાંતીય મજૂરોની પૂછપરછ કરી
ઢુંઢિયા પીપળીયા ગામે થયેલી ડબલ મર્ડરની ઘટનામાં પ્રાથમિક તબક્કે પરપ્રાંતીય શખ્સોની સંડોવણી હોવાનું પોલીસ માની રહી હતી જેથી પોલીસે હત્યારાઓ કોણ છે તે બાબતે વડીયા પંથકમાં કામ કરતા પરપ્રાંતીય શખ્સોની ઉંડાણપૂર્વક પૂછપરછ કરી હતી. સાથોસાથ છોટા ઉદેપુર, દાહોદ તરફ જતી ખાનગી અને સરકારી બસમાં પણ તપાસ કરવામાં આવી હતી. આખરે ૮ દિવસની મહેનત બાદ ત્રણ આરોપીઓ ગામના જ હોવાનું સામે આવ્યું હતું.